23 મિનિટ પેહલા
- કૉપી લિંક
મલ્લિકા શેરાવતે ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’થી હિન્દી ફિલ્મોમાં કમબેક કર્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મલ્લિકાએ જણાવ્યું હતું કે તેને બાળપણથી જ તેના પરિવાર તરફથી સપોર્ટ મળ્યો નથી. અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે તેનો જન્મ થતાં જ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. જ્યારે દીકરાનો જન્મ ના થયો તો માતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
હોટરફ્લાયને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં પિતૃસત્તા અને પરિવારના સમર્થન વિશે વાત કરતા મલ્લિકા શેરાવતે કહ્યું કે, મને કોઈનો સપોર્ટ નહોતો. ન માતાનો, ન પિતાનો, ન કુટુંબનો.
માતા સાથે મલ્લિકા શેરાવતની તસવીર.
તેણે વધુમાં કહ્યું કે, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પરિવારમાં શોકનો માહોલ હતો. મારી માતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેનો શું વાંક હતો? તેના પર ઘણું દબાણ હતું. સમાજે તેમના પર એટલું દબાણ કર્યું હતું કે અમને માત્ર છોકરો જોઈએ છે. કલ્પના કરો, મારી ગરીબ માતા તે સમયે માત્ર 17 વર્ષની હતી. કલ્પના કરો કે ગર્ભવતી થવું અને બાળકને જન્મ આપવો કેટલું મુશ્કેલ બન્યું હશે, આવી સ્થિતિમાં લોકો તમને અભિનંદન આપવાને બદલે તમને 10 વાતો કહી રહ્યા છે. મારા દાદી કહેતા હતા કે છોકરાઓ હોય તો મૂળ જમીનમાં જાય છે.
મલ્લિકા શેરાવતે મહેશ ભટ્ટના વખાણ કર્યા હતા વાતચીતમાં મલ્લિકાને પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં કેટલાક સારા માણસો આવ્યા જ હશે. આના પર તેણે કહ્યું, મારા જીવનમાં ઘણા સારા માણસો રહ્યા છે, જેમણે મને આજે હું જે છું તે બનાવ્યું. કેટલાક લોકોએ મને પાંખો આપી, જેમ કે મહેશ ભટ્ટ સર. તેમણે મને પિતૃસત્તામાંથી મુક્ત કરવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. મર્ડર ફિલ્મના શૂટિંગ દરમિયાન હું તેમની સાથે કલાકો સુધી વાત કરતી હતી. તેમના વિચારો અને તેમના પરિવારની મહિલાઓ કે જેઓ ખૂબ જ પ્રગતિશીલ હતા તે જોઈને મારા માટે ઘણો ફરક પડ્યો.
ફિલ્મ ‘વિક્કી વિદ્યા કે વો વાલા વીડિયો’ 11 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે મલ્લિકા શેરાવત, વિજય રાઝ, અર્ચના પુરણ સિંહ સહાયક ભૂમિકામાં છે.