મુંબઈ37 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠી
- કૉપી લિંક
આજે સાઉથની ફિલ્મોની બોલબાલા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈનાથી છુપાયેલી નથી. સાઉથની ફિલ્મોના હિન્દી ડબ વર્ઝન પણ કમાણીની બાબતમાં બોલિવૂડ ફિલ્મોને માત આપી રહ્યાં છે. જોકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેલુગુ, તમિળ, કન્નડ અને મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મોને હિન્દી દર્શકો સુધી કોણ લઈ જાય છે? અમે તમને જણાવીએ છીએ…તે વ્યક્તિ ગોલ્ડમાઈન્સ ટેલીફિલ્મ્સના માલિક મનીષ શાહ છે.
મનીષ શાહ સાઉથની 80% ફિલ્મો હિન્દીમાં ડબ કરીને અહીંના દર્શકો સુધી લઈ જાય છે. મનીષ શાહે તેમની શરૂઆત 2007માં નાગાર્જુનની ફિલ્મ ‘માસ’થી કરી હતી. તેમણે આ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને ‘મેરી જંગ – વન મેન આર્મી’ નામ આપ્યું. આ ફિલ્મ ટેલિવિઝન પર ભારે હિટ બની હતી. આજે પણ આ ફિલ્મ ટીવી પર દેખાતી રહે છે.
ઉત્તર ભારતમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા પાછળ પણ મનીષ શાહનો જ હાથ છે. તેમણે પોતે જ આ ફિલ્મનું હિન્દી વર્ઝન રિલીઝ કર્યું છે. ફિલ્મના દરેક ડાયલોગ અને પંચલાઈન પાછળ મનીષ શાહનું મગજ હતું.
મનીષે 2007માં ગોલ્ડમાઈન્સ ટેલીફિલ્મ્સની શરૂઆત કરી હતી. એ સમયે એની કિંમત 5 કરોડ રૂપિયા હતી. આજે 2023માં કંપનીની કિંમત 6 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આજે રીલ ટુ રિયલમાં આપણે જાણીશું ગોલ્ડમાઈન્સ ટેલીફિલ્મ્સ અને તેના સ્થાપક મનીષ શાહની વાર્તા.
સાઉથની ફિલ્મોને હિન્દી દર્શકો સુધી લાવવાનો તેમનો વિચાર શું હતો? આ ફિલ્મોના ડબિંગમાં શું પડકારો હોય છે? ફિલ્મના રાઈટ્સ ખરીદવાથી લઈને એનું ડબિંગ કરવા સુધી, આપણે આ તમામ મુદ્દાઓને ક્રમિક રીતે સમજીશું.
અમારી ટીમ મુંબઈમાં ગોલ્ડમાઈન્સ સ્ટુડિયોની ઑફિસે પણ પહોંચી હતી. ત્યાં ફિલ્મોનું ડબિંગ કેવી રીતે થાય છે? એની સમગ્ર પ્રક્રિયાને સમજવા માટે અમે ત્યાં હાજર ઘણા સ્ટાફ સાથે પણ વાત કરી.
જ્યારે બોલિવૂડમાં એક્શન ફિલ્મો બનતી બંધ થઈ ત્યારે અહીં સાઉથની ફિલ્મો લાવવામાં આવી
તમારા મગજમાં સાઉથની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? જવાબમાં મનીષે કહ્યું, ‘2007માં મલ્ટિપ્લેક્સની સંખ્યા વધવા લાગી. આ પહેલાં સિંગલ સ્ક્રીન થિયેટરની સંખ્યા વધારે હતી.
એ સમયે બોલિવૂડમાં એક્શન ફિલ્મો બનતી બંધ થઈ ગઈ હતી. મેકર્સે મોટે ભાગે કોમેડી અને ફેમિલી ડ્રામા ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. ત્યારે પણ સાઉથમાં એક્શન ફિલ્મો બની રહી હતી. મેં વિચાર્યું કે હિન્દી દર્શકોને એ ફિલ્મોની અનુભૂતિ કેવી રીતે આપવી. ત્યારે મારા મગજમાં સાઉથની સારી એક્શન ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાનો વિચાર આવ્યો.
હિન્દી ફિલ્મોમાં વલ્ગર સીન્સ વધ્યા, ટીવી જોતાં ફેમિલી ઓડિયન્સને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો
મનીષ શાહે વધુમાં કહ્યું હતું કે ‘2007 પછી હિન્દી ફિલ્મોમાં વલ્ગર સીન્સ વધ્યા હતા. ફિલ્મનું કન્ટેન્ટ પણ ખૂબ જ બોલ્ડ બનવા લાગ્યું હતું. દર્શકો માટે ઘરમાં ટીવી જોવું મુશ્કેલ બનવા લાગ્યું.
સાઉથની ફિલ્મોમાં વલ્ગર સીન નહોતા. આ ફિલ્મો જોયા પછી ચેનલ બદલવાની જરૂર નહોતી. આ વિચારીને મેં સાઉથની ફિલ્મો લોકોને હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ઉપાડી. દર્શકોને પણ આ ફિલ્મો ગમવા લાગી.
એક સમયે ઉત્તરના લોકો માત્ર ચાર દક્ષિણના કલાકારો રજનીકાંત, કમલ હાસન, ચિરંજીવી અને નાગાર્જુનને ઓળખતા હતા
તમે નાગાર્જુનની ફિલ્મ ‘માસ’ (‘મેરી જંગ’)ને હિન્દીમાં ડબ કરનારી પ્રથમ વ્યક્તિ હતા. આ પાછળની વાર્તા કહો. મનીષે કહ્યું, ‘નાગાર્જુને કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. અહીંના દર્શકોએ તેમને અમુક અંશે ઓળખ્યા. તેમની ફિલ્મ ‘માસ’ (2004) સાઉથમાં ઘણી હિટ રહી હતી.
મને લાગ્યું કે ફિલ્મની એક્શન ઉત્તરના દર્શકોને પણ ચોક્કસપણે પસંદ આવશે. મેં તેમને હિન્દીમાં ડબ કર્યું અને ફિલ્મનું નામ ‘મેરી જંગ-વન મેન આર્મી’ રાખ્યું. અમારો આ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો. આ ફિલ્મ ટેલિવિઝન પર ખૂબ જ હિટ બની હતી. એ સમય સુધી ઉત્તરના લોકો દક્ષિણના ચાર કલાકારોને જ ઓળખતા હતા. રજનીકાંત, કમલ હાસન, ચિરંજીવી અને નાગાર્જુન, તેથી જ અમે પહેલા આ ચાર કલાકારોની ફિલ્મોનું ડબિંગ કરવાનું શરૂ કર્યું હતું.
‘માસ’ના રાઈટ્સ માત્ર 5 લાખમાં ખરીદ્યા, મેકર્સે વિચાર્યું – સાઉથની ફિલ્મના રાઈટ્સ લઈને શું કરશે?
મનીષે જણાવ્યું હતું કે ‘જ્યારે એ ફિલ્મ ‘માસ’ના રાઈટ્સ ખરીદવા માટે સાઉથના મેકર્સ પાસે ગયો તો ત્યાં બધા ચોંકી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે મનીષ શાહ આ રાઇટ્સનું શું કરશે. તેમણે આ ફિલ્મના રાઈટ્સ મનીષને 5 લાખ રૂપિયામાં વેચ્યા. આ પછી મનીષે આ ફિલ્મને સોની ટીવી પાસે લઈને ગયા હતા.
ચેનલના લોકો અસમંજસની સ્થિતિમાં હતા. તેમને ડર હતો કે ફિલ્મ ચાલશે કે નહીં. આ કારણથી મનીષે ખોટ સહન કરીને ઓછી કિંમતે ફિલ્મ વેચવી પડી હતી. જોકે ફિલ્મે અદભુત ટીઆરપી આપી હતી. આનાથી ચેનલના લોકોને ઘણો ફાયદો થયો.
આ ફિલ્મ મૂળ રીતે તેલુગુમાં 23 ડિસેમ્બર 2004ના રોજ રિલીઝ થઈ હતી.
હિન્દીમાં ડબિંગ કરતી વખતે સીન બદલવામાં આવે અથવા દૂર કરવામાં આવે, હવે ગીતો પણ નવાં ગીતો સાથે રેકોર્ડ કરવામાં આવે છે
તેલુગુ, તમિળ કે અન્ય ભાષાઓની ફિલ્મોને હિન્દીમાં ડબ કરતી વખતે તમે શું ધ્યાન આપો છો.. શું સીન પણ બદલાઈ જાય છે? જવાબમાં મનીષ કહે છે, ‘સૌથી પહેલા હું સબટાઈટલ સાથે ઓરિજિનલ ફિલ્મ જોઉં છું. પછી હું નિર્દેશક અને અભિનેતાની પ્રોફાઇલ તપાસું છું. હું ફિલ્મની એક્શન અને કોમેડી જોઉં છું. જો આ બધી બાબતો યોગ્ય રહેશે તો હું તેના ડબિંગ પર કામ કરીશ.
આ સમય દરમિયાન વ્યક્તિએ એક-બે બાબત પર ધ્યાન આપવું પડશે. દક્ષિણ અને ઉત્તરની સંસ્કૃતિમાં ઘણો તફાવત છે. સાઉથની ફિલ્મોમાં કઝિન સાથેના લગ્ન બતાવવામાં આવે છે. જ્યારે એ વસ્તુ અહીં નથી. દક્ષિણ ભારતમાં છોકરીઓના પ્રથમ પિરિયડના સમયે ઉજવણી કરવામાં આવે છે. જ્યારે અહીં એવું કંઈ નથી. અહીંની પરંપરાને ધ્યાનમાં રાખીને ફિલ્મોમાં આવા સીન બદલવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે.
2017 પહેલાં ગીતો પણ રાખવામાં આવતાં ન હતાં. જોકે હવે આપણે ત્યાં ગીતોને નવાં ગીતો સાથે ડબ પણ કરી રહ્યા છીએ. આ માટે સારા ગાયકો અને ગીતકારોને પણ રાખવામાં આવે છે. તમે જાતે જ જુઓ, ‘પુષ્પા’ના ગીતો કેટલાં હિટ હતાં.
અમે ત્યાં હાજર એક ડબિંગ આર્ટિસ્ટ સાથે પણ વાત કરી હતી. તેમણે 100થી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે પોતાનું નામ કૃષ્ણા જણાવ્યું હતું. કૃષ્ણાએ કહ્યું હતું કે તેઓ ઘણાં વર્ષોથી ગોલ્ડમાઈન્સ ફિલ્મ્સ સાથે જોડાયેલા છે. તેમણે ‘પુષ્પા’, ‘કબાલી’, ‘જેલર’ અને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘લિયો’ માટે ડબિંગ કર્યું છે.
કંપનીમાં કુલ 140 લોકો કામ કરે છે, ડિરેક્ટર્સ અને લેખકોનો સંપૂર્ણ સેટ છે
ગોલ્ડમાઈન્સ ફિલ્મ્સમાં કુલ 140 લોકો કામ કરે છે. તેમની પાસે લેખકો અને દિગ્દર્શકોનું ગ્રુપ છે. સાઉથની ફિલ્મોનું ડબિંગ કરતાં પહેલાં એક-બે બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો એ એક્શન ફિલ્મ હોય તો એ મુજબ લેખકોની પસંદગી કરવામાં આવે છે. જો એ કોમેડી ફિલ્મ હોય તો હાસ્ય સીન લખનારા લેખકોને કામે લગાડવામાં આવે છે. લેખકો ક્રમ પ્રમાણે ડાયલોગ્સ લખે છે અને પછી ડબિંગ કલાકારો એ પ્રમાણે ફિલ્મને ડબ કરે છે.
ત્યાં ઘણા ડબિંગ સ્ટુડિયો હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે એક તેલુગુ ફિલ્મ ‘જાપાન’નું ડબિંગ ચાલી રહ્યું હતું. ડબિંગ સ્ટુડિયોમાં એક ડિરેક્ટર અને સાઉન્ડ એન્જિનિયર બેઠા હતા. દિગ્દર્શક સામે ટીવી પર ઓરિજિનલ ફિલ્મના સીન જોઈ રહ્યા હતા અને તેમને હિન્દીમાં રિપીટ કરી રહ્યા હતા.
હેડફોન પહેરીને ડબિંગ આર્ટિસ્ટ દિગ્દર્શકની લાઈનો ધ્યાનથી સાંભળતા હતા અને ઈમોશન્સની સાથે ડબ કરતા હતા. આ પછી ત્યાં હાજર સાઉન્ડ એન્જિનિયર તેમને રેકોર્ડ કરે છે, તેમને ફિલ્ટર કરે છે અને ફિલ્મમાં ઉમેરે છે.
‘પુષ્પા’નો ફેમસ ડાયલોગ ‘ઝૂકેગા નહીં…’મનીષે લખ્યો હતો
મનીષ શાહના અલ્લુ અર્જુન, રામ ચરણ, ધનુષ જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે ખૂબ સારા સંબંધો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ને મનીષની કંપની ગોલ્ડમાઈન્સ ફિલ્મ્સ દ્વારા હિન્દીમાં ડબ કરવામાં આવી હતી. હિન્દી બેલ્ટમાં ફિલ્મની લોકપ્રિયતાનું એક કારણ મનીષ શાહ પણ છે. પુષ્પાનો ફેમસ ડાયલોગ ‘ઝુકેગા નહીં…’ ખુદ મનીષે લખ્યો હતો.
તેમણે કહ્યું, ‘મને સાઉથના કલાકારોની એક વાત ગમે છે કે તેઓ અહીંની સરખામણીમાં ઘણી ઓછી ફી લે છે. તેઓ ઈચ્છે છે કે પ્રોડક્શન પર વધુ પૈસા ખર્ચવામાં આવે, જેથી ફિલ્મ સારી બની શકે. ત્યાંના કલાકારોને વર્ષમાં એક કે બે ફિલ્મો કરવી ગમે છે. આ કારણે દર્શકોમાં તેમનો ક્રેઝ ચાલુ છે. આ કારણથી તમે જુઓ છો કે જ્યારે ત્યાં ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે એક અલગ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. થિયેટરોની બહાર લાંબી લાઈનો લાગે છે. પોસ્ટરો પર દૂધ ચઢાવવામાં આવે છે.
આ સિવાય સાઉથના કલાકારો ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. જ્યારે પણ તમે તેમને મળશો ત્યારે તેઓ તમારી સાથે હાથ મિલાવશે. તેઓ ભલે ગમે તેટલા દિગ્ગજ હોય, એકવાર હાથ મિલાવ્યા પછી તેઓ હંમેશાં હેન્ડશેકથી સ્વાગત કરશે. તમે સામાન્ય રીતે દક્ષિણના કલાકારોને જૂતાં પહેરતા જોશો નહીં. તે માત્ર ચંપલમાં જ રહે છે. ભગવાનમાં ખૂબ માને છે, તેમની સંસ્કૃતિને ખૂબ માન આપે છે.
મનીષે વધુમાં કહ્યું, ‘પુષ્પા સાથે એક રસપ્રદ વાત એ છે કે અમે પહેલીવાર કોઈ અભિનેતા દ્વારા ડબિંગ કરાવ્યું છે. અલ્લુ અર્જુનના અવાજને શ્રેયસ તલપડે દ્વારા હિન્દીમાં ડબ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે વોઈસ ઓવર કલાકારો કલાકારોનું ડબિંગ કરે છે.
અભિનેતાને ડબ કરાવવા પાછળ એક અલગ વિચાર હતો.
એકવાર 5 લાખમાં રાઇટ્સ ખરીદ્યા હતા, આજે 25થી 40 કરોડમાં એક ફિલ્મ ખરીદીએ છીએ
એક સમયે 5 લાખ રૂપિયામાં ફિલ્મ રાઇટ્સ ખરીદનાર મનીષ શાહ આજે એક ફિલ્મ માટે 25થી 40 કરોડ રૂપિયા ખર્ચે છે. મનીષે કહ્યું હતું કે તેણે થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ના રાઇટ્સ 25 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.
આ પછી ડબિંગથી લઈને એડિટિંગ સુધીનો ખર્ચ અલગથી ઉમેરો. આજકાલ એક મોટી દક્ષિણ ભારતીય ફિલ્મને હિન્દી દર્શકો સુધી લાવવા માટે લગભગ 50 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
ફિલ્મનું એડિટિંગ કેવી રીતે થાય છે એ જોવા અમે એડિટિંગ રૂમમાં પણ ગયા. ત્યાં એક ફિલ્મનું ફાઇનલ એડિટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં હાજર એડિટરે જણાવ્યું કે તમામ ફિલ્મો ડબિંગ અને મિક્સ કર્યા પછી એની પાસે આવે છે, ત્યાર બાદ તે એને કાપી નાખે છે.