13 કલાક પેહલા
- કૉપી લિંક
વીતેલા જમાનાની ચર્ચિત પૈકી એક એક્ટ્રેસ નિમ્મીની આજે 91મી જન્મજયંતી છે. રાજ કપૂરે તેમને તેમની ફિલ્મ ‘બરસાત’થી બ્રેક આપ્યો હતો.
આ પછી તે 1952માં આવેલી ફિલ્મ ‘આન’માં પણ જોવાં મળ્યાં હતાં . લંડનમાં આ ફિલ્મના પ્રીમિયર બાદ નિમ્મીને હોલિવૂડમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેમણે ફગાવી દીધી હતી.
નિમ્મીએ 1963માં આવેલી ફિલ્મ ‘મેરે મહેબૂબ’માં પણ કામ કર્યું હતું આ ફિલ્મ સાથે જોડાયેલા નિર્ણયને કારણે નિમ્મીની આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. તે નિર્ણય શું હતો અને શા માટે નિમ્મીને ફરીથી મુખ્ય ભૂમિકાઓ મળવાનું બંધ થઈ ગયું? તેમને ‘ધ અનકિસ્ડ ગર્લ ઓફ ઈન્ડિયા’ કેમ કહેવામાં આવી? જાણો તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો…
માતાનું અવસાન થયું, નિમ્મીનો ઉછેર નાનીએ કર્યો
નિમ્મીનું સાચું નામ નવાબ બાનો હતું. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી, 1932ના રોજ આગ્રામાં થયો હતો. પિતા અબ્દુલ હકીમ આર્મીમાં કોન્ટ્રાક્ટર હતા અને માતા વહિદન એક મહાન ગાયિકા અને અભિનેત્રી હતા. જ્યારે નિમ્મી 11 વર્ષની હતી ત્યારે તેમની માતાનું અવસાન થયું અને તેઓ તેમના મામા સાથે રહેવા લાગ્યા હતા.
નિમ્મી નાની સાથે ખેતરમાં કામ કરતા હોય ક્યારેય અભ્યાસ માટે શાળાએ જઈ શકતી ન હતી. ઘરમાં રહીને તેમણે ઉર્દૂ શીખી હતી. આ દરમિયાન દેશના ભાગલા પછી રમખાણો થયા અને નિમ્મી નાની સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયાં હતાં.
નિમ્મી હિન્દી સિનેમાના દિગ્ગજ ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાન સાથે પરિચિત હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાને કારણે નિમ્મીની માતા મહેબૂબ ખાનને ઓળખતા હતા. બંનેએ સાથે કામ પણ કર્યું હતું. આવી સ્થિતિમાં જ્યારે નિમ્મી મુંબઈ પહોંચ્યા ત્યારે મહેબૂબ ખાનને તેની ખબર પડી.
તેમણે નિમ્મીને ફિલ્મ ‘અંદાઝ’નું શૂટિંગ બતાવવા માટે સેન્ટ્રલ સ્ટુડિયોમાં આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે નિમ્મી સ્ટુડિયો પહોંચી ત્યારે રાજ કપૂર ફિલ્મ ‘અંદાઝ’નું શૂટિંગ કરી રહ્યા હતા. રાજ કપૂરની નજર નિમ્મી પર પડી. મહેબૂબ ખાને બંનેની મુલાકાત કરાવી હતી.
નિમ્મી 16 વર્ષની હતી જ્યારે તેણે ફિલ્મ ‘બરસાત’થી ડેબ્યૂ કર્યું હતું
જ્યારે રાજ કપૂરે મજાક કરી તો માતા રડવા લાગ્યા
રાજ કપૂર પોતાની આગામી ફિલ્મ ‘બરસાત’ માટે નવા ચહેરાની શોધમાં હતા. તેમને નિમ્મી ગમતી હતી. તેમણે તરત જ નિમ્મીને ‘બરસાત’માં રોલ ઓફર કર્યો. નિમ્મીનો તે સમયે ફિલ્મોમાં આવવાનો કોઈ ઈરાદો નહોતો પણ તે રાજ કપૂરની ઑફર નકારી ન શકી અને હા પાડી. બીજા દિવસે તેમણે ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો. નિમ્મી એકદમ નર્વસ હતી. તેમણે રાજ સાહેબને પૂછ્યું કે તેમનો સ્ક્રીન ટેસ્ટ કેવો રહ્યો.
રાજ કપૂરે તરત જ કહ્યું કે ‘સારો નથી રહ્યો’. આ સાંભળીને નિમ્મીની આંખોમાં આંસુ આવી ગયા અને રાજ કપૂર ખડખડાટ હસી પડ્યા. તેમણે નિમ્મીને કહ્યું કે તે માત્ર મજાક કરી રહ્યા છે.
નરગિસ, રાજ કપૂર અને નિમ્મી
પ્રેમનાથ નિમ્મી સાથે કામ કરવા માગતા ન હતા
ફિલ્મ ‘બરસાત’માં નિમ્મીને પ્રેમ નાથની સામે બીજી મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં પ્રેમનાથ જરા પણ ખુશ ન હતા કે એક નવોદિતને તેમની હિરોઈન બનાવવામાં આવી છે. પરંતુ રાજ કપૂરે તેમને સમજાવ્યું અને પછી તેઓ રાજી થયા હતા.
નિમ્મી આ જોઈને દુઃખી થઈ ગઈ પરંતુ રાજ કપૂરે તેમને પ્રોત્સાહિત કરી અને કહ્યું – ‘જો, એક દિવસ તું આ બધાથી સૌથી મોટી સ્ટાર બની જશે.’ આ પછી,જ્યારે પહેલા દિવસે શૂટિંગ પૂરું થયું ત્યારે રાજ કપૂરે નિમ્મીના ઘરે ઘણી બધી ચોકલેટ મોકલી હતી. તેમણે નિમ્મી પાસે રાખડી પણ બંધાવી હતી.
નિમ્મીએ લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજ કપૂરે તેનું સ્ક્રીન નામ ‘નિમ્મી’ રાખ્યું
આ ફિલ્મના શૂટિંગના 15 દિવસ પછી જ નિમ્મીએ અન્ય ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું. તેમની પાસે ઓફરોની કતાર હતી પરંતુ તેણે આ બધી ઓફર ફગાવી દીધી. આ ઓફરોને નકારવા પાછળનું કારણ એ હતું કે તે ‘બરસાત’ના પ્રીમિયર સુધી રાહ જોવા માગતી હતી. તે પછી જ તે તેની ભાવિ કારકિર્દી અંગે કોઈ નિર્ણય લેશે. ‘બરસાત’ 1949માં રિલીઝ થઈ હતી અને એડલ્ટ સર્ટિફિકેટ હોવા છતાં તે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
‘બરસાત’ની સફળતા પછી નિમ્મીને માત્ર સહાયક ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે ફરી એકવાર તમામ ભૂમિકાઓ નકારી કાઢી હતી. તે સમજી શકતી ન હતી કે આગળ શું કરવું કારણ કે તેમણે ‘બરસાત’ તરફથી મળેલી ફી પણ ખર્ચી નાખી હતી.
આ સમય દરમિયાન તેમને 1950માં રીલિઝ થયેલી ફિલ્મ ‘જલતે દીપ’ ઓફર કરવામાં આવી હતી. આ પછી નિમ્મીએ ‘બાવરા’, ‘રાજ મુકુટ’ અને ‘વફા’ જેવી ફિલ્મો પણ સાઈન કરી જેમાં તેઓ લીડ એક્ટ્રેસ હતાં.
આ રીતે ‘ધ અનકિસ્ડ ગર્લ ઓફ ઈન્ડિયા’નું ટેગ મળ્યું
1963માં રિલીઝ થયેલી ‘આન’ પણ નિમ્મીની કારકિર્દીમાં ઘણી રીતે ખાસ હતી. આ ભારતની પ્રથમ ટેક્નિકલર ફિલ્મ હતી, જે વિશ્વભરમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ પણ હતી. લંડનના રિયાલ્ટો થિયેટરમાં આ ફિલ્મનું પ્રીમિયર થયું હતું જ્યાં કેટલાક વિદેશી ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો પણ આવ્યા હતા.
આમાંથી એક અભિનેતા એર્લે લેસ્લી થોમસન ફ્લાયન હતા. જ્યારે અર્લે નિમ્મીને મળ્યો, ત્યારે વિદેશી રિવાજ મુજબ તેમણે તેમના હાથને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિમ્મી તરત જ પાછળ હટી ગયા હતા.
તેમણે કહ્યું, ‘જુઓ હું એક ભારતીય છોકરી છું, તમે મારી સાથે આ બધું ન કરી શકો.’ આ પછી બીજા જ દિવસે અખબારોએ નિમ્મી માટે લખ્યું, ‘ધ અનકિસ્ડ ગર્લ ઓફ ઈન્ડિયા’.
બાય ધ વે ‘આન’ના પ્રીમિયરમાં કેટલાક ફિલ્મમેકર્સે નિમ્મીને હોલિવૂડ ફિલ્મની ઓફર પણ કરી હતી પરંતુ તેમણે આ તમામ ઓફરને ફગાવી દીધી હતી.
હોલિવૂડની ફિલ્મોમાં લવમેકિંગ સીન હોય છે, જે કરવામાં નિમ્મી અસ્વસ્થ હતી, તેથી ડરના કારણે તેમણે ક્યારેય કોઈ વિદેશી ફિલ્મ સાઈન ન કરી.
એક ભૂલથી કરિયર બરબાદ
60ના દાયકામાં નિમ્મી પોતાની કારકિર્દીમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી હતી. નિમ્મી તે યુગની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ પૈકી એક હતા. ફિલ્મોમાં તેમની જોડી રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર સાથે હતી પરંતુ એક ભૂલ તેમને મોંઘી પડી. હકીકતમાં આ સ્ટોરી 1963માં આવેલી ફિલ્મ ‘મેરે મહેબૂબ’ સાથે જોડાયેલી છે.
ફિલ્મના નિર્દેશક હરમાન સિંહ રવૈલે મુખ્ય ભૂમિકા માટે નિમ્મીનો સંપર્ક કર્યો હતો. પરંતુ નિમ્મીએ મુખ્ય હિરોઈનને બદલે ફિલ્મના હીરો રાજેન્દ્ર કુમારની બહેનનો રોલ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
આ એક સેકન્ડ લીડ કેરેક્ટર હતું પરંતુ નિમ્મી આ રોલને લઈને મક્કમ હતી અને તેમણે કોઈની વાત ન સાંભળી. આખરે તેમને આ રોલ આપ્યા પછી, નિર્દેશક હરમાન સિંહે અભિનેત્રી સાધનાને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરી. આ ફિલ્મ સુપરહિટ રહી અને સાધનાની કારકિર્દી ખીલી.
તે જ સમયે આ ફિલ્મ પછી, નિમ્મીને માત્ર બીજી મુખ્ય ભૂમિકાની ઓફર થવા લાગી અને મુખ્ય નાયિકા તરીકે ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું, ત્યારબાદ તેની કારકિર્દી ધીરે ધીરે અસ્ત થતી ગઈ હતી.
દિલીપ કુમારને પસંદ કરતા હતા
ઘણી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે નિમ્મી દિલીપ કુમારને પસંદ કરવા લાગ્ય હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં પણ આ વાત સ્વીકારી હતી અને કહ્યું હતું કે, ‘દિલીપ કુમાર એક ચુંબક જેવા હતા, જેની તરફ બધા ખેંચાતા હતા, હું પણ તેમાંથી એક હતી. એક મહારાણી તો દિલીપ કુમાર માટે બધું છોડી દેવા તૈયાર હતી. હું એ હકીકતને નકારીશ નહીં કે હું પણ તેમને ખૂબ પસંદ કરતી હતી. હું પણ તેમની પાછળ પાગલ હતી. હું પણ તેમની એક ફેન હતી. પરંતુ મધુબાલા અને અન્ય સુંદર સ્ત્રીઓ તેમને પ્રેમ કરતી હતી, હું તેમની સાથે કેવી રીતે મેળ ખાતી. મારું દિલ તૂટી ગયું હતું, હું જે ઇચ્છતી હતી તે મને ક્યારેય મળવાનું જ ન હતુંઆ વિચારીને હું તેમનાથી દૂર રહી હતી.
જ્યારે મહેબૂબ ખાનને મદદ કરવા નોટોના બંડલ લઈને પહોંચ્યા હતા
નિમ્મીએ ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાન સાથે ખૂબ જ સારું બોન્ડિંગ શેર કર્યું હતું. આ ઘટના તે સમયની છે જ્યારે મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ને ભારતે ઓસ્કર માટે મોકલી હતી. ભારત તરફથી ઓસ્કરમાં મોકલવામાં આવેલી આ પહેલી ફિલ્મ હતી પરંતુ જ્યારે આ ફિલ્મને એવોર્ડ ન મળ્યો ત્યારે મહેબૂબ ખાન ખૂબ જ દુઃખી થઈ ગયા.
આ આઘાતને કારણે તેને હાર્ટ એટેક પણ આવી ગયો, કારણ કે તેમણે ‘મધર ઈન્ડિયા’ બનાવવા માટે અંદાજે 40 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. જેના કારણે તેમને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે નિમ્મીને મહેબૂબ ખાનની હાલત વિશે ખબર પડી તો તે દુઃખી થઈ ગયા હતા.
તેમણે મહેબૂબ ખાનને કોઈપણ રીતે મદદ કરવાનું વિચાર્યું. તે પોતાના પલ્લુમાં નોટોનું બંડલ બાંધીને મહેબૂબ ખાનની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેમણે આ પૈસા મહેબૂબ ખાનના મેનેજરને આપ્યા અને કહ્યું- પ્લીઝ! મહેબૂબ સાહેબને કહેશો નહીં કે નિમ્મીએ પૈસા આપ્યા છે.
વહીદા રહેમાન પણ નિમ્મી અને અલી રઝાના લગ્નમાં સામેલ થયા હતા
લેખક એસ.અલી રઝા સાથે લગ્ન કર્યા
નિમ્મીએ 1965માં હિન્દી ફિલ્મ લેખક એસ. અલી રઝા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંને સિક્રેટ રિલેશનશિપમાં હતા. નિમ્મીના હેરડ્રેસર અને કોમેડિયન મુકરીએ તેમની પ્રેમકથાને ફળીભૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રઝાના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા, તેથી લગ્ન પછી પણ બંનેએ ઘણા વર્ષો સુધી તેમના સંબંધો છુપાવ્યા હતા. લગ્ન પછી તેઓએ એક પુત્રને દત્તક લીધો જેનું નામ પરવેઝ છે.
નિમ્મી રઝા સાથે મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા બંગલામાં રહેતાં હતાં. રઝાએ નિમ્મી સાથે બે ફિલ્મોની યોજના બનાવી હતી. બંને ફિલ્મોમાં તેમણે હિરોઈન તરીકે નિમ્મીને કાસ્ટ કરી હતી. આ પૈકી ‘એક ઘૂંઘટ કે પટ ખોલ’ હતી જે મુહૂર્ત બાદ આગળ વધી શકી ન હતી.
જ્યારે બીજી ફિલ્મ ‘એક અકેલી’ હતી જેની કેટલીક રીલ શૂટ કરવામાં આવી હતી પરંતુ પછી ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી. આ રીતે નિમ્મી પર ફિલ્મ બનાવવાની રઝાની ઈચ્છા અધૂરી રહી. 2007માં રઝાએ એક ઑપરેશનમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી, જેના પછી તેમનું મૃત્યુ થયું.
આ પછી નિમ્મી પોતાનો બંગલો છોડીને જુહુમાં બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા હતા. તેમનો પુત્ર પરવેઝ માન્ચેસ્ટરમાં સ્થાયી થયો હતો, તેથી નિમ્મી મુંબઈમાં એકલાં રહેતાં હતાં. તેમની મિત્ર નિશી સતત તેમના ઘરે તેમની ખબર-અંતર પૂછવા આવતી હતી.
નિશીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, એક્ટિંગ છોડ્યા બાદ નિમ્મીને મેક-અપ કરવું બિલકુલ પસંદ નહોતું, તો પણ તેઓ ખૂબ જ સુંદર લાગતા હતા. વૃદ્ધાવસ્થામાં તેમને તેમના વાળમાં ફક્ત મહેંદી લગાવવાનું જ પસંદ હતું.