30 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની અરજી પર સુનાવણી હાથ ધરતાં બોમ્બે હાઈકોર્ટે મંગળવારે મુંબઈ પોલીસ અને શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલને પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ ફટકારી છે. અરજીમાં, કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં નોંધાયેલી FIRને પડકારી હતી.
કામરાની અરજી પર આગામી સુનાવણી 16 એપ્રિલે થશે. આ માહિતી જસ્ટિસ સારંગ કોટવાલ અને એસએમ મોડકની ડિવિઝન બેન્ચે આપી હતી. પોલીસે કુણાલ કામરાને અત્યાર સુધીમાં ત્રણ સમન્સ મોકલ્યા હોવા છતાં, તે પોલીસ સમક્ષ હાજર થયો નથી.
શિવસેના ધારાસભ્યની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદ બાદ ખાર પોલીસે કામરા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અગાઉ હાઈકોર્ટે પ્રતિવાદીઓ (પોલીસ અને પટેલ) ને નોટિસ મોકલવાનું ત્યાર બાદ તેમનો જવાબ માગવાનું અને તે પછી કામરાની અરજી પર સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું હતું

શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદ બાદ ખાર પોલીસે કામરા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ ઉપરાંત, નાસિક અને જલગાંવમાં કોમેડિયન વિરુદ્ધ નોંધાયેલી FIR પણ ખાર પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, કામરાએ 5 એપ્રિલે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની વિરુદ્ધ નોંધાયેલ FIR બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
કામરાએ ‘બિગ બોસ’ તરફથી ઓફર મળ્યાનો દાવો કર્યો, બિગ બોસે ખંડન કર્યું કુણાલ કામરાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને જણાવ્યું કે તેને સલમાન ખાનના શો ‘બિગ બોસ’ની આગામી સિઝનમાં એક ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. કોમેડિયન કહે છે કે કાસ્ટિંગ ડિરેક્ટરે તેને રિયાલિટી ટીવી શોનો ભાગ બનવાની ઓફર મોકલી હતી. પરંતુ તેણે આ ઓફર નકારી કાઢી અને કહ્યું કે તે ‘બિગ બોસ’માં જવા કરતાં માનસિક હોસ્પિટલમાં જવાનું પસંદ કરશે. જો કે બિગ બોસની ટીમે કામરાના આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે અમારા કોઈ અધિકૃત પ્રતિનિધિ તરફથી કામરાને કોઈ પ્રકારની ઓફર કરવામાં આવી નથી

ઇન્સ્ટાગ્રામ પર કાસ્ટિંગ ડિરેક્ટર સાથેની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો
કુણાલ કામરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કાસ્ટિંગ ડિરેક્ટર સાથેની તેની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો. કાસ્ટિંગ ડિરેક્ટરે લખ્યું હતું કે, ‘હું ‘બિગ બોસ’ની આગામી સિઝન માટે કાસ્ટિંગ સંભાળી રહ્યો છું, અને તમારું નામ એક રસપ્રદ વ્યક્તિ તરીકે સામે આવ્યું છે. મને ખબર છે કે આ કદાચ તમારા ધ્યાનમાં નહોતું, પણ પ્રામાણિકપણે કહું તો, તમારા સાચા સ્વભાવને પ્રદર્શિત કરવા અને વિશાળ પ્રેક્ષકોને જીતવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે. તમને શું લાગે છે? ‘આપણે તેના વિશે વાત કરવી જોઈએ?’
આ સંદેશનો જવાબ આપતા કુણાલે લખ્યું, ‘હું કોઈ મેન્ટલ હોસ્પિટલમાં જવાનું પસંદ કરીશ.’ કુણાલ કામરાએ પોતાની શેર કરેલી સ્ટોરીમાં એ નથી જણાવ્યું કે, તેને બિગ બોસ ઓટીટી માટે ઓફર મળી છે કે બિગ બોસ 19 માટે.
નોંધનીય છે કે, કુણાલ કામરા શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી પેરોડીને કારણે સમાચારમાં છે. મુંબઈ પોલીસે કોમેડિયનને ત્રણ સમન્સ મોકલ્યા છે પરંતુ તે પોલીસ સમક્ષ હાજર થયો નથી.