3 મિનિટ પેહલા
- કૉપી લિંક
સૈફ-કરીનાનાં પુત્ર તૈમુરનું નામ તેના જન્મથી જ વિવાદોમાં છે. હાલમાં જ કુમાર વિશ્વાસે સૈફ-કરીનાનું નામ લીધા વગર તેમના દીકરા તૈમુરના નામને લીધે તેમના પર પ્રહાર કર્યા હતા. કવિ કુમાર વિશ્વાસે એક નિવેદનમાં કહ્યું કે તેઓએ તેમના બાળકનું નામ એવા લંગડા વ્યક્તિના નામ પરથી રાખ્યું છે, જેણે ભારતમાં આવીને માતાઓ-બહેનો પર દુષ્કર્મો ગુજાર્યા હતા.
કુમાર વિશ્વાસે એક કાર્યક્રમમાં કહ્યું કે, માયાનગરીમાં બેઠેલા લોકોએ સમજવું પડશે કે આ દેશ શું ઈચ્છે છે. હવે એવું નહીં ચાલે કે ફેમ અમારી પાસેથી મેળવશો, પૈસા અમે આપીશું, ટિકિટ અમે ખરીદીશું, હિરોઈન અને હિરો અમે બનાવીશું અને તમારા ત્રીજા લગ્નથી તમને સંતાન થશે તો તમે તેનું નામ બહારથી આવનારા હુમલાખોરના નામ પરથી રાખી દેશો. આવું નહીં ચાલે.
તેમણે આગળ કહ્યું, તમે રિઝવાન રાખી શક્તા હતા, તમે ઉસ્માન રાખી શકતા હતા, તમે યુનુસ રાખી શકતા હતા, તમને આ એક જ નામ મળ્યું. આ દુષ્ટ, લંગડો માણસ જે ભારતમાં આવીને અહીંની માતાઓ-બહેનો પર ‘દુષ્કર્મો ગુજાર્તો, તમને આ સુંદર બાળકનું નામ રાખવા માટે આ જ દુષ્ટ માણસ મળ્યો.
કુમાર વિશ્વાસે ચેતવણી આપી કુમાર વિશ્વાસે પોતાના ભાષણમાં આગળ કહ્યું કે, હવે જો તમે તેને હીરો બનાવશો, તો તેને વિલન પણ નહીં બનવા દઈ, આ યાદ રાખજો. આ જાગેલું ભારત છે, આ નવું ભારત છે. કુમાર વિશ્વાસે પોતાના ભાષણમાં સૈફ-કરીનાના પુત્ર તૈમુર અલી ખાનની સરખામણી તુગલક શાસક તૈમૂર સાથે કરી હતી.
તૈમુરના જન્મના 8 કલાક બાદ જ નામને લઈ વિવાદ શરૂ થયો હતો અગાઉ એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે કહ્યું હતું કે 2016માં તૈમુરના જન્મના થોડા કલાકો બાદ જ તેનું નામ વિવાદોમાં ઘેરાઈ ગયું હતું. ડિલિવરી બાદ કરીના હોસ્પિટલમાં હતી ત્યારે એક મોટી હસ્તી ત્યાં પહોંચી હતી. તેણે કરીનાને સમજાવ્યું કે તેણે તેના પુત્રનું નામ તૈમુર ન રાખવું જોઈએ. આ સાંભળતા જ કરીના રડવા લાગી અને તે વ્યક્તિને હોસ્પિટલમાંથી જતું રહેવા માટે કહ્યું. કરીનાએ એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેણે તૈમુરનું નામ કોઈ શાસકના નામ પરથી નથી રાખ્યું. તૈમુરના નામનો અર્થ આયર્ન થાય છે, જે તેને પસંદ આવ્યું હતું.