20 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવંગત એક્ટર મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામીને એક પત્ર મોકલ્યો છે. જેમાં તેમણે એક્ટરના યોગદાનની પ્રશંસા કરી અને તેમની સાથે વિતાવેલા ક્ષણોને યાદ કર્યા. આ દરમિયાન તેમણે સ્વર્ગસ્થ મનોજ કુમારને ભારતીય સિનેમાના સાચા પ્રતિક તરીકે વર્ણવ્યા.
PM મોદીએ સ્વર્ગસ્થ મનોજ કુમારના પત્નીને પત્ર લખ્યો PM મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે- મનોજ કુમારે માત્ર પોતાના એક્ટિંગ કરી લોકોનું મનોરંજન જ નથી કરાવ્યું, પરંતુ મોટા પડદા પર દેશભક્તિ અને પ્રામાણિકતા પણ બતાવી છે. તેમની ફિલ્મો દાયકાઓથી ભારતીયોના દિલમાં દેશ પ્રત્યે ગર્વ અને આદરની ભાવના જગાડી રહી છે.

‘તેમની સાથેની મારી મુલાકાતો મને હંમેશા યાદ રહેશે’ પત્રમાં PM મોદીએ સ્વર્ગસ્થ મનોજ કુમાર સાથેની તેમની પર્સનલ મુલાકાતોને પણ યાદ કરી અને કહ્યું કે તેઓ મનોજ કુમારને ઘણી વખત મળ્યા હતા. પીએમએ લખ્યું- મનોજ કુમારજી સાથેની મારી મુલાકાતો મને હંમેશા યાદ રહેશે.
PM મોદીએ X પર પોસ્ટ કરી આ પહેલા, પ્રધાનમંત્રી મોદીએ તેમના X હેન્ડલ પર મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, પ્રસિદ્ધ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર શ્રી મનોજ કુમારજીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા અને ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. મનોજજીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી છે અને આવનારી પેઢીઓને પ્રેરણા મળી છે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.


87 વર્ષની વયે અવસાન પામેલા મનોજ કુમાર લાંબા સમયથી લિવર સિરોસિસની ગંભીર બીમારીથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતાં તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું 4 એપ્રિલ, શુક્રવારે સવારે અવસાન થયું હતું.
મનોજ કુમારે શહીદ (1965), ઉપકાર (1967), પથ્થર કે સનમ (1967), પૂરબ ઔર પશ્ચિમ (1970), શોર (1972), રોટી, કપડા ઔર મકાન (1974), ક્રાંતિ (1981) જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની મોટા ભાગની ફિલ્મોમાં દેશભક્તિની સેન્ટ્રલ થીમ રહેતી અને તેમના પાત્રનું નામ મોટે ભાગે ‘ભારત’ રહેતું હોવાને કારણે મનોજ કુમારનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયેલું.
મનોજ કુમારે લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતી પર ઉપકાર (1967) ફિલ્મ બનાવી, પરંતુ શાસ્ત્રીજી આ ફિલ્મ જોઈ શક્યા નહીં. શાસ્ત્રીજીનું અવસાન 1966માં થયું.