હૈદરાબાદ10 કલાક પેહલા
- કૉપી લિંક
હૈદરાબાદમાં ‘પુષ્પા-2’ ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગને કારણે એક મહિલાનું મોત નીપજ્યું હતું. હવે આ મામલે પોલીસે એક્ટર અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર અને સુરક્ષા એજન્સી સામે કેસ નોંધ્યો છે.
પોલીસે આપી જાણકારી
ડેપ્યુટી કમિશનર અક્ષંશ યાદવે જણાવ્યું હતું કે પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. થિયેટર મેનેજમેન્ટ, અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને કલમ 105 (દોષિત હત્યા), 118(1) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) r/w 3(5) BNS હેઠળ કેસ નોંધ્યો છે. DCPએ વધુમાં જણાવ્યુ હતું કે થિયેટર મેનેજમેન્ટ અથવા એક્ટરની ટીમ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે થિયેટરમાં આવશે. થિયેટર મેનેજમેન્ટે ભીડને કાબૂમાં રાખવા માટે સુરક્ષા સંબંધિત વધુ વ્યવસ્થા કરી ન હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. સિનેમા હોલની અંદર અવ્યવસ્થિત સ્થિતિ ઊભી કરનાર જવાબદાર તમામ લોકો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ માટે કોઈ જાણ કર્યા વગર આવ્યો હતો. થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો અલ્લુ અર્જુનને મળવા આતુર હતા. મોટી સંખ્યામાં ચાહકોએ તેમની સાથે થિયેટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેના કારણે થિયેટરમાં ભારે ભીડ ઊમટી પડી હતી. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
ભીડને કાબૂમાં લેવા પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ભીડ ઓછી થયા બાદ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરે એક મહિલાને મૃત જાહેર કરી, જ્યારે ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે.
નાસભાગની 3 તસવીર…
અલ્લુ અર્જુનના ફેન્સ તેને મળવા આવ્યા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા અને બેભાન થઈ ગયા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
નાસભાગ દરમિયાન એક બાળક બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પીડિતા તેના પુત્ર સાથે ફિલ્મ જોવા આવી હતી, પુત્ર પણ ઘાયલ પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાની ઓળખ 35 વર્ષીય રેવતી તરીકે થઈ છે. તે તેના 13 વર્ષના પુત્ર શ્રેતેજ સાથે ફિલ્મ જોવા આવી હતી. નાસભાગમાં પુત્ર પણ ઘાયલ થયો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે જ્યાં તેને 48 કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
બોક્સ ઓફિસ પર પુષ્પ’રાજ’!
- ‘પુષ્પા 2’ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. અત્યારસુધી કોઈ ભારતીય ફિલ્મને આટલું મોટું ઓપનિંગ મળ્યું નથી. તેણે આ સંદર્ભમાં એસએસ રાજામૌલીના RRRનો રેકોર્ડ તોડ્યો, જેણે રૂ. 223 કરોડ (ગ્રોસ)ની કમાણી કરી હતી.
- ‘પુષ્પા 2’ ભારતીય બોક્સ ઓફિસ પર અત્યારસુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં આ રેકોર્ડ RRRના નામે હતો, જેનું ઓપનિંગ 156 કરોડ રૂપિયા હતું.
- ‘પુષ્પા 2’ ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડ કે તેથી વધુની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની છે. આમાં પ્રીમિયરથી થયેલી કમાણીનો પણ સમાવેશ થાય છે.
- ‘પુષ્પા 2’ એક જ દિવસમાં બે ભાષા (તેલુગુ અને હિન્દી)માં 50 કરોડ રૂપિયા કે તેથી વધુની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની છે. તેણે પહેલા દિવસે તેલુગુમાં 85 કરોડ રૂપિયા અને હિન્દી વર્ઝનમાં 67 કરોડ રૂપિયાનું ઓપનિંગ લીધું છે.
- વર્ષ 2024માં એક ભારતીય ફિલ્મને સૌથી મોટું વિદેશી ઓપનિંગ મળ્યું છે અને એ છે ‘પુષ્પા 2’. આ મામલે અલ્લુ અર્જુન સ્ટારર પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ને માત આપી છે.
- ‘પુષ્પા 2’ અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. પછી એ સ્થાનિક બોક્સ ઓફિસ હોય, વિદેશી હોય કે વિશ્વવ્યાપી ઓપનિંગ. રસપ્રદ વાત એ છે કે તેણે રિલીઝ પહેલાં જ રૂ. 105 કરોડના ગ્રોસ એડવાન્સ બુકિંગ સાથે આ સિદ્ધિ મેળવી હતી.
- ‘પુષ્પા 2’ ડિરેક્ટર સુકુમાર માટે સૌથી મોટી ઓપનિંગ (ઘરેલું, વિદેશી અને વિશ્વવ્યાપી) ફિલ્મ પણ બની છે.
- ‘પુષ્પા 2’ની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાની કારકિર્દીમાં માઈલસ્ટોન બની ગઈ છે. એ તેની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ (ઘરેલું, વિદેશી અને વિશ્વવ્યાપી) ફિલ્મ બની છે.
- ‘પુષ્પા 2’નું નિર્માણ Mythri Movie Makers દ્વારા કરવામાં આવ્યું છે અને એ સ્થાનિક, વિદેશી અને વિશ્વભરમાં ફિલ્મમેકર્સ માટે સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે.
- ‘પુષ્પા 2’ હિન્દી બોક્સ ઓફિસ પર અત્યારસુધીની સૌથી મોટી ઓપનિંગ કરનારી પ્રથમ સાઉથ ફિલ્મ છે.
- ‘પુષ્પા 2’ હિન્દીમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મ બની છે. એણે પહેલા દિવસે હિન્દી વર્ઝનમાં 67 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ પહેલાં આ રેકોર્ડ શાહરુખ ખાનની ‘જવાન’ના નામે હતો, જેણે પહેલા દિવસે હિન્દીમાં 65.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
500 કરોડનું બજેટ, 200 મિનિટનો રનટાઈમ, થિયેટરોમાં રિલીઝ
- ‘પુષ્પા-2’ રૂપિયા 500 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. સેન્સર પ્રમાણપત્ર જણાવે છે કે ફિલ્મનો રનટાઇમ 3 કલાક 20 મિનિટ અને 38 સેકન્ડ (200.38 મિનિટ) છે. પુષ્પા ફિલ્મના પહેલા ભાગનો રનટાઇમ 2 કલાક 59 મિનિટનો હતો.
- આ ફિલ્મ તમિળ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળીમાં પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મ સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX, D-BOX ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી છે.
- ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ ક્લાઈમેક્સને અલગથી શૂટ કર્યો છે, જેથી ફિલ્મ સાથે સંબંધિત કોઈ સ્પોઈલર લીક ન થાય. તમામ ક્લાઈમેક્સ શૉટમાંથી, નિર્માતાઓને એ વિશે જાણ કરવામાં આવી ન હતી કે સેટ પર કયો એ અંતિમ હશે. આ ઉપરાંત સેટ પર ફોન પોલિસી પણ રાખવામાં આવી હતી.
એક્ટર અલ્લુ અર્જુનની આ તસવીર ફિલ્મના ટ્રેલરમાંથી લેવામાં આવી છે.
ફિલ્મ 2022માં રિલીઝ થવાની હતી અલ્લુ અર્જુને વર્ષ 2019માં ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (પ્રથમ ભાગ)નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમયે દિગ્દર્શક સુકુમારે જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરશે. તેઓ પહેલો ભાગ 2021માં અને બીજો ભાગ 2022માં રિલીઝ કરવા માગતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન અને ડિરેક્ટર સુકુમાર વચ્ચે મતભેદને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું. 2 વર્ષ સુધી વિલંબ થયા પછી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ એ ફરીથી મોકૂફ રાખવામાં આવી હતી.
‘પુષ્પા’ 2021ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ સંસ્કરણો સહિત આ ફિલ્મે ભારતમાં 313 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં એ છઠ્ઠા નંબર પર છે.
પુષ્પા-2 ફિલ્મ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
‘પુષ્પા-2’માં અલ્લુ અર્જુનનો નેવરસીન અવતાર, એક્શન થ્રિલરથી ભરપૂર
અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ રિલીઝ થઈ ગઈ છે. ક્રાઈમ અને એક્શન થ્રિલર આ ફિલ્મની લંબાઈ 3 કલાક 20 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે ફિલ્મને 5માંથી 3.5 સ્ટારનું રેટિંગ આપ્યું છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…