2 કલાક પેહલા
- કૉપી લિંક
13 ડિસેમ્બરના રોજ એક ફોટોગ્રાફરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે પૂજા હેગડેને દુબઈમાં કોઈની સાથે ઉગ્ર દલીલ કર્યા પછી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. જોકે, બાદમાં આ પોસ્ટને ફોટોગ્રાફરના એકાઉન્ટમાંથી ડિલીટ કરી દેવામાં આવી હતી.
પૂજાને કોઈપણ પ્રકારની ધમકી મળી નથી : ટીમ
હવે પૂજાની ટીમે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમની ટીમનું કહેવું છે કે પૂજાને આવી કોઈ ધમકી મળી નથી. આ વાતો માત્ર અફવા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમે કહ્યું- અમને ખબર નથી કે આ ફેક ન્યૂઝ કોણે ફેલાવવાના શરૂ કર્યા છે. આ સંપૂર્ણપણે ખોટું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂજાએ થોડા સમય પહેલાં દુબઈમાં એક ક્લબના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

પૂજાના આગામી પ્રોજેક્ટ્સ
આગામી દિવસોમાં પૂજા શાહિદ કપૂર સાથે એક્શન થ્રિલર ફિલ્મ ‘દેવા’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોશન એન્ડ્રુઝ કરી રહ્યા છે. ‘દેવા’ ઓક્ટોબર 2024માં રિલીઝ થશે.

પૂજા પાસે ‘હાઉસફુલ 5’ પણ છે. ફ્રેન્ચાઇઝીની 5મી ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, બોબી દેઓલ, ક્રિતી સેનન, કૃતિ ખરબંદા, જેક્લિન ફર્નાન્ડીઝ, દિશા પટની અને ચંકી પાંડે જેવા કલાકારો જોવા મળશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ વર્ષે પૂજા ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં જોવા મળી હતી. ઈદના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. ફિલ્મમાં પૂજા સિવાય સલમાન ખાન, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.

‘મોહેં જો દરો’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો
પૂજાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 2012માં આવેલી તમિળ ફિલ્મ મુગમૂદીથી એક્ટિંગની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મ ‘મોહેં જો દરો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ તેમની કારકિર્દીની ચોથી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે પહેલીવાર હૃતિક રોશન સાથે સ્ક્રીન શેર કરી હતી.

પૂજા ફિલ્મના પડદા પર સલમાન ખાન, રવિ તેજા, અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર અને પ્રભાસ જેવા કલાકારો સાથે જોવા મળી છે.
મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં સેકન્ડ રનર અપ રહી હતી
ફિલ્મોમાં આવતા પહેલાં પૂજાએ 2009માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ તે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે 2010ની મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ વખતે તે સેકન્ડ રનર અપ રહી હતી.
પૂજા 51 કરોડ રૂપિયાની માલિકણ છે
પૂજાની કુલ સંપત્તિ 51 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા લે છે. તે દર મહિને 50 લાખ રૂપિયા કમાય છે.
પૂજા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 35 થી 40 લાખ રૂપિયા લે છે.