2 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલાર’ ગઈ કાલે 22મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. સાલારે ઓપનિંગ ડે પર વિશ્વભરમાં રૂ. 178.7 કરોડનું કલેક્શન કર્યું હતું. તેમાંથી 90 કરોડ રૂપિયા ભારતીય બોક્સ ઓફિસના છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ના રેકોર્ડ તોડતાં ‘સાલાર’ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે. જ્યારે શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘ડંકી’એ 29.20 કરોડની ઓપનિંગ કરી હતી અને બીજા દિવસે 20.50 કરોડની કમાણી કરી હતી. ‘ડંકી’ બે દિવસમાં માત્ર 50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી છે.
‘સાલાર’ સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ફિલ્મ બની છે
માત્ર કલેક્શનની બાબતમાં જ નહીં, એડવાન્સ બુકિંગની બાબતમાં પણ પ્રભાસની ‘સાલારે’ શાહરુખની ‘ડંકી’ને પાછળ છોડી દીધી હતી. એટલું જ નહીં, ‘સાલાર’ આ વર્ષે યુએસએમાં સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ભારતમાં એડવાન્સ બુકિંગ દ્વારા લગભગ 49 કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કર્યું છે. આ કમાણીનો આંકડો બોક્સ ઓફિસ પર એક દિવસ અગાઉ રિલીઝ થયેલી શાહરુખ સ્ટારર ફિલ્મ ‘ડંકી’નાં ઓપનિંગ કલેક્શન કરતાં વધુ છે.

સાઉથના પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાનો અભિપ્રાય
ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ જણાવ્યું કે, ‘સાલાર’નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાઉથ સ્ક્રીન પર તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ જેવી ઘણી ભાષાઓમાં રિલીઝ થયેલી ‘સાલાર’, ‘ડંકી’ કરતા પણ ઘણા ઊંચા સ્તરે છે. પ્રભાસનો ક્રેઝ સાઉથમાં ઘણો વધારે છે. ‘ડંકી’પણ સારું પરફોર્મ કરી રહી છે, પરંતુ ‘સાલાર’ જેટલું સારું નથી. દિગ્દર્શક રાજકુમાર હિરાનીની ‘મુન્નાભાઈ’, ‘પીકે’ જેવી ફિલ્મોને કારણે લોકો ‘ડંકી’ને પસંદ કરી રહ્યા છે, પરંતુ તે રાજકુમાર હિરાનીની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક નથી.

શાહરુખ ખાન માટે આ વર્ષ ઘણું સારું રહ્યું, કારણ કે ‘પઠાણ’ અને ‘જવાન’ બંને સુપરહિટ ફિલ્મો હતી. જો કે,’ડંકી’ આ બંનેની તુલનામાં સારું પ્રદર્શન કરી શકશે નહીં. પબ્લિક રિવ્યૂ મુજબ પણ ‘ડંકી’, ‘જવાન’ અને ‘પઠાણ’ની જેમ નહીં ચાલે, કારણ કે ‘જવાન’માં નયનથારા, એટલી, વિજય સેતુપતિ હોવાના કારણે સાઉથમાંથી કલેક્શન સારું હતું. રમેશ બાલા માને છે કે દિગ્દર્શક પ્રશાંત નીલ ‘KGF’ અને ‘Salaar’ બંનેના ડિરેક્ટર છે, પરંતુ ‘KGF’ અને ‘Salaar’ની સરખામણી કરી શકતા નથી.

ટ્રેડ એક્સપર્ટ આમિર અંસારીએ ‘સાલાર’ વિશે વાત કરી
ટ્રેડ એક્સપર્ટ આમિર અંસારીએ કહ્યું કે, ‘સાલાર ઇતિહાસ રચી રહી છે. અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મો ‘RRR’, ‘બાહુબલી 2’ અને ‘KGF 2’ હતી. ટ્રેડ એક્સપર્ટના મતે, સાલારનું ફર્સ્ટ ડે કલેક્શન રૂ. 160-170 કરોડ છે. સાલારે પહેલા દિવસે હિન્દીમાં માત્ર 7000 શોમાં 15-16 કરોડનું કલેક્શન કર્યું હતું.
સાલારે ઓપનિંગ ડે કલેક્શનના સંદર્ભમાં ‘KGF 2’ નો રેકોર્ડ તોડ્યો છે અને ‘RRR’ અને બાહુબલી 2 પછી ભારતમાં ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે. સાલારે ઉત્તર અમેરિકામાં પણ રેકોર્ડ તોડ્યા છે.
