10 કલાક પેહલા
- કૉપી લિંક
2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાજીરાવ-મસ્તાની’ ઘણી હિટ રહી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળ્યાં હતા, જ્યારે ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય લીલા ભણસાલી સેટ પર પરફેક્શન માટે ખૂબ જ જાણીતા છે, જયારે તેમને મન મુજબનો શોટ ન મળે ત્યારે એક્ટરોને ઠપકો આપે છે. પ્રિયંકા ચોપરાને પણ ફિલ્મના સેટ પર આડે હાથ લીધી હતી, જેના કારણે પ્રિયંકાએ ફિલ્મ છોડી દેવાનું મન બનાવી જ લીધું હતું.
‘દિલ ધડકને દો’ ફિલ્મના પ્રમોશન દરમિયાન રણવીર સિંહે અનુપમા ચોપરા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રિયંકા ચોપરાને સંજય લીલા ભણસાલી સાથે કામ કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શરૂઆતમાં બે-ત્રણ દિવસ સુધી ઠપકો આપ્યા બાદ પ્રિયંકા ચોપરા ખૂબ જ ભાંગી પડી હતી. રણવીરે કહ્યું હતું કે, મિસ જે બધું જાણે છે અને જે એક્ટિંગની કળામાં નિષ્ણાત છે તે એક ફિલ્મના સેટ પર પહોંચી હતી. તે ફિલ્મનું નામ છે ‘બાજીરાવ મસ્તાની’ જેના નિર્દેશક સંજય લીલા ભણસાલી છે. મને લાગે છે કે તે સમયે પ્રિયંકા સંજય લીલા ભણસાલીની કામ કરવાની રીતથી વાકેફ નહોતી.
‘બાજીરાવ મસ્તાની’ના સેટ પર પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણની તસવીર
રણવીરે વધુમાં જણાવ્યું કે, ‘પ્રિયંકા ચોપરાને ઠપકો મળ્યા બાદ તે શૂટિંગના ત્રીજા દિવસે ફિલ્મ છોડી દેવા માગતી હતી. દેખીતી રીતે ઠપકો આપવા છતાં પ્રિયંકાએ ફિલ્મ છોડી ન હતી અને તે સંજય લીલા ભણસાલી સાથે સંબંધના તાલમેલમાં કરવામાં સફળ રહી હતી.’
આ ફિલ્મમાં પ્રિયંકાએ બાજીરાવનો રોલ કરનાર રણવીર સિંહની પહેલી પત્ની કાશીબાઈનો રોલ કર્યો હતો. આ ફિલ્મ માટે પ્રિયંકાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર અને આઈફા એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પ્રિયંકા અને સંજય લીલા ભણસાલીની આ બીજી ફિલ્મ હતી. સૌ પ્રથમ બંનેએ ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલા’માં સાથે કામ કર્યું હતું. પહેલાં પ્રિયંકા આ ફિલ્મની લીડ એક્ટ્રેસ બનવાની હતી, જો કે બાદમાં દીપિકાને ફિલ્મમાં લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં સંજય લીલા ભણસાલીએ ફિલ્મના ટાઈટલ સોંગમાં પ્રિયંકાને કાસ્ટ કરી હતી. આ સિવાય પ્રિયંકા ચોપરાએ સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ ‘મેરી કોમ’માં પણ લીડ રોલ નિભાવ્યો છે.
ફિલ્મ ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલાના ટાઈટલ સોંગમાં પ્રિયંકા ચોપરા