3 કલાક પેહલા
- કૉપી લિંક
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડલીની એક ઝલક માટે ફેન્સ આતુરતાથી રાહ જોતા હતા. આખરે 25 ડિસેમ્બર 2023ના રોજ મીડિયાને દીકરી રાહા કપૂરનો ચહેરો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બતાવ્યો હતો. જેની તસવીરો અને વીડિયો ચાહકોમાં હજુ પણ ચર્ચામાં છે. આ વચ્ચે એક ફેને ક્રિએટિવિટી દેખાડીને સ્વર્ગસ્થ રિશી કપૂરની પૌત્રી રાહા કપૂર સાથેની એક તસવીર એડિટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે.ફેન્સ પણ આ તસવીર ઉપર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પરંતુ હવે રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને આ એડિટ કરેલા ફોટો પર પ્રતિક્રિયા આપી છે.
તસવીર ફેન પેજ પર શેર કરવામાં આવી
હાલમાં જ રિશી કપૂરની એક એડિટેડ તસવીર ફેન પેજ પર શેર કરવામાં આવી હતી, જેમાં સુપરસ્ટાર રાહા કપૂરને તેમના ખોળામાં પકડીને જોઈ શકાય છે. બંને એકબીજા સામે જોઈ હસતા હતા. ફોટામાં રિશી કપૂરે વાદળી ટી-શર્ટ પહેરી હતી, જ્યારે રાહા પ્રિન્ટેડ સફેદ ડ્રેસ જોવા મળી હતી.
આ એડિટેડ તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, “કાશ રિશીજી આજે પણ આપણી સાથે હોત… અને રાહા સાથે પણ.” આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને આ તસવીર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરી અને લખ્યું, “આ ખૂબ જ સારું એડિટ છે. તે અમારા હૃદયને ખુશીથી ભરી દે છે. આભાર.” નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફરીથી પોસ્ટ શેર કરી. લખ્યું, “આ છે. ખૂબ જ સુંદર”.
2020માં રિશી કપૂરનું અવસાન થયું હતું
ઊલ્લેખનીય છે કે, વર્ષ 2020માં રિશી કપૂરનું બે વર્ષ સુધી લ્યુકેમિયા સામે લડ્યા બાદ અવસાન થયું હતું. વર્ષ 2022માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન બાદ પુત્રી રાહા કપૂરનું સ્વાગત કર્યું હતું. જ્યારે કપલે તેમની પુત્રીને લાંબા સમય સુધી મીડિયાની નજરથી દૂર રાખી હતી.
રણબીર કપૂર છેલ્લે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રશ્મિકા, તૃપ્તિ ડિમરી, અનિલ કપૂર, શક્તિ કપૂર અને સુરેશ ઓબેરોય જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. રણબીર કપૂર ટૂંક સમયમાં જ નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.
14 એપ્રિલે લગ્ન કર્યા ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો. આલિયાએ પ્રેગ્નન્સીમાં સતત કામ કર્યું હતું.