49 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અજય દેવગન ‘રેડ 2’માં પટનાયકની ભૂમિકા સાથે ફરી વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મ 2018માં આવેલી ‘રેડ’ની સિક્વલ છે, જેમાં તેણે IRS અધિકારી અમય પટનાયકનો રોલ કર્યો હતો. પહેલી ફિલ્મમાં, અમય રામેશ્વર સિંહ ઉર્ફે ‘તાઉજી’ના ઘરે દરોડા પાડે છે. આ રેડમાંથી તે કરોડોનું બ્લેક મની જપ્ત કરે છે. ફિલ્મમાં રેડ દરમિયાન ભોગવી પડેલી મુશ્કેલીઓની ઝલક બતાવવામાં આવી હતી. હવે બીજા ભાગમાં અમય પટનાયક દાદાભાઈ (રિતેશ દેશમુખ) નામના રાજકારણીના ઘરમાં રેડ પાડશે. ‘રેડ 2’ ટીઝર રિલીઝ થઈ ગયું છે અને લોકો તેને ખૂબ જ વખાણી રહ્યા છે.
‘રેડ 2’નું ટીઝર રિલીઝ ફિલ્મ ‘રેડ 2’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં અજય દેવગન ફરી એકવાર અમય પટનાયકની સ્ટાઈલમાં જોવા મળશે. બ્લેક શર્ટ, ગ્રે પેન્ટ, ચશ્મા અને હાથમાં સુટકેસ સાથે અમય (અજય દેવગન) દાદાભાઈના ઘરમાં પ્રવેશતો જોવા મળે છે. અમય પટનાયકની ફિલ્મમાં 75મી રેડ છે.
ટીઝરમાં, રિતેશ દેશમુખને દાદાભાઈ(વિલન)ની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે. ‘એક વિલન’ ફિલ્મ બાદ રિતેશે સાબિત કરી દીધું છે કે તે વિલનની ભૂમિકામાં પણ સારું કરી શકે છે. ફિલ્મમાં રાજકારણી દાદાભાઈનો ખૂબ ખતરનાક લુક બતાવવામાં આવ્યો છે. તે લોકોની સામે સારું વર્તન કરે છે, પણ દુનિયાની નજરથી દૂર અઢળક રૂપિયાના ટેક્સની ચોરી કરી લોકોને મૂર્ખ બનાવે છે. દાદાભાઈને પોતાની જાળમાં ફસાવવા માટે અમય પટનાયક એક ચક્રવ્યૂહ તૈયાર કરતો બતાવવમાં આવ્યો છે. ટીઝરનો એક ડાયલોગ પણ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. રિતેશ દેશમુખ (દાદાભાઈ) જ્યારે ફોન પર પટનાયકને કહે છે કે- પાંડવ કબ સેં ચક્રવ્યૂહ રચને લગે…, જેના જવાબમાં અજય દેવગન (પટનાયક) કહે છે કે- ‘મેને કબ કહા મેં પાંડવ હૂં, મેં તો પૂરી મહાભારત હૂં…’ અમય અને દાદાભાઈ વચ્ચેની આ લડાઈ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

રિતેશ દેશમુખ દાદાભાઈ(વિલન)ની ભૂમિકા ભજવશે

‘રેડ 2’ ફિલ્મનું પોસ્ટર
ફિલ્મ ક્યારે રિલીઝ થશે? આ ફિલ્મમાં અજય દેવગન અને રિતેશ દેશમુખ ઉપરાંત વાણી કપૂર, રજત કપૂર, સૌરભ શુક્લા, સુપ્રિયા પાઠક, અમિત સિયાલ, યશપાલ શર્મા જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે- રવિના ટંડનનો આ ફિલ્મમાં કેમિયો હશે. આ ફિલ્મમાં વાણી કપૂર અજય દેવગનના પાત્ર અમયની પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળશે, આ ભૂમિકામાં ઇલિયાના ડી’ક્રુઝ અગાઉ જોવા મળી હતી. ફિલ્મ ‘રેડ 2’ 1 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું ડિરેક્શન રાજ કુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે.