14 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘સત્યા’, ‘સરકાર’ અને ‘રક્તચરિત્ર’ જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક રામ ગોપાલ વર્મા વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે ગુરુવારે બપોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. રામ ગોપાલ વર્માએ લખ્યું કે, તેઓ આંધ્ર પ્રદેશના પીઠાપુરમ મતવિસ્તારથી ચૂંટણી લડશે. દક્ષિણના સુપરસ્ટાર પવન કલ્યાણ પણ આ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે રાજકીય મુકાબલો જોવા મળી શકે છે.
જો કે, રામ ગોપાલ વર્માએ એ વાતની પુષ્ટિ કરી નથી કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે કોઈ પક્ષના બેનર હેઠળ, પરંતુ તેમના નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.
જુઓ રામ ગોપાલ વર્માનું ટ્વિટ..
ગયા વર્ષે ડિસેમ્બરમાં રામ ગોપાલ વર્માની ઓફિસની બહાર આગચંપી થઈ હતી. રામુએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ અને સુપરસ્ટાર પવન કલ્યાણ પર આનો આરોપ લગાવ્યો હતો. તે સમયે રામુની ફિલ્મ ‘વ્યૂહમ’ રિલીઝ થઈ હતી. વાસ્તવમાં એન. ચંદ્રાબાબુ નાયડૂના પુત્ર નારા લોકેશે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘વ્યૂહમ’ને લઈને તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. નારા લોકેશે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં તેના પિતાની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાબતે વિવાદ થયો હતો.
રામ ગોપાલ વર્માએ X પર આ વીડિયો શેર કર્યો છે. આમાં કેટલાક લોકો તેમની ઓફિસની બહાર હંગામો મચાવતા જોવા મળે છે
તાજેતરમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, પવન કલ્યાણની ‘જનસેના પાર્ટી’ ભાજપ અને ચંદ્રાબાબુ નાયડૂની ‘તેલુગુ દેશમ પાર્ટી’ સાથે ગઠબંધન કરીને આગામી વિધાનસભા ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે, રામ ગોપાલ વર્માને બંને પક્ષોનું એકસાથે આવવું પસંદ નથી આવ્યું.
રામ ગોપાલ વર્મા અંડરવર્લ્ડ અને ગેંગસ્ટરોના જીવન પર આધારિત ફિલ્મો બનાવતા હતા
રામ ગોપાલ વર્માએ બોલિવૂડને ઘણી ફિલ્મો આપી છે. તેમની ફિલ્મો સામાન્ય રીતે અંડરવર્લ્ડ અને ગેંગસ્ટરોના જીવન પર આધારિત હતી. તેમણે ‘સત્યા’, ‘શૂલ’, ‘સરકાર’ અને ‘કંપની’ સહિત ઘણી હિટ ફિલ્મો બનાવી છે. તેમણે પોતાની ફિલ્મો માટે નેશનલ એવોર્ડ્સ પણ જીત્યા છે. ‘સત્યા’એ 6 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. છેલ્લા ઘણા સમયથી રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મો માટે ઓછા પરંતુ વિવાદો માટે વધુ ચર્ચામાં રહે છે.