11 કલાક પેહલા
- કૉપી લિંક
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ના બીજા શેડ્યૂલની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રણબીર કપૂર ઓગસ્ટથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ પૌરાણિક ફિલ્મ માટે 12 ભવ્ય સેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ઓગસ્ટના મધ્ય સુધીમાં સેટ તૈયાર થઈ જશે
ફિલ્મ ‘રામાયણ’ના શૂટિંગ પહેલાં મુંબઈમાં ભવ્ય સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પૌરાણિક કથાઓ અનુસાર, પ્રાચીન શહેરો અયોધ્યા અને મિથિલાના સીન શૂટ કરવા માટે મુંબઈમાં 12 સેટ બનાવવામાં આવી રહ્યા છે, જે ઓગસ્ટના મધ્ય સુધીમાં તૈયાર થઈ જશે. સેટ તૈયાર થતાં જ રણબીર કપૂર ઓગસ્ટના અંત સુધીમાં ફિલ્મનું બીજું શૂટિંગ શેડ્યૂલ શરૂ કરશે.
મિડ ડેના હાલના રિપોર્ટ અનુસાર, ફિલ્મના શૂટિંગ માટે 350 દિવસનું શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કલાકારોના પર્સનલ સીન અને અન્ય સીન સામેલ છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી ફિલ્મમાં માતા સીતાનો રોલ કરી રહી છે. રણબીર અને સાઈએ ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ કરી લીધું છે, જ્યાંથી તેમનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાનું છે.
‘રામાયણ’ ફિલ્મ 835 કરોડમાં બનશે
એવા અહેવાલો છે કે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ 835 કરોડ રૂપિયાના મેગા બજેટ સાથે બની રહી છે. જો રિપોર્ટ્સ સાચા સાબિત થશે તો આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની જશે. હાલમાં, ભારતની સૌથી મોટી બજેટ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ છે, જે રૂ. 600 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી હતી.
‘રામાયણ’ને 2 ભાગમાં બનાવવામાં આવશે
નિતેશ તિવારી શરૂઆતમાં એક જ ભાગમાં ફિલ્મ બનાવવાના હતા, પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડઅને પાત્રોને ઊંડાણમાં સ્થાપિત કરવા માટે તેમણે ફિલ્મને 2 ભાગમાં બનાવવાનું નક્કી કર્યું છે. બંને પાર્ટનું શૂટિંગ એકસાથે 350 દિવસના શૂટિંગ શેડ્યૂલમાં પૂર્ણ થશે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, પહેલો ભાગ ભગવાન રામના બાળપણ, માતા સીતા સાથેના લગ્ન અને વનવાસની આસપાસ બનાવવામાં આવશે.
‘રામાયણ’ ફિલ્મનું કાસ્ટિંગ આ રીતે થશે
ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી ભગવાન શ્રી રામ અને માતા સીતાની ભૂમિકામાં છે. કન્નડ સુપરસ્ટાર યશ લંકેશ આ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવવાના છે, જ્યારે સની દેઓલ આ ફિલ્મમાં હનુમાનની ભૂમિકા ભજવશે. લારા દત્તા શૂર્પણખાના રોલમાં છે. અભિનેતા કુણાલ કપૂરે પણ આ ફિલ્મ સાઈન કરી છે, જો કે તેને કયો રોલ આપવામાં આવ્યો છે તેની માહિતી હજુ સામે આવી નથી.