મુંબઈ33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેલિવિઝનનું મોટું નામ રશ્મિ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ હતી. છેલ્લા કેટલાક વર્ષો તેના માટે સારાં રહ્યાં નથી. તેણે આર્થિક અને શારીરિક રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
રશ્મિએ જણાવ્યું કે, એક સમયે તે નાદાર થઈ ગઈ હતી. રહેવા માટે કોઈ ઘર નહોતું. તેને ગાડીમાં સૂવું પડ્યું. પૈસા માટે ‘બિગ બોસ શો’માં ગઈ હતી. ત્યાંની સફર પણ ઘણી મુશ્કેલ હતી. તે ત્યાં એટલી દુઃખી થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું. શોના હોસ્ટ સલમાન ખાને તેને સમજાવ્યા પછી તે થોડી સામાન્ય થઈ ગઈ.
ઘણી મુશ્કેલીઓ પછી, રશ્મિ દેસાઈએ પોતાની કારકિર્દી ફરી શરૂ કરી છે. આ વર્ષે તે એક ગુજરાતી અને એક હિન્દી ફિલ્મમાં જોવા મળી હતી.
સફળતા માટે તેના સંઘર્ષની વાત, તેના જ શબ્દોમાં

પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી ‘મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. માતા શિક્ષિકા હતી, તેમનો પગાર 15 હજાર રૂપિયા હતો. મમ્મીએ મને અને મારા ભાઈને ઉછેરવાના હતા. આટલા પૈસા પૂરતા નહોતા. ક્યારેક, અમને ભોજન માટે પણ મુશ્કેલી પડતી. કદાચ એટલા માટે જ મેં નાની ઉંમરે પૈસા કમાવવાનું નક્કી કર્યું. એવું નથી કે હું એક્ટ્રેસ બનવા માગતી હતો. હું ડાન્સ કોરિયોગ્રાફર અથવા એર હોસ્ટેસ બનવા માગતી હતી.’
‘હું સરોજ ખાન અને માધુરી દીક્ષિતના નૃત્ય કૌશલ્યની ચાહક હતી. જોકે, એકવાર એક્ટિંગની ઓફર આવી,પછી આ ફિલ્ડમાં એડજસ્ટ થઈ ગઈ. બીજા બધાં સપના પાછળ રહી ગયાં.
ભોજપુરી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ‘મેં 2002માં આસામી ફિલ્મ ‘કન્યાદાન’થી ડેબ્યૂ કર્યું. આ પછી, ડઝનબંધ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું. 2005માં, મારી એક ભોજપુરી ફિલ્મ ‘કબ હોઈ ગવના હમાર’ ને શ્રેષ્ઠ ભોજપુરી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.’
‘આ ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે હું ફક્ત 20 વર્ષની હતી. તે સમયે મને બહુ સમજાયું નહીં. સેટ પર,ખાવાનું સારું મળતું એટલે મજા આવતી. આ ફિલ્મ પછી, મારો પહેલી વાર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો.’
ટીવી શોમાંથી દૂર કરી ‘2006 ની આસપાસ, હું ટેલિવિઝન તરફ વળી. મારી કારકિર્દીના શરૂઆતના દિવસોમાં હું એક શોમાં જોડાઈ હતી. બધી તૈયારીઓ કરી લીધી હતી, કે નિર્માતાઓને કોઈનો ફોન આવ્યો. ત્યાંથી, કંઈક કહેવામાં આવ્યું અને મને શોમાંથી કાઢી મૂકવામાં આવી. મારી જગ્યાએ બીજા કોઈને કાસ્ટ કરવામાં આવી. એ સમય મારા માટે ખૂબ જ પીડાદાયક હતો.’

રશ્મિ દેસાઈ ટીવી શો “ઉતરન” માં તપસ્યા ઠાકુરની ભૂમિકા માટે જાણીતી છે. આ શોમાં તેમનો નકારાત્મક રોલ હતો. આ શો પછી, તેણે કો-એક્ટર નંદીશ સંધુ (જમણે) સાથે લગ્ન કર્યા, જે વધારે દિવસો સુધી ન ટક્યા
ટેલિવિઝન સુધી જ સંકોચાઈ ગઈ ‘મેં ઘણી સિરીયલોમાં કામ કર્યું, પણ મને કલર્સ ટીવી પર આવતા “ઉતરન” શોથી ઓળખ મળી. તે સિરિયલે મને લોકપ્રિયતા આપી. આ સિરિયલ 5 વર્ષ સુધી ચાલી. પૈસા પણ આવતા હતા. કોઈ પણ વસ્તુની કમી નહોતી.
જોકે, થોડા સમય પછી મને ખ્યાલ આવ્યો કે હું એક્સ્પ્લોર કરી શકતી નથી. મેં લાંબા સમય સુધી ટેલિવિઝનમાં પ્રતિબદ્ધ ભૂમિકાઓ ભજવી.આ કારણોસર ત્યાં સંકોચાઈને રહી ગઈ.’

નાદાર થઈ ગઈ, રહેવા માટે છત ન રહી ‘તે 2017નું વર્ષ હતું. મારી પાસે પૈસા ખતમ થઈ ગયા હતા. કરોડોની લોન લીધી હતી. ન ચૂકવી શકી, નાદાર થઈ ગઈ. મને તો એ પણ સમજાતું નહોતું કે મારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું.
મેં મારા સમગ્ર જીવનમાં ઘણા પૈસા કમાયા, પણ તે મેનેજ કરી શકી નહીં. મારે એ પૈસાથી મારા માટે કંઈક કરવું જોઈતું હતું. લોકોએ મને છેતરી અને મારા પૈસા છીનવી લીધા. એક સમય એવો આવ્યો જ્યારે મારે ચાર દિવસ ગાડીમાં સૂવું પડ્યું. તે પરિસ્થિતિમાં મારી કાર સૌથી વધુ ઉપયોગી બની.’
પૈસા માટે બિગ બોસમાં ગઈ હતી, ત્યાં આત્મહત્યા કરવાનું વિચાર્યું ‘મારા માટે બિગ બોસનો ભાગ બનવા પાછળ પૈસા સૌથી મોટું કારણ હતું. તે પહેલાં મારી પાસે થોડા પૈસા હતા, પણ મેં ઘર ખરીદ્યું. હું પૈસા માટે બિગ બોસનો ભાગ બની, પણ ત્યાં ટકી રહેવું સરળ નહોતું.’
‘શો દરમિયાન એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે મને આત્મહત્યા વિશે પણ વિચાર આવવા લાગ્યો. હું ઘણી વાર તૂટી ગઈ. મારી ખૂબ મજાક ઉડાવવામાં આવી. લાગણીઓ સાથે રમ્યા. બહાર ઘણું ટ્રોલિંગ થઈ રહ્યું હતું. મારું મન સંપૂર્ણપણે બેચેન થવા લાગ્યું. પછી એક દિવસ સલમાન સરે મને વીકએન્ડ એપિસોડમાં સમજાવ્યું. ત્યારે જ મને થોડી હિંમત મળી.’

સલમાને પિતાની જેમ ટેકો આપ્યો ‘મેં સલમાન ખાન સાથે એક એડવર્ટાઇઝ વીડિઓમાં પણ કામ કર્યું છે. જોકે મને તેમના વિશે જાહેરમાં વાત કરવાનું પસંદ નથી. બસ એટલું સમજો કે તે એક રાજાશાહી માણસ છે. તે લોકો માટે ઘણું બધું કરે છે. જ્યારે પણ હું તેમની સાથે વાત કરું છું, ત્યારે અમે હંમેશા ભવિષ્ય વિશે વાત કરીએ છીએ. અને તે હંમેશા આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.’
‘સલમાન સાહેબે મારા માટે જે કર્યું છે તેનું હું વર્ણન કરી શકતી નથી. સલમાન સાહેબે મારા માટે એટલું જ કર્યું છે જેટલું એક પિતા કરે છે.’

માતાએ વધુ સંઘર્ષ કર્યો ‘મેં મારી માતાને મારા કરતાં વધુ સંઘર્ષ કરતા જોઈ છે. મેં મારી માતા પાસેથી શીખ્યું છે કે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો. મારા પિતા સાથે નહોતા, મારી માતાએ મારો સિંગલ મધર તરીકે ઉછેર કર્યો. એવું નહોતું કે હું તેમના માટે સરળ બાળક હતું, મને સહન કરવું તેમના માટે ખૂબ મુશ્કેલ હતું.’
‘મારો ભાઈ મારા કરતા વધારે બુદ્ધિશાળી હતો. મેં જીવનમાં એટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે કે, કોઈ બીજી વ્યક્તિ હોત તો અત્યાર સુધીમાં તૂટી ચૂકી હોત. કદાચ, મારી માતાનું યોગદાન છે કે મારી સમસ્યાઓ તેમની સામે ખૂબ ઓછી લાગે છે.’

ગુજરાતી અને હિન્દી ફિલ્મોથી જોરદાર વાપસી ‘હું ખૂબ મુસાફરી કરું છું. થોડા સમય પહેલાની વાત છે. પર્વતોની સોલો ટ્રિપ માટે ગઈ. ત્યાં મેં પર્વતોમાંથી આવતું પાણી પીધું. મને પેટમાં ઇન્ફેક્શન લાગ્યું. હું 6-7 મહિના સુધી સંપૂર્ણપણે ઘરે જ રહી.’
‘કદાચ એટલા માટે જ હું આજકાલ ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી નથી. હું ફક્ત મારા સ્વાસ્થ્ય પર કામ કરી રહી છું. હવે હું ફરીથી ફિલ્મો કરી રહી છું. મેં તાજેતરમાં એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. હિન્દી ભાષી લોકો પણ તેને પસંદ કરી રહ્યા છે. ગયા મહિને રિલીઝ થયેલી ફિલ્મ ‘હિસાબ બરાબર’માં પણ તમે મને જોઈ હશે.’