6 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર નાના પાટેકરે દિવંગત એક્ટર રિશી કપૂર સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે. ફિલ્મમાં રિશી સાથે કામ કરવાનો અનુભવ જણાવતા તેમણે કહ્યું કે, તે સેટ પર ખૂબ જ દુર્વ્યવહાર કરતા હતા.
નાના અને રિશીએ 1995માં આવેલી ફિલ્મ ‘હમ દોનો’માં સાથે કામ કર્યું હતું. નાનાએ જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન રિશી કપૂરના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ફિલ્મ ‘હમ દોનો’માં નાના પાટેકર અને રિશી કપૂર
નાનાએ કહ્યું, ‘તે (રિશી કપૂર) ખૂબ જ દુર્વ્યવહાર કરતા હતા. તેઓ ખૂબ જ ચિડાઈ પણ જતા હતા. તે કોઈ પણ સીનના શૂટિંગ માટે એકથી વધુ ટેક નહોતા આપતા અને કહેતા કે ‘અમે તમારા જેવા થિયેટરના લોકો નથી’. બીજી તરફ બીજીવાર ટેક કહેવામાં આવે તો તેઓ કહેતા હતા કે, ‘શું બકવાસ કરો છો?’
રિશી કપૂર એકથી વધુ ટેક આપવામાં આવે તો ચિડાઈ જતા હતા
એક કિસ્સો સંભળાવતા નાનાએ કહ્યું, ‘એકવાર હું એક સીનથી ખુશ ન હતો, તેથી મેં તેમને મને બીજો ટેક આપવા કહ્યું અને તેમણે મને પૂછ્યું, ડિરેક્ટર કોણ છે? તમે કે શફી? પછી તેમણે કહ્યું- ‘હટાઓ યાર એમને.’ આ પછી તેમણે કમને બીજો ટેક આપ્યો જે ખૂબ જ ખરાબ હતો. મેં તેમને કહ્યું, ‘ચિન્ટૂ, આ બકવાસ છે’, તે પછી તે ખૂબ જ ખરાબ રીતે અપશબ્દો બોલવા લાગ્યા હતા. પાંચમા ટેક સુધીમાં તેઓ મને મારવા તૈયાર થયા હતા. પરંતુ તે ટેક બેસ્ટ હતો. જ્યારે મેં ચિન્ટૂને કહ્યું કે આ ફિલ્મ માટે આ ટેક ફાઈનલ થઈ ગયો છે, ત્યારે તેમણે મને ચિડાઈને કહ્યું, ‘હા, સારું છે, યાર.’
ફિલ્મ ‘હમ દોનો’ના સેટ પર રિશી કપૂર, પૂજા ભટ્ટ અને નાના પાટેકર
ફિલ્મ ‘હમ દોનો’ની વાત કરીએ તો તેના ડિરેક્ટર શફી ઇનામદાર હતા. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ પણ જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.
નાના તેની તબિયત પૂછતા
રિશી કપૂર સાથે બહુ સારું બોન્ડિંગ ન હોવા છતાં નાના તેમની સાથે વાત કરતા રહેતા હતા. ખાસ કરીને જ્યારે રિશી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા ત્યારે નાના તેમની તબિયત વિશે પૂછતા હતા. નાનાએ કહ્યું કે તે દરમિયાન તેઓ રિશી સાથે ઘણી વાતો કરતા હતા. રિશી કપૂર લ્યુકેમિયાથી પીડિત હતા અને તેમને સારવાર માટે ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા. 2020માં મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.