43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેલિવિઝનના સૌથી વધુ ટીઆરપી શો ‘અનુપમા’માં લીડ રોલમાં રહેલી રૂપાલી ગાંગુલીને આજે કોઈ ઓળખની જરૂર નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા 70-80ના દાયકાના પ્રખ્યાત નિર્માતા હતા. ધર્મેન્દ્રની ફિલ્મમાં પૈસાનું રોકાણ કરીને તેમને મોટું નુકસાન થયું હતું, જેમાં તેમનું ઘર અને સામાન બધું જ વેચાઈ ગયું હતું. આ સ્થિતિમાં રૂપાલીના સમગ્ર પરિવારને ગરીબીમાં જીવવું પડ્યું હતું. કરિયરના શરૂઆતના દિવસોમાં પૈસા ન હોવાને કારણે રૂપાલી દરરોજ 15 કિલોમીટર ચાલીને પૃથ્વી થિયેટરમાં જતી હતી. તેની પ્રથમ ફી 50 રૂપિયા હતી.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રૂપાલી ગાંગુલીએ સંઘર્ષના દિવસો વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે તેમના પિતા અનિલ ગાંગુલી નિર્માતા હતા. 1991માં તેમણે ધર્મેન્દ્ર અભિનીત ફિલ્મ ‘દુશ્મન દેવતા’ બનાવવા માટે તેમની તમામ બચતનું રોકાણ કર્યું હતું. તે જમાનામાં કોર્પોરેટ સિસ્ટમ ન હતી, તેથી નિર્માતાઓએ ફિલ્મો બનાવવા માટે જાતે જ પૈસા ભેગા કરવા પડતા હતા.
રૂપાલી ગાંગુલીના પિતાએ ‘કોરા કાગઝ’, ‘તપસ્યા’ અને ‘ખાનદાન’ જેવી મોટી ફિલ્મોનું નિર્દેશન કર્યું
ફિલ્મ ‘દુશ્મન દેવતા’ બનાવવા માટે રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ ઘર પણ ગીરવે મૂકી દીધું અને તમામ પૈસા ફિલ્મમાં રોક્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી, જેના કારણે તેઓ પાયમાલ થઈ ગયા હતા. જે પણ સામાન અને ઝવેરાત બચ્યા હતા તે પણ ગરીબીને કારણે વેચવા પડ્યા હતા. ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તેમના પિતાને ડાયાબિટીસ થયું હતું.
રૂપાલીએ ઇન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું કે ગરીબીમાં તે દરરોજ વરલીથી પૃથ્વી થિયેટરમાં ચાલીને જતી હતી, જે 15 કિલોમીટરનું અંતર છે. અનુપમાએ પૃથ્વી થિયેટરમાં પોતાનું પહેલું નાટક આત્મકથા કર્યું હતું. આ માટે 50 રૂપિયા ફી મળી હતી. આ તેમના જીવનની પ્રથમ કમાણી હતી.
શરૂઆતના સંઘર્ષ પછી રૂપાલી ગાંગુલીએ ટીવી શો ‘સારાભાઈ VS સારાભાઈ’માં મોનિષાનો રોલ નિભાવીને પોતાની ઓળખ બનાવી હતી. રૂપાલી ગાંગુલી 2020 થી ટીવી શો ‘અનુપમા’નો ભાગ છે. દેશમાં સૌથી વધુ ટીઆરપી ધરાવતો આ શો છે.