મુંબઈ39 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠી
- કૉપી લિંક
નરગિસ દત્ત એક એવું નામ છે, જેમણે સાબિત કર્યું કે હીરો વગર પણ ફિલ્મ બ્લોકબસ્ટર બની શકે છે. ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં તેમની એક્ટિંગનાં વખાણ આખી દુનિયામાં થયાં હતાં. જ્યારે કરિયર ટોચ પર હતું ત્યારે જ સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા અને ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધું હતું.
લગ્ન સમયે નરગિસ તેમના પતિ સુનીલ દત્ત કરતાં વધુ સફળ હતાં. જ્યારે સુનીલ દત્ત 1BHK ફ્લેટમાં રહેતા હતા ત્યારે નરગિસ દક્ષિણ બોમ્બેમાં લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યાં હતાં, જોકે લગ્ન પછી તેઓ પણ સુનીલ દત્ત સાથે એ જ 1BHK ફ્લેટમાં શિફ્ટ થયાં હતાં.
નરગિસનું જીવન પડકારો અને દર્દથી ભરેલું હતું. 6 વર્ષની ઉંમરે તેમણે બાળકલાકાર તરીકે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. એવું નહોતું કે તેમને એક્ટિંગમાં આગળ વધવામાં રસ હતો, પરંતુ મજબૂરીમાં તેમને આ ક્ષેત્રમાં આવવું પડ્યું. અને નસીબ તેમને એક્ટિંગમાં લાવ્યું, પરંતુ તેમણે પોતે જ એક સામાન્ય કલાકારમાંથી દેશની ટોપ એક્ટ્રેસમાં જગ્યા બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી.
કહેવાય છે કે સુખ કોઈના જીવનમાં લાંબો સમય ટકી શકતું નથી. સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા પછી નરગિસ ત્રણ બાળક સાથે સારી રીતે જીવન પસાર કરતાં હતાં. ત્યારે કેન્સરે તેમને ઝપેટમાં લઈ લીધા હતા. તેમના જીવનના છેલ્લા દિવસોમાં તેઓ ખૂબ જ પીડામાંથી પસાર થયા હતા. તેમણે પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ ‘રોકી’ જોવાની તીવ્ર ઇચ્છા હતી, પરંતુ તેમની રિલીઝના ત્રણ દિવસ પહેલાં તેમનું અવસાન થયું હતું.
માતા નરગિસ સાથે યુવાન સંજય દત્તની તસવીર. નરગિસનું 1981માં પેન્ક્રિયાટિક કેન્સરને કારણે અવસાન થયું હતું
આજે નરગિસ વિશે જાણવા માટે નાની દીકરી પ્રિયા દત્ત સાથે વાત કરી હતી. પ્રિયાએ અમારી સાથે તેમની માતા વિશે કેટલીક જાણી-અજાણી વાતો શેર કરી હતી
6 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કર્યું, 10મા પછી અભ્યાસ છોડવો પડ્યો
નરગિસનો જન્મ 1 જૂન, 1929ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનું અસલી નામ ફાતિમા રશીદ હતું. પિતા અબ્દુલ રશીદ રાવલપિંડીના એક પ્રખ્યાત પરિવારના હતા, જેઓ હિન્દુમાંથી મુસલમાન બન્યા હતા. માતાનું નામ જદ્દનબાઈ હતું. તેઓ તેમના સમયના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા હતાં.
માતા નરગિસના બાળપણ વિશે વાત કરતાં પ્રિયા દત્ત કહે છે, ‘માનું બાળપણ ઉતારચઢાવથી ભરપૂર હતું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમને નાની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. તેમને વાંચનનો શોખ હતો. ફિલ્મોમાં વહેલા પ્રવેશવાના કારણે તેમને 10મા પછી અભ્યાસ છોડવો પડ્યો હતો. બાદમાં તેમણે પુસ્તકો દ્વારા ભણતર પૂરું કર્યું હતું.
તેમને પુસ્તક વાંચવાનો શોખ હતો. પુસ્તકો વાંચીને તેઓ એટલાં હોશિયાર બની ગયાં કે દેશ અને દુનિયાના દરેક મુદ્દા પર તેમની સાથે ચર્ચા કરી શકાતી હતી. મેં હંમેશાં મારી માતાને તેમના ફ્રી સમયમાં પુસ્તકો વાંચતાં જોયાં છે. તેઓ એક દિવસમાં એક પુસ્તક વાંચતાં હતાં.
નરગિસે માત્ર 6 વર્ષની ઉંમરે ફિલ્મ ‘તલસે હક’ (1935)થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મથી તેમની ઓળખ ‘બેબી નરગિસ’ તરીકે થઈ હતી. આ પછી 14 વર્ષની ઉંમરે તેમને મહેબૂબ ખાનની ફિલ્મ ‘તકદીર’માં કામ કરવાની તક મળી, જેમાં તેમની સાથે એક્ટર મોતીલાલ હતા.
નરગિસની એક જ એક્શનથી ઓળઘોળ થયા હતા સુનીલ દત્ત, લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું
નરગિસની સુનીલ દત્ત સાથેની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. આ બંનેએ 1957માં આવેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં માતા-પુત્રની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેઓ અસલી જીવનમાં પતિ-પત્ની બન્યાં હતાં. કહેવાય છે કે સુનીલ દત્તે ‘મધર ઈન્ડિયા’ના સેટ પર નરગિસને આગથી બચાવી હતી. ત્યારથી બંને પ્રેમમાં પડ્યાં હતાં, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી.
પ્રિયાએ કહ્યું, ‘પાપાએ મને એકવાર કહ્યું હતું કે જો એ દિવસે તમારી માતાની જગ્યાએ બીજું કોઈ હોત તોપણ હું ચોક્કસ તેમને બચાવવા ગયો હોત. પાપાએ કહ્યું હતું કે તેમની માતા વિશે એ વાતે તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા કે તેમણે તેમની બહેનની સારવાર કોઈને કહ્યા વિના કરાવી હતી.’
પિતાએ મને કહ્યું, ‘એક દિવસ હું ઉદાસ બેઠો હતો. નરગિસ મારી પાસે આવી અને મારા ઉદાસીનું કારણ પૂછ્યું. મેં તેમને કહ્યું કે મારી બહેનને પેટમાં ટીબી છે અને મને ખબર નથી કે મુંબઈમાં કયા ડૉક્ટરની સલાહ લેવી. આ સાંભળતાં જ તે ચોરીછૂપીથી મારા ઘરે ગયાં અને મારી બહેનને ડૉક્ટર પાસે લઈ ગયાં હતાં. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મને આ વિશે ખબર પડી. એ દિવસથી મારા દિલમાં નરગિસ માટે માન વધી ગયું હતું. મેં વિચાર્યું કે મને મારા જીવનમાં તેમના કરતાં વધુ સારી સ્ત્રી નહીં મળે.’ પ્રિયાએ કહ્યું કે આ ઘટના બાદ બંને નજીક આવ્યાં અને 1958માં લગ્ન કરી લીધાં.
નરગિસ અને સુનીલ દત્તનાં લગ્ન 1958માં થયાં હતાં. લગ્ન બાદ નરગિસે હિંદુ ધર્મ સ્વીકારી લીધો હતો.
સુનીલ દત્તે નરગિસ માટે બંગલો ખરીદ્યો હતો
નરગિસ સાથેના લગ્ન સમયે સુનીલ દત્ત 1BHK ફ્લેટમાં રહેતા હતા. તેઓ ફ્લેટમાં સુનીલ દત્ત ઉપરાંત તેમના માતા, બહેન અને ભાણેજ પણ રહેતાં હતાં. એ સમયે નરગિસ એક મોટું નામ બનાવી ચૂક્યાં હતાં. સુનીલ દત્ત સાથે લગ્ન બાદ તેઓ પણ આ જ 1BHK ફ્લેટમાં રહેવા લાગ્યાં હતાં.
તેઓ એક મોટા સ્ટાર હોવા છતાં તેમને એક બેડરૂમ હોલના ઘરમાં રહેવામાં કોઈ વાંધો નહોતો. પ્રિયાએ કહ્યું, ‘જરા કલ્પના કરો કે તેઓ નાના ઘરમાં પહેલાંથી જ ચાર લોકો રહેતા હતા, પરંતુ માતાને ક્યારેય કોઈ સમસ્યા લાગી નહીં’
જોકે આ બાબત મારા પિતાને ચોક્કસપણે પરેશાન કરતી હતી. તેઓ જાણતા હતા કે માતા કેટલી લક્ઝરીમાં રહે છે. આ વિચારીને તેમણે બાંદ્રાના પાલી હિલમાં એક બંગલો ખરીદ્યો. માતા સાઉથ બોમ્બેનાં હતાં. એ સમયે પાલી હિલ વિસ્તાર દક્ષિણ બોમ્બેના લોકો માટે એક ગામ જેવું હતું, પરંતુ પિતાએ તેમને પરવડે એટલું કર્યું હતું.’
માતાના અવસાન પછી અમને ખબર પડી કે તેમનું વ્યક્તિત્વ કેવું હતું
પ્રિયાએ કહ્યું હતું કે જ્યારે તેઓ 14 વર્ષનાં હતાં ત્યારે તેમની માતા નરગિસનું નિધન થઈ ગયું હતું. તેમણે તેમની માતા સાથે બહુ ઓછો સમય વિતાવ્યો હતો. પ્રિયાએ કહ્યું, ‘મા નરગિસ ઘરમાં ગૃહિણીની જેમ રહેતાં હતાં. રસોઈ બનાવવાથી લઈને ત્રણેય બાળકોના ઉછેર સુધીની તમામ જવાબદારી તેમના ખભા પર હતી. અમે વિચાર્યું પણ નહોતું કે તેઓ આટલાં મોટાં સુપરસ્ટાર છે. તેમના નિધન પછી ખબર પડી કે તેમનું વ્યક્તિત્વ કેવું હતું.’
નરગિસને સફેદ કપડાં પહેરવાનું પસંદ હતું, લિપસ્ટિક સિવાય તેમને કોઈ શોખ ન હતો
પ્રિયાએ કહ્યું હતું કે તેમની માતા નરગિસ એક મહાન એક્ટ્રેસ હતાં, તેમ છતાં તેમણે ક્યારેય દેખાડો કર્યો નથી. તેઓ સાદાં કપડાં પણ પહેરતાં હતાં. તેઓ મોટે ભાગે સફેદ વસ્ત્રો પહેરતાં હતાં, તેથી તેમને ‘લેડી ઇન વ્હાઇટ’ પણ કહેવામાં આવતાં હતાં.
તેઓ જ્યારે પણ બહાર જતાં ત્યારે કાનમાં બુટ્ટી પહેરતાં હતાં. હા, લિપસ્ટિક એક એવી વસ્તુ હતી, જેમને તેઓ હંમેશાં સાથે જ રાખતા હતા. પ્રિયાએ કહ્યું હતું કે માતા નરગિસે ક્યારેય પોતાના સન્માન સાથે સમાધાન કર્યું નથી, પછી ભલે એ ફિલ્મોમાં હોય કે અસલી જીવનમાં.
નરગિસને 1980માં રાજ્યસભાનાં સભ્ય તરીકે પણ નોમિનેટ કરવામાં આવ્યાં હતાં. માત્ર એક વર્ષ પછી 3 મે, 1981ના રોજ તેમનું અવસાન થયું.
સંજુ બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો તેઓ તેમના પુત્રને મળવા માટે હંમેશાં દિલ્હી જતાં હતાં
પ્રિયાએ છેલ્લે કહ્યું, માતા નરગિસ તેમનાં બાળકોના શિક્ષણને લઈને ખૂબ જ ગંભીર હતાં, જોકે જ્યારે સંજય દત્તને દિલ્હીની એક બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન મળ્યું ત્યારે તેઓ ખૂબ જ ચિંતિત થવા લાગ્યા હતા. સંજુને મળવા તેઓ દરરોજ દિલ્હી જતાં હતાં. સંજુ ભૈયાને જોયા વગર મા રહી શકતાં નહોતાં.
જે સમયે નરગિસ તેમના જીવનના અંતિમ દિવસો ગણતાં હતાં એ સમયે સંજય ડ્રગ્સના નશામાં ચકનાચૂર રહેતો હતો. સંજય જ્યારે આમાંથી થોડો બહાર આવ્યો ત્યારે તેમને તેની માતાની વિદાયનું ખૂબ જ દુઃખ થયું.
પ્રિયાએ કહ્યું હતું કે તે ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. બધા તેને માતાનો ચમચો કહેતા. પ્રિયા કહે છે, ‘મા અને હું એકબીજાના પડછાયાં હતાં. હું હંમેશાં તેમની સાથે રહેતી હતી, જ્યારે ભાઈ અને બહેન મોટા થયાં ત્યારે તેઓ જાતે જ નિર્ણય લેતાં હતાં, પરંતુ હું હંમેશાં મારી માતાની સલાહ લેતી હતી.’
સુનીલ દત્તે ક્યારેય ફિલ્મો ન કરવા માટે કહ્યું ન હતું
કહેવાય છે કે સુનીલ દત્ત સાથે લગ્ન બાદ નરગિસે મજબૂરીમાં ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. એવું કહેવાય છે કે સુનીલ દત્ત નહોતા ઈચ્છતા કે નરગિસ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરે.- પ્રિયાએ આ વાતોને ફગાવી દીધી છે. પ્રિયાએ કહ્યું, ‘ઘરે રહીને પરિવાર ચલાવવાનો નિર્ણય માત્ર મારી માતાનો હતો. પપ્પાની આમાં કોઈ ભૂમિકા ન હતી. લગ્ન પછી પણ માતાને ઘણી ઑફર્સ મળી, પરંતુ તેમણે પોતાના પરિવારને વધુ મહત્ત્વ આપ્યું હતું.’
નરગિસ સમાજસેવામાં પણ આગળ હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ દેશના સૈનિકો માટે કંઈક કરવા ઇચ્છતાં હતાં. જ્યારે પંડિત નેહરુ જીવતા હતા ત્યારે નરગિસ અને સુનીલ દત્તે તેમની પાસે ફેવર માગી હતી. ત્યારે પંડિત નેહરુએ કહ્યું હતું કે જો તમે લોકો સૈનિકો માટે કંઈક કરવા માગતાં હોવ તો જઈને તેમને પ્રોત્સાહિત કરો. એ તક 1971ના યુદ્ધ દરમિયાન મળી હતી. એ સમયે સુનીલ દત્ત, નરગિસ સહિત ઘણા મોટા સ્ટાર્સે સૈનિકોના મનોરંજન માટે ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું.
નરગિસ તેમના અંતિમ દિવસો સુધી પુત્ર સંજય દત્ત માટે કપડાં નક્કી કરતાં
પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ ‘રોકી’ની રિલીઝના ત્રણ દિવસ પહેલાં જ નરગિસે આ દુનિયા છોડી દીધી હતી. જોકે તેમને સંજય પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેઓ આવી સ્થિતિમાં પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવા માગતાં હતાં. પ્રિયાએ કહ્યું, ‘માતા ખૂબ પીડામાં હતાં. તેમના માટે દરરોજનો સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો. આમ છતાં તેમને ચિંતા હતી કે સંજુ ભૈયા કેવાં કપડાં પહેરશે. કયા દિવસે, કયા કપડાં પહેરીને, ફિલ્મના શૂટિંગ માટે જશે? દેખાવ કેવો હશે, તેઓ તેમના જીવનની અંતિમ ક્ષણોમાં પણ આ બધી બાબતો પર ધ્યાન આપતાં હતાં.’
નરગિસની સાડીઓ અને પર્ફ્યૂમને દત્તસાહેબ સાચવીને રાખતા હતા
પ્રિયાએ કહ્યું હતું કે તેમની માતાના નિધન બાદ પિતા સુનીલ દત્તે તેમની સાડીઓ અને પર્ફ્યૂમ સુરક્ષિત રીતે રાખ્યાં હતાં. તેઓ જ્યાં સુધી જીવિત હતાં ત્યાં સુધી સાડીઓને દરરોજ જોતા હતા. તેઓ તેમની યાદોને તેમના હૃદય અને દિમાગમાંથી દૂર થવા દેવા માગતા ન હતા. અમારા ઘરમાં માતાનો એક કબાટ છે, જેમાં આજે પણ તેમની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ રાખવામાં આવી છે.
સુનીલ દત્ત (જમણે) નરગિસની અર્થીને કાંધ આપતા અને સંજય દત્ત (હાથમાં કળશ સાથે) તેની સામે ઊભેલા જોઈ શકાય છે
કેન્સરે માત્ર નરગિસને જ નહીં, પરંતુ સમગ્ર દત્ત પરિવારને પણ તોડી નાખ્યો
પ્રિયાએ કહ્યું હતું કે તેમની માતાની તબિયતને કારણે એક વર્ષ સુધી તેમનો અભ્યાસ રોકવો પડ્યો હતો. આખો દત્ત પરિવાર નરગિસ જીની સારવાર માટે અમેરિકા ગયો હતો. પ્રિયા કહે છે, ‘હું, સંજુ અને મારી બહેન હજી બહુ સમજદાર નહોતાં. પિતા પણ ખૂબ ભાંગી પડ્યા હતા. અમે તેમની પણ સંભાળ રાખવામાં વ્યસ્ત હતા. મજબૂરી એવી હતી કે અમે રસોઈ પણ શીખી લીધી.
પિતાએ ખાવા-પીવાનું બધું જ છોડી દીધું હતું. અમે વિચાર્યું કે કદાચ અમે તેમના માટે કંઈક તૈયાર કરીએ તો તેઓ ખાઈ શકે. પિતાએ વિચાર્યું કે તે અમને એકલા કેવી રીતે સંભાળશે. એ સમય સુધી ફક્ત માતા જ ઘર અને બાળકો પર ધ્યાન આપતાં હતાં. પિતાનું જીવન ખૂબ વ્યસ્ત હતું, જોકે સમય જતાં પિતાને સમજાયું કે હવે તેઓ જ તેમનાં બાળકો માટે માતા અને પિતા બન્ને છે.