3 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આ અંગે સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો હાલમાં જ ‘એનિમલ’ એક્ટરનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં રણબીર અને તેના પરિવારના સભ્યો ક્રિસમસની ઉજવણી દરમિયાન કેક કાપી રહ્યા હતા. જેમાં કેક પર દારૂ નાખીને આગ લગાવવામાં આવી હતી. કેક કાપતી વખતે રણબીર કપૂર ‘જય માતા દી’ કહેતો જોવા મળ્યો હતો.
બુધવારે અહીંના એક પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે પોલીસે આ મામલે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી. સંજય તિવારીએ તેમના વકીલો આશિષ રાય અને પંકજ મિશ્રા દ્વારા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે વીડિયોમાં અભિનેતા ‘જય માતા દી’ કહેતા કેક પર દારૂ રેડતા અને તેમને આગ લગાવતા જોવા મળ્યા હતા.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ ધર્મમાં અન્ય દેવી-દેવતાઓનું આહ્વાન કરતા પહેલાં અગ્નિ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે, પરંતુ કપૂર અને તેના પરિવારના સભ્યોએ અન્ય ધર્મના તહેવારની ઉજવણી કરતી વખતે જાણી જોઈને નશાનો ઉપયોગ કર્યો હતો અને ‘જય માતા દી’ ના નારા લગાવ્યા હતા.’ આરોપ છે કે આનાથી ફરિયાદીની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
4 સેક્શન હેઠળ કેસ નોંધવાની માગ
હવે બોમ્બે હાઈકોર્ટના વકીલો આશિષ રાય અને પંકજ મિશ્રાએ રણબીર વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરી છે, જેમાં તેમણે આઈપીસી (ભારતીય દંડ સંહિતા)ની કલમ 295A, 298, 500 અને 34 હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જો કે પોલીસે આ મામલામાં હજુ સુધી કોઈ FIR નોંધી નથી.
જાણો આ સેક્શનનો શું અર્થ છે
કલમ 295A– ઈરાદાપૂર્વક કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી.
કલમ 298– ઇરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા કોઈપણ શબ્દનો ઉપયોગ કરવો
કલમ 500- માનહાનિ
કલમ 34– સામાન્ય ઇરાદા સાથે અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્ય
અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી છે. કમાણીના મામલામાં ‘એનિમલ’ રૂ. 500 કરોડ સુધી પહોંચી ગઇ છે. આ ફિલ્મમાં રણબીર કપૂરે રણવિજય સિંહનો રોલ કર્યો છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હાલમાં જ રણબીર અને આલિયા તેમની પુત્રી રાહા કપૂર સાથે જોવા મળ્યાં હતાં. રાહાને જોઈને ચાહકોએ કહ્યું કે તે બિલકુલ રિશી કપૂર જેવી લાગે છે.