2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે શાહરુખ ખાને તાજેતરમાં જ મુંબઈની એક હોસ્પિટલમાં તેની આંખોની સારવાર કરાવી છે. જો કે, આ ટ્રીટમેન્ટ એક્ટર જે રીતે ઇચ્છતો હતો તે રીતે થઈ શકી નહોતી. આવી સ્થિતિમાં હવે શાહરૂખ આંખની સારવાર માટે અમેરિકા જશે. અભિનેતાના નજીકના સૂત્રોનું માનીએ તો શાહરૂખ 30 જુલાઈએ સારવાર માટે અમેરિકા રવાના થયો છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ બંને આંખોમાં મોતિયાની સમસ્યાથી પીડિત છે. જો કે, હજી સુધી આ મામલે અભિનેતા અથવા તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અગાઉ મે મહિનામાં IPL દરમિયાન શાહરૂખને ડિહાઈડ્રેશનના કારણે અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અભિનેતાની બંને આંખોમાં મોતિયો!
ઝૂમ પરના એક રિપોર્ટ અનુસાર, શાહરૂખને બંને આંખોમાં મોતિયાની બીમારી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલાં અભિનેતાએ મુંબઈની HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં તેની આંખોની સારવાર કરાવી હતી. એવી પણ ચર્ચા છે કે શાહરૂખ આવતા મહિને 7 અને 8 ઓગસ્ટે સ્વિટ્ઝર્લેન્ડ જવાનો છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તે ત્યાં કામ માટે જશે કે અંગત કારણોસર.
શાહરૂખ છેલ્લે 4 દિવસ પહેલા મીડિયા સામે દેખાયો હતો.
પરિવાર સાથે ફારાહના ઘરે પહોંચ્યો હતો
અગાઉ શાહરૂખ તાજેતરમાં જ ફારાહની માતાના નિધન બાદ તેની મિત્ર ડિરેક્ટર ફારાહને મળવા ગયો હતો. શાહરૂખ તેની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના સાથે પહોંચ્યો હતો.
સંતાનોના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે
વર્ક ફ્રન્ટ પર શાહરૂખની છેલ્લી ફિલ્મ ‘ડંકી’ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ દિવસોમાં અભિનેતા તેનાં સંતાનો સુહાના અને આર્યનના ડેબ્યુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. શાહરૂખ અને સુહાના ફિલ્મ ‘કિંગ’માં સાથે જોવા મળશે.