34 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘તુજે ભુલા દિયા’, ‘બિન તેરે’ અને ‘મહેરબાન’ જેવા શાનદાર ગીતોને અવાજ આપનાર સિંગર અને મ્યુઝિશિયન શેખર રવજિયાનીએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. વિશાલ-શેખરની જોડીએ બોલીવુડના હિટ ગીતો આપ્યા છે, જોકે એક સમય એવો હતો જ્યારે શેખરે પોતાનો અવાજ ગુમાવ્યો હતો. હાલમાં જ સિંગરે કહ્યું છે કે તે આ અકસ્માતથી બરબાદ થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે તે જીવનમાં ફરી ક્યારેય ગાશે નહીં.
શેખર રવજિયાનીએ તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના જીવનના આ ખરાબ સમયને યાદ કર્યો. તેણે લખ્યું છે કે, મેં આ વિશે પહેલા ક્યારેય કહ્યું નથી, પરંતુ મને લાગ્યું કે મારે આ વિશે વાત કરવી જોઈએ. મેં 2 વર્ષ પહેલા મારો અવાજ ગુમાવ્યો હતો. મને વોકલ કોર્ડ પેરાલિસીસ હતો, જેનું નિદાન ડૉ. નુપુર નેરુકર દ્વારા કરવામાં આવ્યું હતું. હું બરબાદ થઈ ગયો. મેં વિચાર્યું હતું કે હું જીવનમાં ફરી ક્યારેય ગાઈ શકીશ નહીં.
સિંગરે આગળ લખ્યું, મારો પરિવાર ચિંતિત હતો અને હું તેમને ચિંતિત જોઈને ખુશ નહોતો. હું ખૂબ પ્રાર્થના કરતો. હું સેન્ટ ડિએગોમાં જેરેમીને મળ્યો, તેણે મને એક દેવદૂત સાથે પરિચય કરાવ્યો, જેનો હું પછીથી ઉલ્લેખ કરીશ. ડૉ. એરિન વોલ્શ – જેમને હું કોવિડને કારણે મળી શક્યો ન હતો, તેથી તે ઝૂમ કૉલ દ્વારા મારી સાથે જોડાઈ. હું રડી પડ્યો હતો જ્યારે મેં તેમને કહ્યું કે, હું ફરીથી ગાવા માંગુ છું. હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. પરંતુ તેમણે મને વિશ્વાસ અપાવ્યો અને આશાનું કિરણ બતાવ્યું કે, હું ફરી ગાઈ શકીશ.’
શેખરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, જ્યારે પણ મેં કોશિશ કરી ત્યારે મને મારા કર્કશ અવાજથી નિરાશા મળતી હતી. પરંતુ તે મારા અવાજ પર સતત કામ કરતાં રહ્યાં. તેઓ નિષ્ઠાપૂર્વક સારવાર કરતાં રહ્યા અને થોડા જ સપ્તાહમાં મારો લકવાગ્રસ્ત ડાબો વોકલ કોર્ડ સાજો કરી દીધો. હવે હું સારી રીતે ગાઈ શકું છું. ડો. એરિન વોલ્શ ધરતી પર પરી સમાન છે.’
શેખરના મિત્ર અને સાથી મ્યુઝિશિયન વિશાલ ડડલાનીએ કોમેન્ટમાં લખ્યું છે કે, તને આવું કરતા જોયો છે. તે ડર વચ્ચે આ કામ કર્યું છે. તેના માટે એક અલગ પ્રકારની હિંમતની જરૂર છે. હું હજુ પણ જોઉં છું કે તું કેવી રીતે તારા અવાજ અને માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખશ. સ્વાભાવિક છે કે હું પણ આમાંથી શીખી રહ્યો છું.
વિશાલ-શેખરની જોડીએ ‘દસ’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘સુલતાન’, ‘વૉર જેવી ડઝનેક’ સુપરહિટ ફિલ્મો માટે મ્યુઝિક આપ્યું છે.