2 કલાક પેહલા
- કૉપી લિંક
પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ 12 એપ્રિલના રોજ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને પંજાબી ગાયક અમર સિંહ ચમકીલા સાથે હિન્દી ફિલ્મમાં કામ કરવાની દિલથી ઈચ્છા હતી. પરંતુ ચમકીલાએ તેની ઓફર ફગાવી દીધી હતી.
ચમકીલાએ કહ્યું કે, તેઓને હિન્દી નથી આવડતું. ત્યારબાદ શ્રીદેવી તેમની સાથે પંજાબી ફિલ્મ કરવા માટે રાજી થઈ ગઈ હતી. જો કે આ પછી પણ શ્રીદેવીનું સપનું અધૂરું રહ્યું. આ વાતનો ખુલાસો ચમકીલાના નજીકના મિત્ર સ્વર્ણ સિવિયાએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
શ્રીદેવી ચમકીલાની મોટી ફેન હતી
સ્વર્ણા સિવિયાએ કહ્યું હતું, ‘શ્રીદેવી અમર સિંહ ચમકીલાની મોટી ફેન હતી. તેમણે ચમકીલાને એક ફિલ્મમાં હીરો બનવાની ઓફર પણ કરી હતી. પરંતુ ચમકીલાએ તેમને હિન્દી આવડતી ન હોવાનું જણાવીને ના પાડી દીધી હતી. ત્યારબાદ શ્રીદેવીએ તેમને એક મહિનામાં હિન્દીની ટ્રેનિંગની ઓફર પણ કરી હતી. ચમકીલાએ આ પણ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, ‘તેમને તે એક મહિનામાં 10 લાખ રૂપિયાનું નુકસાન થઇ જશે.’
ત્યારબાદ શ્રીદેવીએ તેમની સાથે પંજાબી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તે પણ શક્ય બન્યું ન હતું.
ચમકીલા સારા સ્વભાવના વ્યક્તિ હતા
સિવિયાએ આગળ કહ્યું, ‘તેઓ એક માનવ રત્ન હતા. પંજાબના લોકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા. મોટાભાગના લોકો તેમને ગાયક તરીકે ઓળખતા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હતા કે તેઓ એક મહાન માનવી હતા.’
‘તેઓ 1986માં ઘરે આવ્યા હતા. તેમણે જોયું કે મારી માતા બીમાર છે. પછી તેમણે મને મારી માતાની સારવાર માટે 10,000 રૂપિયા આપ્યા, જે ખરેખર મોટી રકમ હતી.’
પ્રખ્યાત લોકગાયક અમરસિંહ ચમકીલા તેમના અલગ-અલગ ગીતોથી લોકપ્રિય થયા હતા. પોતાના ગીતોના કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ રહ્યા હતા. 8 માર્ચ, 1988ના રોજ અમર સિંહ ચમકીલા અને તેમની પત્ની અમરજોતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની સાથે તેના બેન્ડના અન્ય બે સભ્યો પણ માર્યા ગયા હતા.
ફિલ્મ નેટફ્લિક્સ પર 12 એપ્રિલના રોજ રિલીઝ થઈ હતી
અમર સિંહ ચમકીલા ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 12 એપ્રિલે રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. ફિલ્મના લેખક અને નિર્માતા પણ ઈમ્તિયાઝ અલી ખાન છે. ફિલ્મમાં દિલજીત, અમર સિંહ ચમકીલા અને પરિણીતિ ચોપરા તેની પત્ની અમરજોતના રોલમાં છે.