‘ઓડિયન્સ મને હજુ જૂના ગોલી સાથે સરખાવે છે. તમને એક એક્ઝામ્પલ આપું. એક માતા છે, એમનો એક દીકરો છે. 16 વર્ષ પછી તમે એ માને અચાનકથી કહેશો કે આ હવે તમારો દીકરો નથી, આ નવો આવ્યો એ તમારો દીકરો છે. તો એ માનશે? ઓડિયન્સનું પણ કંઈક એવું જ છે. એમણે 16 વર્ષથી એક
.
આ શબ્દો છે ધર્મિત શાહના… ધર્મિત એટલે તારક મહેતાનો નવો ગોલી. ટેલિવિઝન પરનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોતા હશો એટલે અંદાજો હશે જ કે, હમણાં એક-બે મહિના પહેલા જ તેના એક પોપ્યુલર કેરેક્ટર ‘ગોલી’નું રિપ્લેસમેન્ટ થયું છે, કેમ કે જૂનો ગોલી (કુશ શાહ) શો છોડી USA શિફ્ટ થયો છે. એટલે શોમાં નવા ગોલી (ધર્મિત શાહ)ની એન્ટ્રી થઈ છે. મજાની વાત એ છે કે, ધર્મિતભાઈ મૂળ આપણા અમદાવાદના જ છે, અને હજુ પણ એમનું ફેમિલી અમદાવાદમાં જ રહે છે. જ્યારે શૂટ હોય ત્યારે જ ફક્ત મુંબઈ જવાનું થાય. શું છે આ નવા ‘ગુલાબ કુમાર હંસરાજ હાથી’ ઉર્ફ ‘ગોલી’ સાહેબની પર્સનલ લાઈફ? કેવી રીતે મળ્યો આવડા મોટા શોમાં આટલો મોટો રોલ? અને ‘તારક મહેતા’ના સેટની બીજી પણ ઘણી બધી ઈન્ટરેસ્ટિંગ ઇન્ફર્મેશન માટે દિવ્ય ભાસ્કરે ધર્મિત સાથે વાત કરી. તો ચલો, ‘ઉલ્ટા ચશ્મા’ પહેરીને વાંચવાનું શરૂ કરી દ્યો…
દોઢ વર્ષમાં એક્ટિંગને ઘોળીને પી ગયો મસ્તી કર્યા વિના ગોલીએ વાતની શરૂઆત કરી, ‘મારો જન્મ, એજ્યુકેશન બધું અમદાવાદમાં જ થયું છે, હું પૂરેપૂરો અમદાવાદી જ છું. નાનપણથી જ થિયેટર અને ડ્રામાનો શોખ હતો, એટલે હું સ્કૂલથી જ એક્ટિંગ કરતો. સ્કૂલમાં તો નોર્મલ ડ્રામા વગેરે કરતો, પણ જ્યારથી ખબર પડી કે આવું થિયેટર વગેરે પણ આપણે કરી શકીએ છીએ, એટલે ત્યારથી એ જોઇન કર્યું. માત્ર એક્ટિંગ જ નહીં, જ્યારથી થિયેટર કરતો થયો ત્યારથી એક્ટિંગની સાથે ડિરેક્શન પણ કરતો, સ્ટોરી પણ લખવાની, લાઇટિંગ પણ સંભાળતો, સાઉન્ડ પણ ચેક કરવાનું, બધુ જ કર્યું છે. એ દોઢ વર્ષમાં મને ખબર પડી કે એક્ટિંગ શું છે. કેમેરા એક્ટિંગ અને થિયેટર એક્ટિંગ વચ્ચે શું ફરક છે. એ પછી ગુજરાતી નાટકો કર્યાં. પણ પછી થયું કે મુંબઈ ગયા સિવાય અહીંથી એક્ટિંગનું કરિયર નહીં બને. એટલે નીકળી પડ્યો મુંબઈ.’
બુટનાં તળિયા ઘસાઈ ગયાં એટલું રખડ્યા તો ત્યાં કોઈ એક્ટિંગ માટે ફિક્સ થયું હતું? એટલે નીકળ્યા હતા? ધર્મિત કહે, ‘ના ના, બસ એક્ટિંગ કરવી છે, અને એમાં જ કરિયર બનાવવું છે, એટલું જ નક્કી કર્યું અને નીકળી પડ્યો. હું અને મારો એક ફ્રેન્ડ આકાશ, અમે બંને 4-5 દિવસ માટે મુંબઈ જવા નીકળી પડ્યા. ત્યાં જઈને ખબર પડી કે, બોસ આ આટલું ઇઝી નથી, એક્ટિંગ કરિયર માટે તો ઘણો ટાઈમ લાગશે. એટલે 5 દિવસમાં રિટર્ન આવી ગયા. પણ પછી અમદાવાદમાં થોડો જીવ લાગે? થોડા દિવસમાં અહીંના ચાલુ પ્રોજેક્ટ પૂરા કર્યા અને નીકળી પડ્યા ફરી મુંબઈ. મુંબઈમાં એક ઓફિસથી બીજી ઓફિસ, ત્યાંથી ત્રીજી ઓફિસ, એમ કરતાં કરતાં અમે એટલું રખડ્યા કે એક મહિનામાં તો નવા લીધેલાં બુટનાં તળિયાં સાવ ઘસાઈ ગયાં હતાં. ચાલી ચાલીને એટલી ઓફિસના ધક્કા ખાધા છે. ફાઇનલી એક વેબ સીરિઝમાં એક નાનકડો રોલ મળ્યો અને એક્ટિંગની ગાડી ચાલુ થઇ. પછી તો 2-3 ટીવી જાહેરાતો પણ મળી.’
‘ગોલીનો રોલ સામે ચાલીને મારા ખોળામાં પડ્યો’ તો ગોલીનો રોલ કેવી રીતે મળ્યો? ધર્મિત કહે, ‘એ પછી મારે ફેમિલી ઇશ્યૂના કારણે અમદાવાદ રિટર્ન આવવું પડ્યું અને અહીં અમદાવાદ હતો ત્યારે જ મને કોલ આવ્યો કે, એક ઓડિશન છે, તમે આપશો? એટલે મેં તપાસ કરી તો ખબર પડી કે ‘તારક મહેતા’ના ‘ગોલી’નું કેરેક્ટર છે. જેવી ખબર પડી ત્યારે ને ત્યારે જ મારું એક્સાઈટમેન્ટ ઓવર થઈ ગયું હતું. મેં તરત જ ઓડિશન મોકલ્યું અને ઓડિશન આપ્યું ત્યારે એમના રિસ્પોન્સથી જ મને ખબર પડી ગઈ હતી કે આપણે સિલેકટ થઈ ગયા છીએ. ઓડિશનના 20-25 દિવસ થયા એટલે ફરી કોલ આવ્યો કે, તમારે ફાઇનલ ઓડિશન માટે અહીં મુંબઈ આવવાનું છે, આવી જાઓ. હું તરત જ ભાગ્યો. ત્યાં બે-ત્રણ ઓડિશન લીધાં અને મને ત્યારે ને ત્યારે જ કહી દીધું કે, તમે ગોલી તરીકે ફાઇનલ થયા છો. આ સાંભળીને હું એટલો નર્વસ થઈ ગયો હતો કે કોઈને ફોન જ નહોતો થઈ શક્યો.’
ઘરે વાત કરી તો બધાએ મસ્તીમાં જ લીધું કેટલા દિવસમાં શૂટિંગ શરૂ થયું હતું? ભાગમભાગમાં થયેલા એ ઘટનાક્રમ વિશે વાત કરતાં ધર્મિત કહે, ‘વીસેક દિવસ સુધી મારું ઓડિશન ચાલ્યું અને લગભગ ત્રણેક જેટલાં ઓડિશન મેં પાસ કર્યાં અને બની ગયો હું ગોલી. પહેલાં તો કોઈને ફોન જ ન કર્યો, મારે સરપ્રાઈઝ આપવી હતી એટલે સીધો જ ટ્રેન પકડીને અમદાવાદ આવવા ભાગ્યો અને રાતે જ ઘરે પહોંચી ગયો. ઘરે જઈને સૌને વાત કરી એટલે પહેલાં તો એ લોકોએ મજાકમાં જ લીધું અને મને ખિજાયા કે આવી મજાક ન કર, પણ જ્યારે મેં બધું ફાઇનલ સમજાવ્યું ત્યારે મમ્મી-પપ્પાના ચહેરા પરની ખુશી મને હજુ યાદ છે. એક દિવસ રહ્યો અને તરત જ સેટ પર જવા ઘરેથી નીકળી પડ્યો.’
બે દિવસમાં જ ગોલીનું કેરેક્ટર રેડી ટુ શુટ ગોલીના કેરેક્ટર સાથે મેચ થવા અને સેટના માહોલમાં બેસવા કેટલા દિવસનો ટાઈમ હતો? ગોલી કહે, ‘બસ, એ ફક્ત બે દિવસ જ. સિલેક્શન થયું એના બે દિવસ પછી જ મારું પહેલું શૂટ હતું! મારું ફાઇનલ થયું ત્યારે જ એવી સ્ટોરી સ્ટાર્ટ થઈ ગઈ હતી કે, ગોલી રિપ્લેસ થશે. એટલે તરત હું અમદાવાદ આવ્યો અને બીજા દિવસ ત્યાં આવ્યો અને ફરી સેટ પર પહોંચ્યો. સેટ પર જતાં વેંત જ ડિરેક્ટરે મને સીન સમજાવ્યો અને શૂટ શરૂ થઈ ગયું. સેટ પર થોડું હેક્ટિક વર્ક શેડ્યૂલ હોય છે, પણ એમાં કામ કરવાની મજા પણ છે.’
મારી બોડી લેંગ્વેજ થોડી સ્લો છે ગોલી તરીકે ડિરેક્ટરની શું ડિમાન્ડ હતી? એ લોકોએ ગોલી તરીકે એક્ટિંગ માટે તમને શું બ્રીફ આપી હતી? ધર્મિત કહે, ‘જ્યારથી ઓડિશન આપ્યું ત્યારથી જ એ લોકોને લાગતું જ હતું કે હું ગોલી માટે પરફે્ક્ટ છું. ખાલી એક ચેન્જ હતો, મારી બોડી લેંગ્વેજ જૂના ગોલી કરતાં થોડી સ્લો છે એટલે મને થોડું ફાસ્ટ રિએક્શન કરવાનું કહ્યું હતું. તો પણ મને એટલું જ કહેવામાં આવ્યું હતું કે, ‘ડોન્ટ કોપી’ જૂના ગોલીને કોપી કરવાની કોઈ જ જરૂર નથી. ગોલી શું કરે છે, તમે એ વિચારો અને એ રીતે એક્ટિંગ કરો.’
સેટ પર મોટે ભાગે બધા ગુજરાતીમાં જ વાતો કરે છે સેટ પર કેવો માહોલ હોય છે? એક મહિનાથી નવો નવો જોઇન થયેલ ધર્મિત ત્યાંના માહોલ વિશે વાત કરતાં કહે, ‘ત્યાં પહેલા દિવસે કામ કર્યું ત્યારથી જ હું એકદમ શોક્ડ જ થઈ ગયો હતો. એટલો મસ્ત માહોલ હોય છે કે ન પૂછો વાત. બધા જ મજાકિયા છે. તમને ઓનસ્ક્રીન જેટલું દેખાય છે એના કરતાં ક્યાંય વધારે મજા ત્યાં સેટ પર શૂટિંગ વખતે હોય છે. બીજું કે દરેક એપિસોડ બે દિવસ અગાઉ અમે શૂટ કરવા બેસીએ ત્યારે અમે સીન રીડિંગ વખતે પણ સ્ક્રિપ્ટમાં ઢગલો ફેરફાર કરીએ છીએ અમે. બધા જ એમનું ઈનપુટ આપશે અને ચેન્જ કરશે. બધા જ એક્ટરનું અંદરોઅંદર બોન્ડિંગ બધું જ સારું છે.’ ‘દિલીપ જોશી, નિર્મલ સોની, તન્મય વેકરિયા, સમય શાહ, તમે… તારક મહેતામાં ઘણા બધા એક્ટર્સ ગુજરાતી છે, અંદાજે કેટલા ગુજરાતીઓ પૂરા સેટ પર હશે?’ ‘અરે ઘણા બધા. સેટ પર હોઉં ત્યારે મને એવું જ લાગે છે કે હું ગુજરાતમાં હોઉં. સેટ પર અમે બધા ગુજરાતીમાં જ વાતો કરતા હોઈએ છીએ.’
મને સ્વીકારતાં થોડો ટાઈમ લાગશે લોકો તમને જૂના ગોલી સાથે સરખાવે છે, એ વિશે શું કહેશો? આપણા નવા ગોલીભાઈ કહે, ‘હું તમને એક એક્ઝામ્પલ આપું, એક માતા છે, એમનો એક દીકરો છે. 16 વર્ષ પછી તમે એ માને અચાનકથી કહેશો કે આ હવે તમારો દીકરો નથી, આ નવો આવ્યો એ તમારો દીકરો છે. તો એ કેટલું અઘરું થશે? ઓડિયન્સનું પણ કંઈક એવું જ છે. એમણે 16 વર્ષથી એક ગોલીને જોયો છે, તો આટલો જલ્દી ચેન્જ ન જોઈ શકે ને. ભલે હું અત્યારે મારું 100% આપી દઉં તો પણ એ ચેન્જ રહેશે. લોકોને નવા ગોલીને સ્વીકારતાં થોડો ટાઈમ લાગશે. પણ હવે તો લોકોનો ઘણો પ્રેમ મળે છે.’
‘ગોલીની જેમ મારે પણ જાતભાતનું બધું ખાવા જોઈએ’ ખાવા બાબતે તમે ગોલીના કેરેક્ટરને કેટલા મેચ કરો છો? ગોલીના કેરેક્ટરમાં નવા નવા ઘૂસેલા ધર્મિતભાઈ કહે, ‘બહુ જ.. હું થોડું ઓછું ખાઉં છું. પણ મારે જોઈએ ઘણું બધું. ગોલીને એવું છે કે એને બહુ જ બધું ખાવા જોઈએ અને વધારે ક્વોન્ટિટીમાં જોઈએ. જ્યારે મારે, જોઈએ ઘણું બધું પણ બધી આઈટમ હું થોડી થોડી ખાઉં છું. એક બાબતે તો મારું પણ ગોલી જેવું જ છે, ખાવાનું મારા માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે.’
‘જૂના ગોલીએ મને એક વાત કહી હતી’ જૂના ગોલી એટલે કે કુશ શાહ સાથે તમારી વાત થઈ હતી? નવા ગોલીભાઈ કહે, ‘હા, એક વાર આમારી મુલાકાત થઈ છે. એમણે મને કહ્યું હતું કે, ‘તું જે પણ કરે છે, એ મેં જોયું છે. તું મસ્ત કરે છે, બિનધાસ્ત તારી રીતે એક્ટિંગ કરતો રહેજે.’ ‘સેટ પર સૌથી પહેલો ફ્રેન્ડ કોણ બન્યું હતું?’ ‘સૌથી પહેલો સીન મારો ટપ્પુ સેના સાથે જ હતો, એટલે એ લોકો સાથે જ પહેલાં મળવાનું થયું હતું. એ લોકોએ મને શૂટિંગ માટે પણ ઘણી હેલ્પ કરી હતી. અને શરૂઆતથી એ લોકોની સાથે છું એટલે એમની સાથે મારે બોન્ડિંગ પણ ઘણું સારું છે.’
જેઠા અંકલની ટિપ્સ ઘણી કામ લાગે સેટ પર દિલીપ જોશી (જેઠાલાલ)નો માહોલ કેવો હોય છે? ગોલી કહે, ‘સર બહુ જ ડાઉન ટુ અર્થ માણસ છે. એમને કોઈ જ સ્ટારડમની હવા નથી. હું સેટ પર આવ્યો ત્યારે સર રજા પર હતા. એક મહિના પછી આમારી વાતચીત થઈ. હું તો એમને ફેન તરીકે જ મળ્યો હતો. સરે ત્યારે જ મને કહ્યું હતું કે, ‘ખૂલીને પર્ફોર્મ કરજે. તારે જે કંઈ ઇમ્પ્રુવ કરવું હોય એ એક વાર ડિરેક્ટરને કહી દેવાનું, બાકી બધા જ ચેન્જ કરવાની છૂટ છે.’ એમની પાસેથી શૂટિંગમાં ઘણું શીખવાનું છે.’