57 મિનિટ પેહલાલેખક: તાન્યા અગ્રવાલ
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનોત આજે 39 વર્ષની થઈ. કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશના મંડીમાં થયો હતો. આજે કંગના આ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની સાંસદ છે.
બોલિવૂડમાં સફળતા મેળવ્યા પછી, કંગનાએ રાજકારણમાં પણ પોતાને સ્થાપિત કરી લીધી છે. કંગના સ્પષ્ટવક્તા તરીકે જાણીતી છે. કંગનાને વિવાદો સાથે લાંબો સંબંધ છે, તેથી જ તેને કોન્ટ્રોવર્સી ક્વીન પણ કહેવામાં આવે છે.
કંગનાના 39મા જન્મદિવસ નિમિત્તે, ચાલો જાણીએ એક્ટ્રેસ બનવાથી લઈને સાંસદ બનવા સુધીની તેની સફર વિશે…

તે પોતાના નિવેદનોમાં મોટા નેતાઓને નિશાન બનાવીને ચર્ચામાં આવી હતી
એક્ટિંગની સાથે સાથે, કંગનાએ ધીમે ધીમે રાજકારણમાં પણ રસ લેવાનું શરૂ કર્યું. કોઈપણ મુદ્દો જે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય હોય, કંગનાએ તેના પર હિંમતભેર પોતાના વિચારો વ્યક્ત કર્યા. કંગનાએ પોતાના નિવેદનો દ્વારા રાજકીય હસ્તીઓ પર નિશાન સાધ્યું છે. મોટાભાગના પ્રસંગોએ, નેતાઓને તેનાં નિવેદનો ગમ્યાં ન હતાં અને તેના નિવેદનોની આકરી ટીકા કરી હતી.
૧. ઉદ્ધવને કહ્યું- આજે મારું ઘર તૂટી ગયું છે, કાલે તારો ઘમંડ તૂટી જશે
વર્ષ 2020માં, કંગના રનોત અને મહારાષ્ટ્રની શિવસેના સરકાર વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કંગનાએ કહ્યું કે તે મુંબઈ પોલીસથી ડરે છે. આ પછી શિવસેના નેતા સંજય રાઉતે કંગનાને મુંબઈ છોડી દેવાની સલાહ આપી. આ અંગે કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) સાથે કરી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે ઘણી ટિપ્પણીઓ કરી.
જ્યારે વિવાદ વધ્યો, ત્યારે એક્ટ્રેસે કહ્યું કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવશે અને કહ્યું કે જેને કંઈપણ કરવું હોય તે કરી શકે છે. આ પછી, જ્યારે તે મુંબઈ આવી, તે જ દિવસે BMC એ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાના નામે તેની મુંબઈ ઓફિસમાં તોડફોડ કરી. જે બાદ કંગનાએ ફરી ઉદ્ધવ ઠાકરે પર અપશબ્દોનો ઉપયોગ કરીને હુમલો કર્યો. મુંબઈ પહોંચ્યા પછી કંગના રનોતે BMCની કાર્યવાહી પર કહ્યું હતું-

૨. ખેડૂતોને આતંકવાદી કહ્યા
આ ઘટના 2020ની છે, કંગનાએ રાજકીય મુદ્દાઓ પર બોલવામાં રસ લેવાનું શરૂ કર્યું હતું. કંગના શરૂઆતથી જ જમણેરી પક્ષને ટેકો આપી રહી છે. ડિસેમ્બર 2020 માં ખેડૂત આંદોલન દરમિયાન, કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી હતી, જેનાથી એટલો બધો હોબાળો થયો હતો કે કંગના સાંસદ બન્યા પછી, એક મહિલા કોન્સ્ટેબલે તેને થપ્પડ પણ મારી દીધી હતી.
વાત એમ હતી કે, 88 વર્ષીય વૃદ્ધ મહિલા મહિંદર કૌરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. મહિંદર પંજાબના ખેડૂતો સાથે કૂચ કરતા જોવા મળ્યા. તે સમયે, કંગનાએ બિલ્કીસ (શાહીન બાગ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર) અને મહિન્દર કૌરની સાથેની તસવીરો પોસ્ટ કરીને તેમની ટીકા કરી હતી.
‘આ એ જ દાદી છે જેમને ટાઈમ મેગેઝિને 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કર્યા હતા… અને તે 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.’
કંગના રનોત 2024માં લોકસભા સાંસદ બન્યા બાદ દિલ્હી આવી રહી હતી. મોહાલી એરપોર્ટ પર એક મહિલા CISF કોન્સ્ટેબલે એક્ટ્રેસને થપ્પડ મારી હતી.
કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ આપેલા નિવેદનથી તે ગુસ્સે હતી. કોન્સ્ટેબલે કહ્યું કે તેની માતાએ પણ ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો.
૩. કહ્યું- દેશને 2014માં ખરી આઝાદી મળી
કંગનાએ વર્ષ 2021 માં એક ટીવી શોમાં આવું નિવેદન આપ્યું હતું, જેના પછી મોટો વિવાદ ઉભો થયો હતો. કંગનાએ કહ્યું હતું-

ભારતને 1947માં આઝાદી ભીખમાં મળી અને 2014માં દેશને સાચી આઝાદી મળી.

માર્ચ 2024માં, કંગના રનોતે મંડી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 72 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા.
નિવેદનો પર ભાજપે ચેતવણી આપી
કંગના બધા જ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. 2024 માં સાંસદ બન્યા પછી પણ, કંગનાએ કેટલાક એવા નિવેદનો આપ્યા હતા કે તેમની પોતાની પાર્ટી ભાજપે તેમને ભવિષ્યમાં આવા કોઈ નિવેદનો ન આપવા માટે કડક સૂચના આપી હતી.
દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે, ‘જો આપણું ટોચનું નેતૃત્ત્વ મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ પણ બાંગ્લાદેશ બની ગયું હોત. પંજાબમાં, ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા હતા. ત્યાં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી હતી. ખેડૂત બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, નહિતર આ બદમાશો પાસે લાંબા ગાળાની યોજના હતી. તેઓ દેશમાં કંઈ પણ કરી શકતા હતા’.
કંગના સાંસદ બન્યા પછી, તેના એક જૂના નિવેદને પણ હેડલાઇન્સ બનાવી. જેમાં તેણે કહ્યું હતું કે ચૂંટણી જીત્યા પછી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેશે. જોકે, કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી નહીં. તાજેતરમાં કંગનાની ફિલ્મ ‘ઇમર્જન્સી’ રિલીઝ થઈ હતી.
રાજકારણ અને બોલિવૂડ પરના નિવેદનોએ તેને કોન્ટ્રોવર્સી ક્વીન બનાવી
કંગનાએ દિવ્ય ભાસ્કરને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે – મેં હંમેશા ઇન્ડસ્ટ્રીમાં પ્રવર્તતા સેક્સિઝમ, નેપોટિઝમ અને આઇટમ નંબર્સ વિરુદ્ધ વાત કરી છે. મી ટુ મૂવમેન્ટ દરમિયાન પણ મેં ઘણા લોકોને ખુલ્લા પાડ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સમયે પણ મેં ઘણા ખુલાસા કર્યા હતા, જેના કારણે ઘણા લોકો નારાજ હતા.

15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી,એક્ટ્રેસ બનવા માટે સંઘર્ષ કર્યો
કંગનાના પિતા અમરદીપ રનોત ઉદ્યોગપતિ હતા અને તેની માતા શાળામાં શિક્ષિકા હતી. પિતા ઇચ્છતા હતા કે તેમની પુત્રી ડૉક્ટર બને, પરંતુ કંગનાએ જીવનમાં પોતાનો રસ્તો પહેલેથી જ નક્કી કરી લીધો હતો. કંગનાને મેડિકલનો અભ્યાસ કરવા માટે ચંદીગઢની DAV સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેને મેડિકલના અભ્યાસમાં બિલકુલ રસ નહોતો. તે કંઈક અલગ કરવા માગતી હતી.
કંગના સ્કૂલમાં ફ્રેશર્સ નાઈટ ફેરવેલ પાર્ટીમાં મોડેલિંગ કરતી હતી. કંગનાને મોડેલિંગ એટલું ગમવા લાગ્યું કે તેણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. જ્યારે તેના પિતાને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે કગનાને ખૂબ માર માર્યો, પરંતુ તેની તેના પર કોઈ અસર થઈ નહીં. કંગનાએ નક્કી કરી લીધું હતું કે તે એક્ટ્રેસ બનશે. આ નિર્ણય સાથે, તેણે માત્ર 15 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું.

બાળપણમાં કંગના, માતા આશા (ડાબે), દાદી અને પિતા અમરદીપ રનોત સાથે
દિલ્હીમાં ટકી રહેવા માટે નાની નાની નોકરીઓ કરી
15 વર્ષની નાની ઉંમરે, કંગના તેના પરિવારથી અલગ થઈ ગઈ અને દિલ્હી પહોંચી ગઈ. દિલ્હી પહોંચ્યા પછી, કિસ્મત અને મહેનતથી તેને એલીટ મોડેલિંગ એજન્સીમાં નોકરી મળી ગઈ. ત્યાં કેટલાક કામ કર્યા પછી, કંગના થિયેટર તરફ વળી.
તેણે અસ્મિતા થિયેટર ગ્રુપથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પ્રખ્યાત થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌર પાસેથી એક્ટિંગની તાલીમ લીધી. 5-6 મહિનાની સખત મહેનત પછી તેણે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે અરવિંદના થિયેટર વર્કશોપમાં હાજરી આપી. તેનું પહેલું નાટક ગિરીશ કર્નાડનું ‘રક્ત કલ્યાણ’ હતું.
કંગના થોડા મહિનાઓ માટે દિલ્હીમાં રહી અને મોડેલિંગ, એન્કરિંગ અને બેકસ્ટેજ એક્ટિંગ જેવાં નાના-મોટા કામ કર્યા અને પછી સપનાના શહેર, મુંબઈ ગઈ. જ્યારે પિતાને આ વાતની ખબર પડી, ત્યારે તે ખૂબ ગુસ્સે થયા અને તેમણે પોતાની પુત્રી સાથે વાત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું.
ખૂબ સંઘર્ષ પછી મળ્યો પહેલો રોલ, બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો
કંગના માટે ફિલ્મમાં એક્ટિંગ કરવાની તક મળવી એટલી સરળ નહોતી. ખૂબ જ સંઘર્ષ પછી કંગનાને પહેલો રોલ મળ્યો. ઇન્ડસ્ટ્રીના લોકો કંગનાની મજાક ઉડાવતા હતા કારણ કે તેને અંગ્રેજી આવડતું ન હતું, પરંતુ તેણે તેને એક મિશન તરીકે લીધું અને અંગ્રેજી શીખીને પોતાને સાબિત કરી.
કંગનાએ 2006 માં અનુરાગ બાસુની ફિલ્મ ‘ગેંગસ્ટર’થી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને તેના પહેલા રોલ માટે શ્રેષ્ઠ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ફિલ્મની સફળતા પછી, તેને લોકો મીના કુમારીની જેમ બોલિવૂડની ટ્રેજેડી ક્વીન કહેવા લાગ્યા.
એવું કહેવાય છે કે, અનુરાગે પહેલી વાર કંગનાને એક કોફી શોપમાં જોઈ હતી. આ પછી તેણે ફિલ્મ માટે કંગનાને સાઇન કરી. જોકે, કંગના કહે છે કે ‘કોફી શોપની ઘટના પીઆર ટીમ દ્વારા કહેવામાં આવેલી વાર્તા હતી અને વાસ્તવમાં, આવું કંઈ બન્યું જ નહોતું.’

તે મુંબઈ આવી અને ડ્રગ્સની વ્યસની બની ગઈ, રિહેબ બાદ છૂટી લત
વર્ષ 2020 માં, કંગનાએ પોતે સ્વીકાર્યું હતું કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી, તે ડ્રગ્સની વ્યસની બની ગઈ હતી. 29 માર્ચ, 2020 ના રોજ, કંગના રનોતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો. જેમાં તે કહે છે કે

હું થોડા જ વર્ષોમાં ફિલ્મ સ્ટાર બની ગઈ. આ ઉદ્યોગમાં આવ્યા પછી, હું ડ્રગ્સ એડિક્ટ બની ગઈ. મારા જીવનમાં ઘણું બધું બની રહ્યું હતું. હું ખોટા લોકોના હાથમાં ફસાઈ ગઈ અને આ બધું હું નાની હતી ત્યારે બન્યું.
દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સંસ્કૃતિ વિશે કહ્યું હતું કે- હું 2004માં મુંબઈ આવી હતી. 2006 માં મને પહેલી ફિલ્મ મળી. 2014 સુધી, મને એક સામાન્ય એક્ટ્રેસ તરીકે જોવામાં આવતી હતી. ઇન્ડસ્ટ્રીના લોકોનું મારા પ્રત્યે સકારાત્મક વલણ હતું. 2014 પછી, જ્યારે મારી ફિલ્મો હિટ થવા લાગી, ત્યારે તેઓ ચિંતિત થવા લાગ્યા. તેઓ વિચારતા હતા કે આ બહારની છોકરી કોણ છે જેણે આવીને અહીં પોતાનું સ્થાન બનાવ્યું છે. તે ન તો કોઈ અમીર માણસની દીકરી છે અને ન તો ઇન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ગોડફાધર છે, તો પછી તે આટલી સફળ કેમ થઈ રહી છે?
‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ સુપરહિટ થતાં જ તેઓ વધુ મારી પાછળ પડી ગયા. તેમણે મને ગાળો આપવાનું શરૂ કર્યું, મારા પાત્રને બદનામ કરવાનું શરૂ કર્યું અને મને સાયકો કહેવાનું શરૂ કર્યું. મતલબ, જે છોકરી 10 વર્ષ સુધી તેમના માટે સામાન્ય હતી તે અચાનક સાયકો બની ગઈ? કરણ જોહર, કેતન મહેતા અને અપૂર્વ અસરાની જેવા ફિલ્મ નિર્માતાઓ દરરોજ મારી વિરુદ્ધ નિવેદનો આપતા હતા.’
‘વર્ષો પહેલા જેમની સાથે મારું બ્રેકઅપ થયું હતું તેમણે પણ મને નોટિસ મોકલવાનું શરૂ કર્યું. તેમણે મને કહેવાનું શરૂ કર્યું કે હું તેમને સ્ટોક કરું છું અને તેમને મારું માસિક રક્ત પીવડાવું છું. મારા પર એવા આરોપો લગાવવામાં આવ્યા જેની તમે સપનામાં પણ કલ્પના ન કરી શકો.’

કંગનાએ પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને ફિલ્મ ડિરેક્ટર બની
કંગનાએ વર્ષ 2020માં પોતાનું પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ શરૂ કર્યું. ‘ટીકૂ વેડ્સ શેરુ’ ફિલ્મથી નિર્માતા તરીકે ડેબ્યૂ કર્યું. વર્ષ 2019 માં, કંગનાએ ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’નું ડિરેક્શન કર્યું. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’નું ડિરેક્શન પણ કંગનાએ જ કર્યું છે. આ ફિલ્મમાં કંગનાએ દેશના પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.