મુંબઈ31 મિનિટ પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્ર
- કૉપી લિંક
આમિર ખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું ‘પાપા કહતે હૈં બડા નામ કરેગા’ ગીત આજના સમયમાં ટાઈગર શ્રોફને એકદમ બંધબેસે છે. જેકી શ્રોફે ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં લગભગ 250 ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તેમના પુત્ર ટાઇગર શ્રોફે તેની 10 વર્ષના કરિયરમાં 11 ફિલ્મોમાં કામ કર્યું છે.
પરંતુ આ હોવા છતાં, આજે ટાઇગર શ્રોફની કુલ સંપત્તિ તેના પિતા જેકી શ્રોફ કરતા વધુ છે. રિપોર્ટ અનુસાર, ટાઇગરની કુલ સંપત્તિ 248 કરોડ રૂપિયા છે, જ્યારે તેના પિતા જેકીની કુલ સંપત્તિ 212 કરોડ રૂપિયા છે. જેકી શ્રોફે ઘણી વાર ઇન્ટરવ્યૂ દરમિયાન ઉલ્લેખ કર્યો છે કે આજે લોકો તેને ટાઇગરના પિતા તરીકે ઓળખે છે. આ તેમના માટે ગર્વની વાત છે.

આજે ટાઇગર શ્રોફ તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે, ચાલો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
ટાઇગર શ્રોફ વિશે કેટલીક રસપ્રદ વાતો ટાઇગર શ્રોફનું સાચું નામ જય હેમંત શ્રોફ છે. બાળપણમાં તેમના પિતા જેકી શ્રોફ તેને ટાઇગર કહીને બોલાવતા હતા. ટાઇગર શ્રોફે અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ટાઇગર શ્રોફ ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત છે. તે દર સોમવારે ઉપવાસ પણ રાખે છે. ટાઇગર શ્રોફને રાત્રે એકલા સૂવામાં ડર લાગે છે. ટાઇગર શ્રોફનો જન્મ થતાં જ સુભાષ ઘઈએ તેના હાથમાં 101 રૂપિયા મૂક્યા અને કહ્યું કે આ સાઇનિંગ અમાઉન્ટ છે અને હું તને એક અભિનેતા તરીકે લોન્ચ કરીશ. આજ સુધી સુભાષ ઘઈએ ટાઈગર શ્રોફને લઈને કોઈ ફિલ્મ બનાવી નથી. સાજિદ નડિયાદવાલાએ ‘હીરોપંતી’ ફિલ્મથી ટાઇગર શ્રોફને લોન્ચ કર્યો. ‘હીરોપંતી’માં ડેબ્યૂ કરતાં પહેલા, ટાઇગરે 3 વર્ષ સુધી બોડી ફ્લેક્સિબિલિટી અને મોશનની તાલીમ લીધી. ફિલ્મ ‘ધૂમ-3’ ના શૂટિંગ દરમિયાન ટાઇગરે આમિર ખાનને તેની બોડી બનાવવામાં મદદ કરી હતી. ‘વોર’ ટાઇગર શ્રોફના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

સાજિદ નડિયાદવાલા પહેલા સુભાષ ઘઈ અને આમિર ખાન ટાઈગર શ્રોફને લોન્ચ કરવાના હતા
જેકી શ્રોફને ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈએ ફિલ્મ ‘હીરો’ દ્વારા લોન્ચ કર્યો હતો. 1983માં રિલીઝ થયેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. જ્યારે ટાઇગર શ્રોફનો જન્મ થયો ત્યારે સુભાષ ઘઈએ તેના હાથમાં 101 રૂપિયા મૂક્યા અને કહ્યું કે આ સાઇનિંગ અમાઉન્ટ છે અને હું તને એક અભિનેતા તરીકે લોન્ચ કરીશ. જોકે, આજ સુધી ઘઈએ ટાઇગર શ્રોફ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, ટાઇગર શ્રોફે કહ્યું હતું કે જ્યારે પણ સુભાષ ઘઈ તેમની સાથે ફિલ્મ બનાવશે, ત્યારે તે ચોક્કસપણે તેમાં કામ કરશે.
ફિલ્મ ‘ધૂમ-3’ ના શૂટિંગ દરમિયાન, ટાઇગર શ્રોફે આમિર ખાનને તેની બોડી બનાવવામાં મદદ કરી હતી. આનાથી પ્રભાવિત થઈને આમિર ખાને પણ ટાઇગરને લઈને પહેલી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે ફિલ્મ પણ શરૂ થઈ શકી નહીં.
બાદમાં સાજિદ નડિયાદવાલાએ ‘હીરોપંતી’ ફિલ્મથી ટાઇગરને લોન્ચ કર્યો. 25 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર72.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ માટે ટાઇગર શ્રોફને બેસ્ટ મેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
ડેબ્યૂ ફિલ્મ પછી કરીના કપૂર સાથે સરખામણી શરૂ થઈ ગઈ
જ્યારથી ટાઇગરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે, ત્યારથી કેટલાક લોકો તેના લુક્સ માટે તેને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેની સરખામણી અભિનેત્રી કરીના કપૂર સાથે પણ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં, જેકી શ્રોફે ટ્રોલ્સને ઠપકો આપ્યો અને કહ્યું કે ‘આ માચો-માચો સરખામણી કરવી ખોટી છે. તે યંગ છે અને શીખી રહ્યો છે. જ્યારે ટાઇગર સ્ક્રીન પર લડે છે કે નાચે છે, ત્યારે તે વાઘ જેવો દેખાય છે. જ્યારે કોઈ અભિનેતા એક્શનમાં સારો હોય છે, ત્યારે તેના માટે ડાન્સ કરવો મુશ્કેલ બની જાય છે, પરંતુ તે ડાન્સ અને એક્શન બંનેમાં સારો છે.

જય હેમંત શ્રોફ ‘ટાઇગર શ્રોફ’ કેવી રીતે બન્યો?
ટાઇગર શ્રોફનું નામ જય હેમંત શ્રોફથી કેવી રીતે બદલાયું? આ વાતનો ખુલાસો ખુદ ટાઈગર શ્રોફે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.
”મારું બાળપણનું નામ જય હેમંત છે, પણ હું બાળપણમાં ખૂબ જ તોફાની હતો. લોકોને બટકા ભરી લેતો હતો, નખોર મારતો હતો. એટલે કે બિલકુલ વાઘની જેવું વર્તન કરતો હતો. એટલા માટે મારું નામ જય હેમંતથી બદલીને ‘ટાઇગર’ થઈ ગયું”
ટાઇગર શ્રોફનો પારીવારિક વારસો
ટાઇગર શ્રોફ મિશ્ર વારસામાંથી આવે છે. તેમના નાના, એર વાઇસ માર્શલ રંજન દત્ત, વીર ચક્ર પુરસ્કાર વિજેતા હતા. તેમણે ક્લાઉડ મેરી ડી કેવે નામની બેલ્જિયન મહિલા સાથે લગ્ન કર્યા. ટાઇગર શ્રોફના દાદા કાકુલાલ હરિલાલા શ્રોફ ગુજરાતના જ્યોતિષી હતા જેમણે શિનજિયાંગમાં એક તુર્કી મહિલા રીટા સાથે લગ્ન કર્યા હતા જે ઉઇગુર મુસ્લિમ હતી.

બાળપણ આર્થિક મુશ્કેલીઓમાં વિત્યું
સ્ટાર કિડ હોવા છતાં, ટાઇગર શ્રોફનું બાળપણ ખૂબ જ આર્થિક મુશ્કેલીઓમાં પસાર થયું. ખરેખર, તેની માતા આયેશા શ્રોફે ‘બૂમ’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન કૈઝાદ ગુસ્તાદે કર્યું હતું. જેમાં અમિતાભ બચ્ચન, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ, ઝીનત અમાન અને જાવેદ જાફરી જેવા મોટા સ્ટાર્સ હતા. આ કેટરિના કૈફની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ ખૂબ જ ફ્લોપ રહી.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટાઇગર શ્રોફે કહ્યું હતું કે ફિલ્મ ‘બૂમ’ ફ્લોપ થયા બાદ પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેના ઘરનું ફર્નિચર પણ વેચાઈ ગયું. તેને જમીન પર સૂવું પડ્યું. ત્યારે ટાઇગર ફક્ત 11વર્ષનો હતો. ટાઇગરના મતે, તે તેના પરિવાર માટે સૌથી ખરાબ સમય હતો.

આજે નેટવર્થ પિતા કરતાં વધુ છે
જેકી શ્રોફે ચાર દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં લગભગ 250 ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, ટાઇગર શ્રોફે તેની 10 વર્ષના કરિયરમાં 11 ફિલ્મોમાં કામ કર્યું છે. મિન્ટના રિપોર્ટ મુજબ, આજે ટાઇગર શ્રોફની કુલ સંપત્તિ 248 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત, ટાઇગર સોશિયલ મીડિયા અને જાહેરાતો દ્વારા પણ કમાણી કરે છે.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, પિતા જેકી શ્રોફની કુલ સંપત્તિ હાલમાં 212 કરોડ રૂપિયા છે. જેકી એક ફિલ્મ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
ફિલ્મો ફ્લોપ ગઈ તો ડિપ્રેશનમાં ગયો
ટાઇગર શ્રોફની ‘અ ફ્લાઇંગ જાટ’, ‘મુન્ના માઇકલ’ અને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી. ‘હીરોપંતી 2’ ની રિલીઝ પછી તેને સૌથી મોટો આંચકો લાગ્યો.
આ ફિલ્મને દર્શકો અને વિવેચકો દ્વારા ખૂબ જ ખરાબ સમીક્ષાઓ મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ. આ કારણે, ટાઇગર ડિપ્રેશનમાં ગયો. કરણ જોહરના શો કોફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે કહ્યું હતું કે – હું ખૂબ જ દુઃખી હતો, હતાશ હતો. મારું સામાજિક જીવન નથી અને મારા ઘણા મિત્રો પણ નથી. જ્યારે હું હતાશ હોઉં છું ત્યારે હું ઘણું ખાઉં છું.’
ટાઇગરને એરોફોબિયા છે, તે ફ્લાઇટમાં ઊભા રહીને મુસાફરી કરે છે
ટાઇગર શ્રોફ એરોફોબિયાથી પીડાય છે. આ વાતનો ખુલાસો કરતા તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેને ફ્લાઇટમાં ઉડવાનો ડર લાગે છે. ‘બડે મિયાં છોટે મિયાં’માં ટાઇગર સાથે કામ કરી ચૂકેલા અક્ષય કુમારે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટાઇગર ત્યારે જ ફ્લાઇટમાં બેસે છે છે જ્યારે ફ્લાઇટને લેન્ડિંગ અને ટેકઓફ કરવાનું હોય છે. આ સિવાય તે ડરને કારણે આખી ફ્લાઇટ દરમિયાન ઊભો રહે છે.

જીમને મંદિર માને છે
ટાઇગર શ્રોફે 14 વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્સનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેની પાસે તાઈકવૉન્ડોમાં પાંચમી ડિગ્રી બ્લેક બેલ્ટ છે. તે નિયમિતપણે કસરત કરે છે અને વિવિધ તકનિકો અને કસરતોને જોડે છે. તે ડાન્સ અને માર્શલ આર્ટ્સની સાથે કાર્ડિયો પણ કરે છે. તે વેટ ટ્રેનિંગ દ્વારા સ્નાયુઓની મજબૂતાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ટાઇગર શ્રોફના કસરતના રૂટિનમાં કિકબોક્સિંગનો પણ સમાવેશ થાય છે. આ હાઈ-એનર્જી વાળી એક્સર્સાઈઝમાં વિવિધ માર્શલ આર્ટ તકનિકોનો સમાવેશ થાય છે. ટાયફર શ્રોફ જીમને મંદિર માને છે. તેના મતે, તે ફક્ત શારીરિક શક્તિ જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ અસરકારક છે. તે તણાવ ઘટાડવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.
ઋતિક રોશનને પોતાનો હીરો માને છે અનુપમા ચોપરાને આપેલા ઇન્ટરવ્યૂમાં ટાઇગર શ્રોફે કહ્યું હતું કે તે હંમેશા રિતિક રોશનને પોતાનો હીરો માને છે. તે હંમેશા રિતિકના ડાન્સ અને એક્શનથી પ્રેરિત રહ્યો છે. ટાઈગરે કહ્યું હતું કે, ‘વોરમાં રિતિક સાથે કામ કરવું એ સૌથી મોટો પડકાર હતો. મારા મનમાં હંમેશા આ વિચાર આવતો રહેતો કે એક વિદ્યાર્થી પોતાના શિક્ષકને કેવી રીતે પડકાર આપી શકશે.’
‘શૂટિંગ દરમિયાન મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. એવું લાગતું હતું કે હું અભિનય શાળામાં છું.રિતિક સરે મને ઘણું શીખવ્યું અને ઘણી મદદ કરી. હું ભાગ્યશાળી છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી’.

તે પોતાને એક્ટર નહીં, પણ મજૂર માને છે
ટાઇગર શ્રોફ પોતાને અભિનેતા નહીં, પણ મજૂર માને છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટાઇગર શ્રોફે કહ્યું હતું કે તે એક મજૂર છે. બોલિવૂડમાં ટકી રહેવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.
”હું મારા સિનિયરો અને પ્રતિભાશાળી કલાકારો પાસેથી પ્રેરણા લઉં છું. જો મારે મારી ઓળખ ઊભી કરવી છે તો મારે ટકી રહેવું પડશે અને તે માટે થોડું અલગ દેખાવાનો પ્રયાસ કરવો પડશે જેથી લોકો મારી મહેનત પર ધ્યાન આપે.’‘