5 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદના હાલ પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. આવતા મહિને એટલે કે, 2 માર્ચે તે જયપુરમાં તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કરી રહી છે. લગ્નની તૈયારીઓ વચ્ચે સ્કોટલેન્ડ સ્થિત ડિઝાઈનર આયુષ કેજરીવાલે સુરભિની સ્ટાઈલિશની નિંદા કરી છે.
સ્ટાઈલિશે સુરભિના લગ્નના ફંક્શન માટે આયુષ પાસેથી ફ્રી કપડાં માગ્યાં હતાં. આયુષને આ પસંદ ન હતું. ડિઝાઈનરના મતે એક્ટરો અથવા તેમની ટીમ લગ્ન જેવા અંગત પ્રસંગો માટે પણ મફતમાં કપડાંની ડિમાન્ડ કરે તે બહુ જ ખોટું છે.
આ સમગ્ર મામલે સ્કોટલેન્ડના આયુષ કેજરીવાલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘મને એ પણ ખબર નથી કે સુરભિ ચંદના કોણ છે? જ્યારે તેમના સ્ટાઈલિશે મને મેસેજ કર્યો, ત્યારે મેં તેમના વિશે સર્ચ કર્યું હતું. આ બાદ જાણવા મળ્યું કે તે ટીવી એક્ટ્રેસ છે.’
‘મેસેજમાં તેના સ્ટાઈલિશે લગ્ન સંબંધિત તમામ ફંક્શનની વિગતો શેર કરી હતી. તે ઈચ્છતી હતી કે હું મારા ડિઝાઈનર કપડાં સુરભિને મફતમાં આપું જેના બદલામાં તે મને સોશિયલ મીડિયા ક્રેડિટ આપશે. સ્વાભાવિક છે કે, સુરભીને આ વાતની જાણ હશે. તેમની સ્ટાઈલિશ તેમને પૂછ્યા વિના કોઈ પગલું ભરતી નહીં હોય. મારી દૃષ્ટિએ આ બહુ જ ખોટું છે.’
ડિઝાઇનરે વધુમાં કહ્યું, ‘હવે જે એક્ટ્રેસ જયપુરના શાહી મહેલમાં લગ્ન કરી રહી છે, તેમની પાસે ચોક્કસપણે પૈસાની કોઈ કમી નહીં હોય. જો તે લોકેશન પર પૈસા ખર્ચી શકે છે તો કપડાં પર કેમ નહીં? શા માટે તેઓને મફત કપડાંની જરૂર છે? અમે ડિઝાઇનરો ખૂબ સખત મહેનત કરીએ છીએ. આ મારા માટે ખૂબ જ આઘાતજનક હતું.’
‘અત્યાર સુધી, સેલિબ્રિટીઓ કોમર્શિયલ ઈવેન્ટ્સ માટે ડિઝાઈનરો પાસેથી મફત કપડાંની માંગણી કરે તે ઠીક હતું. હવે આ લોકો તેમના લગ્ન માટે પણ મફત કપડાં માગી રહ્યા છે. સાચી વાત તો એ છે કે આ કલાકારોને અમારી ડિઝાઈન ગમતી નથી પણ મફતમાં મળતા કપડાં ગમે છે. હું તેમને ખુલ્લા પાડવામાં ડરતો નથી. હું ઈમાનદારીથી કામ કરું છું અને મારી મહેનતના પૈસા માગું છું. પૈસા વિના તેમનું કામ કરાવવાની તેમની વ્યૂહરચના મારા માટે કામ કરશે નહીં.’
ડિઝાઇનર તરીકે આયુષ કેજરીવાલ છેલ્લાં 19 વર્ષથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેઓ ભારતીય પોશાક બનાવવા માટે જાણીતા છે. અત્યાર સુધી તેમણે હેમા માલિની, વિદ્યા બાલન જેવી ઘણી હસ્તીઓ સાથે કામ કર્યું છે. દિલ્હી અને કોલકાતામાં તેમની દુકાનો છે.
અમે સુરભિનો પક્ષ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત થઈ શકી ન હતી.