9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય પેરેલલ સિનેમામાં નવો ચીલો ચાતરનારા દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું 90 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. શ્યામબાબુ તરીકે ઓળખાતા આ ફિલ્મમેકર ઘણા લાંબા સમયથી કિડની અને ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમની દીકરી પિયા બેનેગલે આ વાતની પુષ્ટિ કરી છે. શ્યામ બેનેગલે ‘અંકુર’, ‘મંડી’, ‘સરદારી બેગમ’, ‘ઝુબૈદા’ જેવી અવિસ્મરણીય ફિલ્મો બનાવી હતી. ગુજરાતમાં સહકારી મંડળીની શ્વેતક્રાંતિ પર તેમણે ગિરીશ કર્નાડ અને સ્મિતા પાટિલને લઇને ‘મંથન’ ફિલ્મ બનાવેલી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્યામ બેનેગલે 23 ડિસેમ્બરે સાંજે સાડા છ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. હજુ નવ દિવસ પહેલાં 14 ડિસેમ્બરે જ તેમણે પોતાના 90મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો અભિનેત્રી શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ અને પ્રફુલ્લિત મુખમુદ્રામાં શ્યામ બેનેગલ દૃશ્યમાન થતા હતા.
શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને મહાન કલાકારો આપ્યા હતા, જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ, શબાના આઝમી, સ્મિતા પાટીલ અને સિનેમેટોગ્રાફર-ફિલ્મમેકર ગોવિંદ નિહલાની મુખ્ય છે.
શ્યામબાબુને ભારત સરકારે 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.