12 કલાક પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
જાણીતા દિગ્ગજ એક્ટ્રેસ વહીદા રહેમાન આજે 86 વર્ષનાં થયાં છે. ઉંમરના આ તબક્કે પણ વહીદા તેમનો ફોટોગ્રાફીનો વર્ષો જૂનો શોખ પૂરો કરે છે, એટલું જ નહીં તે આ ઉંમરે સ્કુબા ડાઈવિંગ પણ કરવા માગે છે. પદ્મશ્રી, પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે જેવાં મોટાં સન્માનો પ્રાપ્ત કરનાર વહીદાજી માત્ર 17 વર્ષની ઉંમરથી હિન્દી સિનેમાનો ભાગ બન્યા હતા. પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને 17 ઓક્ટોબરે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ફિલ્મોમાં તેમના યોગદાન બદલ ‘દાદાસાહેબ ફાળકે અવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં એક સમયે ડૉક્ટર બનવાનું સપનું જોનાર વહીદા મજબૂરીમાં ફિલ્મોમાં આવ્યા અને પોતાની શરતોને આધીન ‘CID’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘નીલકમલ’, ‘ચૌદહવી કા ચાંદ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ પણ કર્યું હતું.
જ્યારે લોકો ગુરુ દત્ત, રાજ ખોસલા જેવા મહાન ફિલ્મ સર્જકો સાથે કામ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતા, ત્યારે 17 વર્ષના વહીદાએ તેમને પોતાની 3 શરતો મનાવી હતી. પહેલી શરત એ હતી કે તે સ્ક્રીન પર ક્યારેય રિવિલિંગ કે શોર્ટ કપડા નહીં પહેરે, બીજી શરત તે પોતાનું નામ નહીં બદલે અને ત્રીજી શરત એ હતી કે તેમના માતા હંમેશા સેટ પર તેમની સાથે રહેશે.
તેમના હુન્નરને કારણે તેમની શરતોને સરળતાથી સ્વીકારી લેવામાં આવી હતી, જેની હિમાયત દેવ આનંદ જેવા ઘણા મોટા સ્ટાર્સે પણ કરી હતી.
આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર વાંચો વહીદા રહેમાનના નિશ્ચય, પ્રતિભા અને સફળતાની વાર્તા-
વહીદા રહેમાનનો જન્મ 3 ફેબ્રુઆરી, 1938ના રોજ તમિલનાડુમાં જિલ્લા ચેંગલપટ્ટુમાં કમિશ્નર અબ્દુર રહેમાન અને મુમતાઝ બેગમને ત્યાં થયો હતો. ચાર બહેનોમાં તેઓ સૌથી નાના હતાં.
ગુરુજીએ ભરતનાટ્યમ શીખવવાની ના પાડી હતી કારણ કે તેઓ મુસ્લિમ હતાં
વહીદા રહેમાનને બાળપણથી જ ભરતનાટ્યમ શીખવાની ઇચ્છા હતી. જ્યારે વહીદાએ આગ્રહ કર્યો ત્યારે તેમના માતા તેમને ચેન્નાઈ લઈ ગયા હતા. જ્યારે તેમણે ચેન્નાઈમાં એક ગુરુજીનો સંપર્ક કર્યો, ત્યારે ગુરુજીએ મુસ્લિમ હોવાને કારણે ભરતનાટ્ય શીખવવાની ના પાડી. પરંતુ વહીદા મક્કમ હતા ત્યારે ગુરુજીએ તેમને કુંડળી લાવવા કહ્યું હતું.
ગુરુજીએ કુંડળી જોઈને ભવિષ્યવાણી કરી હતી
મુસ્લિમ હોવાને કારણે વહીદાની કુંડળી ન હતી તેથી ગુરુજીએ પોતે જ તેની કુંડળી બનાવી હતી. ગુરુજીએ તેમની કુંડળી જોઈ કે તરત જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું હતું કે, ‘તમે મારા છેલ્લા અને શ્રેષ્ઠ શિષ્ય હશો.’
પિતાના અવસાન પછી ડૉકટર બનવાનું સપનું ચકનાચૂર, મજબૂરીમાં એક્ટ્રેસ બન્યાં
થોડા સમય પછી વહીદાના પિતાની વિશાખાપટ્ટનમમાં બદલી થઈ હતી, તેથી તેમણે ત્યાંની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો. શાળાના દિવસોમાં વહીદાએ નક્કી કર્યું હતું કે, તેઓ ડૉક્ટર બનશે. આ માટે તે તનતોડ મહેનત પણ કરતા હતા, પરંતુ થોડા સમય પછી તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. તેઓ માત્ર 13 વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાનું અચાનક અવસાન થયું અને બાદમાં માતા પણ વારંવાર બીમાર પડવા લાગ્યાં હતાં.
પિતાના અવસાન બાદ ઘરની આર્થિક સ્થિતિ કથળવા લાગી, આ સ્થિતિમાં તેમણે ભરતનાટ્યમ કૌશલ્યનો ઉપયોગ કર્યો અને પ્રાદેશિક સિનેમામાં નાના-નાના રોલ કરવા લાગ્યા. કેટલાક પરિચિતોની મદદથી તેમને 1955ની તેલુગુ ફિલ્મ ‘રોઝુલુ મરાયી’ના એક ગીતમાં નાનકડી ભૂમિકા મળી, ત્યારબાદ તેઓ કેટલીક તેલુગુ ફિલ્મોમાં જોવાં મળ્યાં હતાં.
ગુરુ દત્તની નજર પડતાં જ વહીદા રહેમાન સ્ટાર બન્યા
વહીદાની પ્રથમ ફિલ્મ ‘રોઝુલુ મરાય’નું પ્રીમિયર હૈદરાબાદમાં થયું હતું, જ્યાં હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ફિલ્મ નિર્માતા ગુરુ દત્ત પણ હાજર હતા. ગુરુ દત્તે પ્રીમિયરમાં વહીદાનું પ્રદર્શન જોયું કે તરત જ તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. મીટિંગ દરમિયાન તેમણે વહીદાને મુંબઈ આવવાની ઓફર કરી હતી. મુંબઈ પહોંચતાની સાથે જ તેમને ગુરુ દત્તના સહાયક રાજ ખોસલાની ફિલ્મ CIDમાં દેવ આનંદની સામે મુખ્ય ભૂમિકા આપવામાં આવી. વહીદા રહેમાન બાળપણથી જ દેવ આનંદના ફેન હતા.
હિન્દી ફિલ્મોમાં આવવા માટે વહીદા 3 મોટી શરતો પર અડગ હતાં
હિન્દી સિનેમાના શરૂઆતના દાયકાઓમાં મોટા ભાગના કલાકારોના નામ ફિલ્મોમાં આવતા પહેલાં બદલાઈ ગયા હતા. જેમ યુસુફ ખાન ‘દિલીપ કુમાર’ બન્યા અને મહેજબીન ‘મીના કુમારી’ બન્યાં હતાં. ગુરુ દત્ત અને રાજ ખોસલા ઇચ્છતા હતા કે, ફિલ્મો માટે વહીદા રહેમાનનું નામ બદલવામાં આવે. એક મીટિંગ દરમિયાન ગુરુ દત્ત અને રાજ ખોસલાએ વહીદા રહેમાનને કહ્યું- ‘વહીદા નામ સેક્સી નથી, જો તમારે ફિલ્મમાં કામ કરવું હોય તો તમારે તમારું નામ બદલવું પડશે.’
જવાબમાં વહીદા રહેમાને કહ્યું- ‘આ નામ મને મારા માતા-પિતાએ આપ્યું છે અને હું તેમની ઓળખ કરીશ.’
થોડી નારાજગી પછી રાજ ખોસલા અને ગુરુ દત્ત વહિદાનું નામ ન બદલવાની શરતે સંમત થયા હતા, પરંતુ આ પછી વહીદાજીએ બીજી પણ શરત મૂકી હતી.
શરત એવી હતી કે, મારાં માતા શૂટિંગ દરમિયાન સેટ પર આવશે. રાજ ખોસલાને આની સામે કોઈ વાંધો નહોતો, તેથી તેઓ તરત જ સંમત થયા હતા, પછી વહીદા રહેમાને ત્રીજી શરત પણ મૂકી – ‘હું ફિલ્મોમાં મારા કોસ્ચ્યુમ્સ જાતે ફાઈનલ કરીશ અને કોઈની વિનંતી પર ટૂંકા કપડાં કે બિકીની નહીં પહેરું.’
વહીદાની એક પછી એક શરતો સાંભળીને રાજ ખોસલા ચિડાઈ ગયા હતા. તેમણે ગુરુ દત્તને કહ્યું, ‘તમે આ છોકરીને સાઈન કરી છે કે આ છોકરીએ તમને સાઈન કર્યા છે.’
આખરે મામલો ઉકેલાયો અને વહીદા રહેમાનને ફિલ્મ ‘CID’માં કાસ્ટ કરવામાં આવ્યાં. વહીદા રહેમાન તે સમયે નવોદિત હતાં, જ્યારે દેવ આનંદને સ્ટાર કહેવામાં આવતા હતા. સેટ પર પહેલા દિવસે જ્યારે વહીદા રહેમાને દેવ આનંદને આવતા જોયા ત્યારે તેઓ તેમની નજીક ગયા અને ખૂબ જ નમ્રતાથી કહ્યું, ‘ગુડ મોર્નિંગ મિસ્ટર આનંદ.’
આ સાંભળીને દેવ આનંદે તેમને ટોકતા કહ્યું , ‘મિસ્ટર આનંદ એટલે શું?,ફક્ત દેવ કહે. ફોર્મલ થવાની જરૂર નથી, તેનાથી આપણી કેમેસ્ટ્રીમાં ફરક પડશે.’
માત્ર રીલમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ક્યારેય સ્લીવલેસ કપડાં પહેર્યાં નથી
વહીદાનું માનવું હતું કે, તેમનું શરીર કપડાંને જાહેર કરવા માટે યોગ્ય નથી.ફિલ્મોની વાત તો છોડો અસલી જીવનમાં પણ વહીદાએ ક્યારેય સ્લીવલેસ કપડા પહેર્યા નથી. વહીદાનો ચાર્મ અને ટેલેન્ટ એવું હતું કે ફિલ્મમેકર્સ તેમની શરતને સ્વીકારી લેતા હતા. વહીદા તેમની સાદગી માટે જાણીતા હતા, જ્યારે તે સમયે એક્ટ્રેસો આધુનિક દેખાવાનો પ્રયાસ કરતી હતી.
સાથે કામ કરતાં ગુરુ દત્ત સાદગીના પાગલ બની ગયા
વહીદા રહેમાનને હિન્દી ફિલ્મો સાથે જોડવાનો શ્રેય ગુરુ દત્તને આપવામાં આવે છે. વહીદા પણ તેમને પોતાના માર્ગદર્શક માનતા હતા. વહીદા રહેમાન અને ગુરુ દત્ત ‘સીઆઈડી’ ફિલ્મના સેટ પર નજીક આવ્યા હતા, જોકે ગુરુ દત્ત પહેલેથી જ પરિણીત હતા.
વહીદા રહેમાને તેમની પહેલી જ ફિલ્મ ‘CID’ થી દેશભરમાં ઓળખ મેળવી, ત્યારબાદ ગુરુ દત્તે તેમને ફિલ્મ ‘પ્યાસા’માં કાસ્ટ કર્યા હતા. આ ફિલ્મમાં વહીદાનો હીરો દિલીપ કુમાર બનવાનો હતો, પરંતુ ગુરુ દત્તને વહીદાની સાદગી એટલી પસંદ આવી કે તેમણે દિલીપ કુમારની જગ્યાએ પોતાને હીરો બનાવ્યા. વહીદા રહેમાન પર ફિલ્માવવાના સીન ગુરુ દત્ત પોતે લખતા હતા. વહીદા રહેમાને ‘પ્યાસા’ ફિલ્મમાં વેશ્યાની ભૂમિકા ભજવીને પોતાની આવડતથી ટોપની અભિનેત્રીઓમાં સ્થાન મેળવ્યું હતું.
‘પ્યાસા’ પછી વહીદા ગુરુ દત્ત સાથે ’12 O’clock’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘ચૌદહવી કા ચાંદ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. ગુરુ દત્ત વહીદા સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલવા પણ તૈયાર હતા, પરંતુ જ્યારે તેમની નિકટતાના સમાચાર ગુરુ દત્તની પત્ની ગીતા સુધી પહોંચ્યા ત્યારે તેમણે બાળકો સાથે ઘર છોડી દીધું હતું.
જ્યારે પત્નીએ તેમને છોડી દીધા ત્યારે ગુરુ દત્તે વહીદાથી અંતર રાખ્યું હતું
લગ્ન તૂટવાના ડરને કારણે ગુરુ દત્તે 1963માં વહીદાને મળવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. વહીદાને ગુરુ દત્ત પાસે જવાની પણ મંજૂરી નહોતી. જો કે, આ બલિદાન હોવા છતાં ગુરુ દત્તનો પરિવાર તેમની પાસે પાછો ન આવ્યો. પરિવારથી અલગ થયા બાદ તેઓ આલ્કોહોલિક બન્યા હતા. તેઓ એકલા રહેતા હતા ત્યારે 1964માં દારૂના ઓવરડોઝથી મૃત્યુ પામ્યા હતા.
વહીદા 60ના દાયકાની બેસ્ટ એક્ટ્રેસ હતા
ગુરુ દત્તની ટીમથી અલગ થયા પછી વહીદાએ ‘સત્યજીત રે’ની ફિલ્મ અભિજાન (1962)માં કામ કર્યું અને ‘કોહરા’, ‘બીસ સાલ બાદ’ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. 1960નો દશક વહીદાની કારકિર્દીનો ટોચનો સમય હતો. વહીદા એક પછી એક હિટ ફિલ્મો આપનાર બેસ્ટ એક્ટ્રેસ બન્યાં હતાં. આ સાથે જ ટોપની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ બન્યાં હતાં.
અંગ્રેજી ન આવડવાને કારણે ‘ગાઈડ’માંથી કાઢી મૂક્યાં, નિર્માતાઓ દેવ આનંદના આગ્રહ સામે ઝૂક્યા
વહીદા રહેમાનની લોકપ્રિયતા જોઈને 1965માં આવેલી ફિલ્મ ‘ગાઈડ’માં તેમને કાસ્ટ કરવામાં આવ્યાં હતાં. રોઝી એક ખ્રિસ્તી યુવતીનું પાત્ર હતું. પરંતુ જ્યારે દિગ્દર્શક વિજય આનંદ (દેવ આનંદના ભાઈ)ને ખબર પડી કે વહીદાને અંગ્રેજી આવડતું નથી, ત્યારે તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. વહીદાને ફિલ્મમાંથી હટાવ્યા પછી ફિલ્મના મુખ્ય હીરો દેવ આનંદ મક્કમ હતા કે તેઓ ફિલ્મ ત્યારે જ કરશે જ્યારે વહીદા રહેમાન રોઝીની ભૂમિકા ભજવશે. આખરે દેવ આનંદ જેવા સ્ટારની જીદ સામે તેમના ભાઈને ઝુકવું પડ્યું અને વહીદાને ફિલ્મ ‘ગાઈડ’માં લીડ રોલ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે વહીદાને તેમની કરિયરનો પ્રથમ ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
1974માં લગ્ન પછી ફિલ્મોથી દૂર થયાં
વહીદા રહેમાન 1964માં આવેલી ફિલ્મ ‘શગુન’ના શૂટિંગ દરમિયાન શશિ રેખીને પહેલીવાર મળ્યા હતા. શશિ રેખી એક અભિનેતા હતા, જે કમલજીતના નામથી જાણીતા હતા. થોડા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 1974માં લગ્ન કરી લીધા. દંપતીને આ લગ્નથી બે બાળકો છે, સોહેલ રેખી અને કાશવી રેખી. વહીદા રહેમાનના બંને બાળકો જાણીતા લેખકો છે. લગ્ન પછી જ વહીદા રહેમાને ફિલ્મોમાં કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. થોડા સમય પછી જ્યારે તે ફિલ્મોમાં પરત ફરવા માગતા હતા ત્યારે તેમને સાઈડ રોલ આપવામાં આવ્યો હતો.
તેમને ‘કભી કભી’, ‘લમ્હેં’, ‘ચાંદની’ અને ‘નમકીન’ ફિલ્મો માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ફિલ્મફેર નોમિનેશન મળ્યું હતું.
1991માં ફિલ્મોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો
વહીદા રહેમાને 1991માં રિલીઝ થયેલી અનિલ કપૂર અને શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘લમ્હેં’ માં દાઈ જાન’ની ભૂમિકા ભજવ્યા બાદ ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી હતી.
પતિના મોત બાદ ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મ છોડી
1991ની ફિલ્મ ‘લમ્હે’ના વર્ષો બાદ વહીદા રહેમાને કરન જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ સાઈન કરી હતી. વહીદા રહેમાન આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકામાં હતા. ફિલ્મનાં ઘણાં દ્રશ્યો તેમના પર શૂટ કરવામાં આવ્યાં હતાં, પરંતુ નવેમ્બર 2000માં તેમના પતિના અવસાન બાદ તેમણે ફિલ્મ છોડી દીધી હતી. વહીદા બાદ આ રોલ અચલા સચદેવને આપવામાં આવ્યો હતો.
થોડાં વર્ષો પછી વહીદા રહેમાને 2002ની ફિલ્મ ‘ઓમ જય જગદીશ’થી અભિનયમાં કમબેક કર્યું હતું. તેમની છેલ્લી રિલીઝ ફિલ્મ 2021ની ‘સ્કેટર ગર્લ’ છે.
86 વર્ષની ઉંમરે પણ પોતાના શોખ પૂરા કરે છે
વહીદાને હંમેશા ફોટોગ્રાફીનો શોખ રહ્યો છે. પોતાનો શોખ પૂરો કરવા માટે વહીદા પોતાની ફિલ્મોના સેટ પર કેમેરા લઈને જતા હતા. પરંતુ તે ક્યારેય પ્રોફેશનલી ફોટોગ્રાફી પર ધ્યાન આપી શક્યા ન હતા, પરંતુ હવે ફિલ્મોથી દૂર રહીને વહીદા પોતાનો આ જ શોખ પૂરો કરે છે. 80 વર્ષની ઉંમરે વહીદાએ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી શરૂ કરી. અભિનેત્રી ઘણીવાર સમય કાઢે છે અને જંગલોમાં સમય વિતાવે છે.