42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી સીરિયલ સીઆઈડીએ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કર્યું છે. ઘણા ચાહકોએ આ શો જોવામાં તેમનું બાળપણ વિતાવ્યું છે અને હવે આખરે આ શો ફરી એકવાર નાના પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. શોનો પ્રોમો વિડીયો સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર રીલીઝ કરવામાં આવ્યો છે અને સ્ટોરી એક નવો વળાંક લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પ્રોમો વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અભિજીત પર ઝનૂન સવાર થઈ ગયું છે અને દયાને ગોળી મારી રહ્યો છે. પ્રદ્યુમન પણ આ ઘટનાને રોકવામાં અસમર્થ છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ જ ક્રેઝી જોવા મળી રહ્યા છે.
સાથે મળીને લડ્યા એ જ દુશ્મન બની ગયા પ્રોમો વિડીયોમાં દયા અને અભિજીત એક ધોધ પાસે ઊભા જોવા મળે છે. પ્રોમો વીડિયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર આવે જેમાં કહેવામાં આવે છે કે જેઓ હંમેશા દેશ માટે સાથે મળીને લડ્યા છે. આજે કેમ દુશ્મન બનીને સામસામે આવી ગયા છે? ગુસ્સામાં દયા અભિજિતને ગોળી મારવાનું કહે છે અને અભિજિત ગુસ્સામાં એક પછી એક અનેક ગોળીબાર કરે છે. કાર પાસે દૂર ઉભેલા પ્રદ્યુમન ચીસો પાડે છે અને આ દરમિયાન દયા ધોધમાં પડી જાય છે. પ્રોમોમાં કહેવામાં આવ્યું છે કે તેની વાર્તા કહેવાની બાકી છે. જેનું નામ જ કાફી છે.
પ્રોમો જોઈને ઘેલા થયા ફેન્સ આ પ્રોમો વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું- આખરે અમારું બાળપણ પાછું આવ્યું છે. જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું- હું ખૂબ ખુશ છું કે CID પાછી આવી છે. દયા સર અને અભિજીત સર છે, પણ ફ્રેડી ક્યાં છે. એક ચાહકે લખ્યું – સવાલ એ નથી કે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો, સવાલ એ છે કે અભિજીતે દયાને કેમ માર્યો. એક ફેને લખ્યું- આખરે 6 વર્ષ પછી આ શો પાછો આવ્યો છે. એક ફેને લખ્યું- સિઝન 1માં પણ અભિજીતને વિલન તરીકે બતાવવામાં આવ્યો હતો.
‘એક ગોળી એસીપીને પણ વાગી હોત’ ઘણા ચાહકોએ ફ્રેડીને પરત લાવવાની વાત કરી છે. ઘણા યુઝર્સે કમેન્ટ કરી છે કે ફ્રેડી વિના મજા નહીં આવે. એક યુઝરે રમૂજી રીતે લખ્યું – એક ગોળી એસીપીને પણ વાગી હોત. ઘણા ચાહકોએ ટિપ્પણી વિભાગમાં સોનીનો આભાર માન્યો છે અને આ પ્રોમો વીડિયોને દિવાળીની શ્રેષ્ઠ ભેટ ગણાવી છે. તમને જણાવી દઈએ કે અજય દેવગનની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ ચર્ચામાં છે ત્યારે આ સીરિઝ ફરી આવી છે. તમને જણાવી દઈએ કે સિંઘમ સિરીઝમાં દયાનું પાત્ર પણ સતત ચર્ચામાં છે.