1 કલાક પેહલા
- કૉપી લિંક
શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ‘કોફી વિથ કરન’ શોમાં આ નિવેદન આપ્યું હતું કે તે શાહરૂખ ખાનના ધર્મનું સન્માન કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તે મુસ્લિમ ધર્મ અપનાવશે. તેણે કહ્યું કે શાહરૂખ આ વાત સમજે છે અને તે તેના ધર્મનું પણ સન્માન કરે છે. ગૌરીના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2005નો છે, જ્યારે ગૌરી અભિનેતા હૃતિક રોશન અને તેની પત્ની સુઝૈન ખાન સાથે શોમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી.
શાહરૂખ ખાન અને ગૌરીના લગ્ન 25 ઓક્ટોબર 1991ના રોજ થયા હતા. શરૂઆતમાં ગૌરીના પરિવારને આ લગ્ન સામે વાંધો હતો કારણ કે શાહરૂખ મુસ્લિમ હતો. જોકે બાદમાં તેના પરિવારે પણ શાહરૂખને સ્વીકારી લીધો હતો. લગ્ન બાદ શાહરૂખ અને ગૌરી પુત્ર આર્યન, પુત્રી સુહાના અને પુત્ર અબરામના માતા-પિતા બન્યા હતા.
ગૌરીએ શો કોફી વિથ કરનમાં કહ્યું હતું, ‘આર્યન શાહરૂખને ખૂબ પસંદ કરે છે અને તેના ધર્મનું પાલન કરે છે. તે હંમેશા કહે છે કે તે મુસ્લિમ છે. હું શાહરૂખના ધર્મનું પણ સન્માન કરું છું. પરંતુ આનો અર્થ એ નથી કે હું મારો ધર્મ બદલીશ. હું તેમાં માનતી નથી. મને લાગે છે કે દરેક વ્યક્તિએ તેના ધર્મનું પાલન કરવું જોઈએ. પરંતુ દેખીતી રીતે કોઈના ધર્મનું અપમાન ન કરવું જોઈએ, જેમ શાહરૂખ મારા ધર્મનું પણ અપમાન નથી કરતો’.
થોડા સમય પહેલા શાહરૂખ ખાન રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 5’માં જોવા મળ્યો હતો. ત્યાં તેણે કહ્યું હતું- અમે (ગૌરી અને તેણે) ક્યારેય હિંદુ-મુસ્લિમ વિશે વાત કરી નથી. મારી પત્ની હિન્દુ છે અને હું મુસ્લિમ છું અને મારા બાળકો હિન્દુસ્તાની છે. જ્યારે બાળકો શાળાએ જવા લાગ્યા ત્યારે તેઓએ ત્યાં તેમનો ધર્મ શું છે તે પૂછીને ફોર્મ ભરવાનું હતું. એ વખતે દીકરી બહુ નાની હતી. તે મારી પાસે આવી અને પૂછ્યું કે આપણો ધર્મ શું છે? તેના પર મેં કહ્યું કે અમે ભારતીય છીએ, અમારો કોઈ અલગ ધર્મ નથી.