– ઉદ્યાનમાં સામાન્ય રીતે માર્શ, પેલિડ, મોન્ટેગુઝ હેરિયર જોવા મળે છે
– રાતવાસો કરવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે ત્યારે લેન્ડીંગ કરતા પહેલા આ પંખીઓ આકાશમાં વિશાળ ચકરાવો લેતા હોય છે
ભાવનગર : ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ૧૨૦૦ જેટલા હેરિયર પંખીઓ મહેમાનગતિ માણવા માટે આવી પહોંચ્યા છે. તેમ વન વિભાગના વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું.
વર્તુળોના જણાવ્યા પ્રમાણે વર્ષાઋતુ પૂર્ણ થવા સાથે અને શિયાળાની ઠંડી ઠંડી ઋતુનાઆગમન સાથે વેળાવદર ઉદ્યાન અને આસપાસના ઈકો ઝોનમાં હેરિયર પંખીઓ મહેમાનગતિ માણવા આવી પહોંચતા હોય છે. અત્યાર સુધીમાં ૧૨૦૦ જેટલા પંખીઓ કઝાકિસ્તાન તરફથી નોન સ્ટોપ ઊડાન ભરીને હજારો કિલોમીટરનું અંતર કાપીને હિમાલયની પર્વતમાળા ઓળંગીને શિયાળો ગાળવા વેળાવદર આવી પહોંચ્યા છે. આ પંખીઓમાં સામાન્ય રીતે માર્શ, પેલિડ અને મોન્ટેગુઝ જોવા મળતા હોય છે જ્યારે હેન હેરિયરનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
ચોમાસા બાદ ખેતરોમાં ઘાસ, જુવાર, કપાસના પાકના કારણે તીડનું પ્રમાણ વધારે હોય છે. તીડ એ હેરિયરનો મુખ્ય ખોરાક છે. આથી સવારે સૂર્યોદય પહેલા તેઓ ઊડાન ભરે છે અને છેક સાંજે સૂર્યાસ્ત સમયે અંધારું ઘેરાય ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન અને ઈકો ઝોનમાં આવે છે. આમ, રાતવાસા માટે તે આવે છે જેને ‘રૂસ્ટીંગ’ કહેવામાં આવે છે. રૂસ્ટીંગ માટે લેન્ડીંગ કરતા પહેલા આ પંખીઓ આકાશમાં વિશાળ ચકરાવો લેતા હોય છે.
આ પંખીઓની વિશિષ્ટતા એ છે કે તે હવામાં જ ખોરાકનું આદાન-પ્રદાન કરી લેતા હોય છે. જેમ જેમ શિયાળાની ઠંડી જામશે તેમ તેમ તેની સંખ્યા વધતી જશે. વેળાવદરમાં પ્રતિ વર્ષ રેકોર્ડબ્રેક સંખ્યામાં આ પંખીઓ નોંધાય છે.