ભગુ આહીર: છેલ્લા બે દિવસથી જિલ્લા સહીત રાજ્યભરમાં ચર્ચામાં રહેલા કંઢેરાઈની વાડીના બોરવેલમાં પડેલી 18 વર્ષીય યુવતીને 35 કલાકની બચાવ કામગીરી બાદ બહાર કાઢી હોસ્પિટલ લઇ જતા મૃત જાહેર કરવામાં આવી ત્યારે કુટુંબીજનો ઉપરાંત બે દિવસ ખડેપગે રહેલા નિસ્વાર્થ ભાવ
.
સોમવારે સવારે 5 વાગ્યાના અરસામાં મુળ રાજસ્થાનની 18 વર્ષીય ઈન્દ્રા કાનાજી મીણા નામની યુવતી વાડીના બોરવેલમાં પડી હતી.જેની જાણ થતા જ સમગ્ર વહીવટી તંત્ર સહીતની બચાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને રાત્રી દરમિયાન પણ બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. એનડીઆરએફ, આર્મી, બીએસએફ, પોલીસ, આરોગ્ય વિભાગ અને ભુજ-ભચાઉના ફાયર વિભાગ તેમજ સ્થાનિક બોરવેલ સંચાલકો મળી 200 થી વધુ લોકોની ટીમે સ્થળ પર જ વિવિધ ઓજારો બનાવી દોરડા અને સળીયાનો ઉપયોગ કરી સતત 35 કલાકની જહેમત ઉઠાવ્યા બાદ અંતે મંગળવારે સાંજે ચાર વાગ્યે દેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.યુવતીને બોરવેલમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર અને બચાવ ટીમો સહીત આસપાસના વિસ્તારના લોકોએ સફળતા બાદની નિષ્ફળતા અનુભવી હતી.
રાતના 2 વાગ્યાની તસવીર
બોક્સ. 35થી વધુ વખત પ્રયાસો કરાયા સ્થાનિક ટીમો સોમવારે વહેલી સવારથી જ બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી.જે બાદ સાંજે પાંચ વાગ્યે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ પહોચી આવી હતી.રાત-દિવસ સતત ચાલેલી કામગીરીમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધી અલગ અલગ ટીમોએ વિવિધ ઓજારોનો ઉપયોગ કરી 35થી વધુ વખત પ્રયાસો કર્યા ત્યારે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બોક્સ. 31 કલાકમાં 233 કિલો ઓક્સીજન અપાયું સોમવારે સવારે સાડા નવ વાગ્યે આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોચી અને પાઈપ મારફતે બોરવેલમાં ઓક્સીજન આપવાનું શરુ કરી દીધું હતું.સમગ્ર રેસ્ક્યુ દરમિયાનના 31 કલાકમાં 233 કિલો ઓક્સીજન આપવામાં આવ્યું હતું પરંતુ યુવતીનું મોત નીપજ્યું હતું.
બોક્સ. સ્થાનિક બોરવેલના સંચાલકોની ભૂમિકા મહત્વની બચાવ કામગીરીમાં જોતરાયેલી તંત્રની ટીમોએ બોરવેલના અનુભવી લોકોને પણ સ્થળ પર બોલાવ્યા હતા.જે મશીનથી યુવતીને બહાર કઢાઈ તે કંઢેરાઈ ગામના અલ્તાફભાઈએ રેસ્ક્યુમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ ઉપરાંત માધાપરના મનસુખભાઈ ડાંગરને પણ સ્થળ પર બોલાવી તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં પુખ્ત વ્યક્તિને બોરવેલમાંથી કાઢવાનું પ્રથમ ઓપરેશન સામાન્ય રીતે બોરવેલમાં નાના બાળકો પડી જવાની ઘટનાઓ સામે આવે છે,પરંતુ પુખ્ત વયની વ્યક્તિ બોરવેલમાં ગરકાવ થઇ હોય તેવી આ રાજ્યની પ્રથમ ઘટના હતી.જેથી શરૂઆતમાં ટીમ પણ કઈ રીતે રેસ્ક્યુ કરવું તેના આયોજનમાં પરોવાઈ હતી. ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ સાથે વાત કરતા આ પ્રકારનો પ્રથમ કિસ્સો બન્યો હોવાનું જણાવ્યું હતું.
તો રાત્રે જ ઈન્દ્રા બોરવેલમાંથી બહાર આવી જાત મંગળવારે રાત્રે ૩ વાગ્યે બોરવેલમાં માત્ર 60 ફૂટ ઊંડે રહેલી યુવતી બહાર આવવાની તૈયારીમાં હતી.જેના કારણે આરોગ્ય અને પોલીસ ટુકડી સ્થળ પર ગોઠવાઈ ગઈ હતી. પરંતુ અચાનક હુક નીકળી જતા યુવતી ખાબકી અને બોરવેલના પાણીમાં પડી હોવાનો અવાજ આવ્યો હતો એ સાથે જ બચાવ કામગીરી કરી રહેલા લોકોને કંઈક હાથમાં આવેલું ગુમાવ્યાનો અહેસાસ થયો હતો.
કડકડતી ઠંડીમાં પણ રેસ્ક્યુ ચાલુ રખાયું વાડી વિસ્તાર હોવાથી પવન અને ઠંડીનું પ્રમાણ વધારે છતાં બચાવ કામગીરી દરમિયાન ખેતરમાં હાજર ટીમોએ આઠથી દસ જગ્યાએ તાપણુ કરી ફરજ જારી રાખી હતી.
રાજુલાથી રોબોટ મંગાવાયો ખાસ રાજુલાથી રોબોટ મંગાવાયો હતો. જે સોમવારે રાત્રે પહોચી આવ્યો હતો. આ રોબોટ બોરવેલમાં 100 ફૂટ ઊંડે સુધી જઈ શકે છે. પરંતુ યુવતી તે સમયે 300 ફૂટ પર અટકેલી હોવાથી આ રોબોટના વાયર લાંબા કરવા સાથે તેના કનેક્શન ગાડી સાથે આપી જુગાડ કરાયો હતો. છેલ્લે એવું નક્કી થયું કે, હુકથી યુવતીને બહાર કાઢવામાં આવે અને શંકા જાય તો તાત્કાલિક રોબોટને બોરવેલમાં ઉતારી દેવા તૈયાર રખાયો હતો.