સાપુતારા પોલીસે પશુઓની ગેરકાયદેસર હેરાફેરીના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બે ટેમ્પોમાંથી 18 ગાય, 2 બળદ અને 1 વાછરડીને મુક્ત કરાવ્યા છે. આ પશુઓને રાજસ્થાનથી હૈદરાબાદ લઈ જવાતા હતા.
.
પોલીસે RJ-13-GC-3461 અને PB-03-BA-7936 નંબરના બે અશોક લેલેન્ડ ટેમ્પો જપ્ત કર્યા છે. પશુઓને ટૂંકી દોરીથી બાંધીને, પાણી અને ખોરાક વગર, ખીચોખીચ ભરીને લઈ જવાતા હતા. આરોપીઓ પાસે કોઈ પાસ પરમિટ પણ નહોતા.
પકડાયેલા આરોપીઓમાં 1. વેદપ્રકાશ પોલારામ રાજપુત, 2. રામસ્વરૂપ રાધેશ્યામ રાઠોડ , 3. બનવારીલાલ જસરામ કુંભાર અને 4. શિશપાલ હનુમાન રાજપુત નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ રાજસ્થાનના વતની છે.
પોલીસે કુલ રૂ. 23,05,110નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં બે ટેમ્પો (રૂ. 20 લાખ), 18 ગાય (રૂ. 2.70 લાખ), 2 બળદ (રૂ. 20,000), 1 વાછરડી (રૂ. 1,000), 2 મોબાઈલ (રૂ. 6,000) અને રોકડ રકમ રૂ. 8,110નો સમાવેશ થાય છે.
આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ પ્રત્યે ક્રૂરતા અટકાવવાનો કાયદો 1960, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2017 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી સુરત રેન્જ IGP અને ડાંગના SP યશપાલ જગાણીયાની સૂચના મુજબ કરવામાં આવી હતી.