ફેસબુક-વ્હોટ્સએપ મારફત ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગ ટોળકીના પૈસા આ લોકોના ખાતામાં જમા થયા હતાઃ ઓડિશા પોલીસે મદદ માંગતા સાયબર ક્રાઇમ પોલીસે મૂળ અમરેલીના આરોપીને પકડયા
સુરત/ અમરેલી : ફેસબુક અને વ્હોટ્સએપ મારફતે સંપર્ક કરી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગ કરવાથી મોટો નફો થશે કહી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રૂ. 6.16 કરોડની ઠગાઇમાં ઓડિશા પોલીસે વરાછાના સભાયા પરિવારના 3 સહિત 5ને સુરત સાયબર ક્રાઈમ પોલીસની મદદથી ઝડપી લીધા હતા.ઓડિશા પોલીસે તમામના પાંચ દિવસના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલાઓમાં મૂળ અમરેલીના યુવાન, તેની પત્ની અને પિતાનો સમાવેશ થાય છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઓડિશાના કટક ખાતે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક રહીશે ફેસબુક અને વ્હોટ્સએપ મારફતે સંપર્ક કરી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગ કરવાથી મોટો નફો થશે કહી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ. 6,16,37,784 ટ્રાન્સફર કરાવી બાદમાં ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.ઠગાઈ કરનાર આરોપીઓ સુરતમાં રહેતા હોવાની માહિતીને પગલે ઓડિશા પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને એક ટીમ સુરત આવી હતી.સુરત સાયબર ક્રાઈમ પોલીસની ટીમે તેમની મદદમાં રહી વરાછા અને સરથાણા વિસ્તારમાંથી સભાયા પરિવારના ત્રણ – યુવાન, તેની પત્ની અને પિતા સહિત કુલ 5ને ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઠગાઈના ગુનામાં સભાયા પરિવારના મોભી કુમાનભાઈના બેન્ક એકાઉન્ટમાં રૂ. 70 લાખ જમા થયા હતા.તેમણે તેમાંથી રૂ. 26 લાખ પુત્રવધુ સેજલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.જયારે તેમનો પુત્ર અને સેજલનો પતિ રવિ તમામ એકાઉન્ટ સંભાળતો હતો.અન્ય બે આરોપી પારસ અને ધર્મેશના એકાઉન્ટમાં પણ પૈસા જમા થયા હતા.ઓડિશા પોલીસે તમામના પાંચ દિવસના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કોણ ઝડપાયું (1) રવિકુમાર કુમાનભાઇ સભાયા (ઉ.વ. 32) (૨) રવિકુમારની પત્ની સેજલ (ઉ.વ. 33) (3) રવિકુમારના પિતા કુમાનભાઇ રણછોડભાઇ સભાયા (ઉ.વ. 58) (ત્રણેય રહે. A-2001, શેતુબંધહાઈટસ, યોગી ચોક, વરાછા, સુરત. મુળ રહે. માધુપુર, તા. ધારી, જી.અમરેલી) (4) રત્નકલાકાર પારસ ધીરૂભાઇ જેસાણી (ઉ.વ. 32, રહે. B-64, આમ્રકુંજ સોસાયટી, પાણીની ટાંકીની પાસે, યોગી ચોક, વરાછા, સુરત. મુળ રહે.જુની કતાડ, તા.રાજુલા, જી.અમરેલી) (5) જવેલરી ડિઝાઇનીંગનું કામ કરતો ધર્મેશ નાનુભાઇ સાવલીયા (ઉ.વ. 26, રહે. 79, પટેલ પાર્ક સોસાયટી, સીમાડા સણિયા રોડ, સીમાડા ગામ, સરથાણા, સુરત. મુળ રહે.અમૃતવેલ, તા.સાવરકુંડલા, જી.અમરેલી)