દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 6 લોકોના મોત નિપજ્યા
કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ
Updated: Dec 21st, 2023
Corona Cases In Gujarat: શિયાળાની શરૂઆત સાથે દેશભરની સાથે ગુજરાતમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 6 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. આ 6 કેસ શહેરના નારણપુરા, નવરંગપુરા અને સરખેજ વિસ્તારમાં નોંધાયા છે.
કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં વધીને 11 થઈ છે. કોરોનાના કેસો ફરી સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલમાં કોરોના સામે લડવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ, બેડ અને આઇસોલેશન વોર્ડની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
આજે કયા કયા રાજ્યોમાં નોંધાયા કેસ
આજે કેરળમાં કોરોના સંક્રમિતોના 300, કર્ણાટકમાં 13, તમિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગણામાં 5, ગોવા 4, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં 2-2, આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ 1-1 કેસ નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ INSACOG લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો.