રાજકોટ સહિત રાજ્યભરમાં ગરીબોને રાશનકાર્ડ મારફત સસ્તા અનાજની દુકાનો ખાતેથી દર મહિનાના અનાજ આપવામાં આવે છે, પરંતુ ડિસેમ્બર માસમાં રાજ્યના 75 લાખ રાશનકાર્ડ ધારકો તુવેરદાળ વિહોણા રહેશે કારણકે તુવેરદાળનો જથ્થો સસ્તાની દુકાનો સુધી પહોંચાડવામાં જ આવ્યો નથી.
.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં ઝોન-1માં 20,952, ઝોન-2માં 15,282, ઝોન-3માં 13,251 અને ઝોન-4માં 17,559 રાશન કાર્ડ ધારકો છે. જ્યારે જિલ્લામાં 3,06,955 ગ્રાહકો છે. ગુજરાત રાજ્યમાં 75,26,123 રાશન કાર્ડ ધારકો છે. એક રાશન કાર્ડ દીઠ એક કિલો તુવેરદાળ આપવામાં આવે છે અને સસ્તા અનાજના દુકાનદાર દ્વારા એક કિલો તુવેર દાળ દીઠ રૂ. 50 ભરવાના હોય છે. જોકે આ વખતે તુવેરદાળનો 50% જથ્થો આવશે તેવું રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું અને હવે જથ્થો નહીં આવે તેવું જાહેર થયું છે, ત્યારે દુકાન ધારકોના નાણા પણ ફસાયા છે.
રાજકોટ જિલ્લામાં 185 સહિત રાજ્યમાં 17,000 જેટલી સસ્તા અનાજની દુકાનો છે ત્યાંથી દર મહિને ચણા, તુવેર દાળ, ચોખા, ખાંડ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. જોકે દર મહિને અનાજના વિતરણને લઈને હોબાળો થાય છે તેવામાં આ મહિને ચણાનો જથ્થો 50% છે, ત્યારે તુવેરદાળનો તો જથ્થો જ નથી આવ્યો. અનાજના ઓછા વિતરણને લઈને સસ્તા અનાજના દુકાન ધારકો વારંવાર પોતાની રજૂઆત જિલ્લા કલેકટર ઉપરાંત રાજ્ય કક્ષાએ આપે છે, પરંતુ આ સમસ્યાનો નિકાલ થતો નથી.