– ઓએનજીસી ખંભાત, હજીરા, મહેસાણામાં
– ઠગે બોગસ જોઈનિંગ લેટર અને આઈકાર્ડ આપ્યા, 2 મહિના સુધી તો પગાર પણ આપ્યો
અંકલેશ્વર : ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં કંપનીની સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં કાયમી ધોરણે ભરતી કરવાના બહાના હેઠળ ૯૦ લોકોના રૂપિયા એક ગઠિયો ચાંઉ કરી ગયો છે. ૧.૮૪ કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર થઈ ગયો છે. અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઈ છે.
અંકલેશ્વરના રહીશ અને સિક્યોરિટી સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા ઠગે અંકલેશ્વના જ ૫૦ નોકરી વાંચ્છુને ઓએનજીસી ખંભાત, હજીરા તથા મહેસાણા પ્રોજેક્ટમાં પોતાની નેશનલ ઈન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વિસ કંપનીમાં કાયમી ભરતીની લાલચ આપી દરેક પાસેથી બે – ત્રણ લાખ વસુલ કરી અંદાજે એક કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે.
અંકલેશ્વરના રહીશ ઘનશ્યામસિંહ રાજપુતે વર્ષો અગાઉ અંકલેશ્વર ઓએનજીસી પ્રોજેકટમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. જે તે સમયે પોતાની સાથે ફરજ બજાવતા અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા ઓગસ્ટ હરદેવ પાંડે વિરૂધ્ધ અંકલેશ્વર – એ ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ તેમણે દર્જ કરાવી હતી. ઓગસ્ટ પાંડે સામે તેમણે પોતાના ૫૦ લોકો તેમજ અન્ય ઠાકોરભાઈ મંગુભાઈ આહીર અને તેની સાથેના ૪૦ લોકો પાસેથી કાયમી નોકરી અપાવવાના બહાને અંદાજે ૧ કરોડ ૮૪ લાખની રકમ લીધી હતી. કંપનીના બોગસ જોઈનિંગ લેટર તથા આઈ કાર્ડ બનાવી છેતરપિંડી કરી હોવાનો અંતે ઘટસ્ફોટ થયો છે.
ઘનશ્યામના કહેવા પ્રમાણે ઓગસ્ટ પાંડેએ અગાઉ એવું જણાવ્યું હતું કે, ઓએનજીસી હજીરા તથા મહેસાણા ખાતે લાઈન વોકરની કાયમી પોસ્ટ માટે એક વ્યક્તિ દીઠ એક લાખ અને ખંભાત ખાતે માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે. આશરે ૨૨,૦૦૦ પગાર અને ઓરિએન્ટલ કંપનીનું દસ લાખનું મેડીક્લેઈમ અને ૬૦ વર્ષની કાયમી નોકરી મળશે, તેવી લાલચ આપી હતી.
પ્રારંભમાં કેટલાક લોકોને ઓગસ્ટ પાંડેએ નોકરીના જોઈનીંગ લેટર આપ્યા હતા. શરૂઆતમાં બે મહિના સુધી પગાર આવવાની શરૂઆત થઈ હતી. જેથી લોકોને વિશ્વાસ આવતો હતો. વધુને વધુ લોકો તેની વાતમાં બાદમાં આવી ગયા હતા. જો કે નોકરી શરૂ નહોતી થઈ. એ પછી તેનો ભાંડો ફૂટયો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસ કંપનીમાં મેનેજર તરીકે છે, તે દાવો ઓગસ્ટ પાંડે કરતો હતો. આ તમામ દાવા બોગસ નીકળ્યા હતા. કંપનીના સંચાલકનો સંપર્ક થતા કહ્યું હતું કે, અમારી કંપનીએ આવી કોઈ ભરતી કરી નથી. ઓ.એન.જી.સી. માં આવી કોઈ ભરતી ચાલુ નથી. ઓગસ્ટ પાંડે અમારી કંપનીમાં મેનેજર પણ નથી. લોકોને જ જોઈનીંગ અને પોસ્ટીંગ લેટરો અને આઈ. કાર્ડ આપ્યા તે પણ ખોટા છે.
આમ લોકો ઠગાયા હોવાનું ધ્યાને આવતા અંતે ઠગ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.