જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં જામનગરનું એક દંપતિ ખંડિત થયું છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કર ના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટમાં લઈ લેતાં બાઈકની સીટમાં પાછળ બેઠેલી મહિલાનું પોતાના પતિની નજર સમક્ષ જ કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતુ. જેથી ભારે ગમગીની ફેલાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી રંજનબેન કાંતિલાલ ભાઈ રાઠોડ નામની ૪૩ વર્ષની મહિલા આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં પોતાના પતિ કાંતિલાલભાઈ રાઠોડ ના બાઈક માં પાછળ બેસીને જઈ રહ્યા હતા.
જે દંપત્તિ લાલપુર બાયપાસ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કર ના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને બાઇક ફંગોળાઈ ગયું હતું.
જેમાં પાછળની સીટમાં બેઠેલા રંજનબેન કે જેઓ નીચે પટકાઇ પડ્યા હતા, અને તેમના માથા પરથી ટેન્કર ના વ્હીલ ફરી વળતાં પોતાના પતિને નજર સમક્ષ જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ભાગી છૂટ્યો હતો, જયારે મૃતકના પતિ કાંતિલાલભાઈ રાઠોડ ને નાની મોટી ઈજા થઈ હોવાથી તેઓને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનના પી.આઇ. વી.એ. રાઠોડ અને તેમની ટીમ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગઈ હતી, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.