Accident Incident : કચ્છના ગાંધીધામથી મહેસાણા જઈ રહેલાં કોરેજા પરિવારને પાટણના વારાહી નજીક અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો કારથી જતી વખતે અકસ્માત સર્જાતા એક બાળક અને દંપતી સહિત ત્રણના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાંની સાથે પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી.
એક બાળક અને દંપતી સહિત ત્રણના મોત
કચ્છના ગાંધીધામના ચુડવાથી કોરેજા પરિવારના નવ લોકો સ્કોર્પિયો કાર મારફતે મહેસાણાના ઉનાવા સ્થિત મીરાં દાતારની દરગાહ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાટણના વારાહીના બામરોલી ગામના બસ સ્ટેન્ડથી દૂર અચાનક સ્કોર્પિયો કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ઉસ્માન ઉમર કોરેજા (ઉં.વ.60) અને તેમના પત્ની ફરીદાબહેન (ઉં.વ.55)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજા પહોંચતા સાડા ત્રણ વર્ષના એક બાળકનું મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટના પગલે પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે દંપતી સહિત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા.