આજે ગુજરાતભરમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત રીતે ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશભરમાંથી
.
દ્વારકા-ડાકોર-શામળાજી… ક્યારે આપશે શ્રીજી દર્શન?
આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ ઊજવવામાં આવશે. ત્યારે દ્વારકા, શામળાજી અને ડાકોરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકરનાં દર્શનાર્થે ઊમટતા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં શ્રીજીનાં દર્શનનો સમય શું રહેશે? આવો… જાણીએ આ અહેવાલમાં…
જગતમંદિર દ્વારકા રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું છે.
દ્વારકામાં શ્રીજીનાં દર્શનના સમયમાં ફેરફાર
આગામી તા.26/08/24ને સોમવારના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવવાની હોવાથી મંદિર વહીવટદારની યાદી અનુસાર શ્રીજીનાં દર્શનના સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. સર્વે વૈષ્ણવ ભાવિકોને ઠાકોરજીનાં દર્શન સમય સારણી અનુસાર દર્શન કરવા અનુરોધ કરાયો છે.
દ્વારકામાં અલગ અલગ જાહેરનામાં
દર્શન માટે લાખો ભક્તો દ્વારકા આવવાના હોવાથી અલગ અલગ જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે એ માટે રસ્તાઓને વન-વે જાહેર કરતું, શહેરના કેટલાક વિસ્તારો ‘નો પાર્કિંગ’ તેમજ ‘પાર્કિંગ’ ઝોન તરીકે ઉપયોગમાં લેવા તેમજ વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયેલા વિસ્તારો
દ્વારકાના પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી 50 મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી 50 મીટર ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી 50 મીટર ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર 50 મીટર ત્રિજ્યામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર 100 મીટર ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઈટ સુધી 100 મીટર ત્રિજ્યા અને કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના 200 મીટર ત્રિજ્યામાં ‘નો પાર્કિંગ ઝોન’ તરીકે નિયત કરવામાં આવ્યા છે.
‘પાર્કિંગ ઝોન’ જાહેર કરાયેલા વિસ્તારો
વધુમાં વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથી ગેઈટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લું મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે ફોર-વ્હીલ, થ્રી-વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે. તંત્ર દ્વારા પરવાનગી અપાયેલાં વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલાં સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આવાં વાહનોને ફરજ પરના પોલીસ અધિકારીએ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરાવવાના રહેશે.
રસ્તાઓને વન-વે જાહેર કરતું જાહેરનામું
આ જાહેરનામા મુજબ જોધાભા ચોકથી પૂર્વ દરવાજા સુધી તેમજ ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધી (નો એન્ટ્રી) ફક્ત એક્ઝિટ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસ અધીક્ષક દ્વારા પરવાનગી અપાયેલાં વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલાં સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ.
દ્વારકા જગતમંદિર રોશનીથી ઝળહળ્યું.
વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
જન્માષ્ટમી પર્વે દ્વારકામાં ટ્રાફિક નિયમન વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી નીચે જણાવેલા રસ્તાઓ પર તમામ પ્રકારનાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે મુજબ હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક–કીર્તિસ્તંભ-દ્વારકાધીશ મંદિર તરફ, મહાજન બજારથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મ કુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, કીર્તિ સ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ ટૂ-વ્હીલ, થ્રી-વ્હીલ, ફોર-વ્હીલ તેમજ ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે. જ્યારે ધીંગેશ્વર મંદિરની સામેની શેરી દ્વારકાધીશ મંદિર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર, નીલકંઠ ચોક, દ્વારકાધીશ મંદિર તરફ આવાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે.
ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
ઇસ્કોન ગેટથી – ભથાણ ચોક – જોધાભા માણેક ચોક – દ્વારકાધીશ મંદિર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ તેમજ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં પરવાનગી અપાયેલાં વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલાં સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે, એમ એક યાદીમાં જણાવ્યું છે.
સુદર્શન સેતુ નજીક ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ
ઓખા નજીક આવેલા સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર – બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તારીખ 27 ઓગસ્ટ સુધી અમલમાં મૂકવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ વડા કચેરી દ્વારા પરવાનગી અપાયેલાં વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલાં સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ.
મિની દ્વારકા તરીકે ઓળખાતું ડાકોર
ડાકોર ‘કાળિયા ઠાકર’ની પવિત્ર ભૂમિ છે. ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થશે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ જશે. ભક્તો ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે. ત્યાર બાદ મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરાશે. આ પહેલાં પંરપરાગતનો મોટો મુગટ ભગવાન ધારણ કરવામાં આવશે. ત્યારે આવો નજર કરીએ ડાકોર મંદિરમાં નક્કી કરવામાં આવેલા શ્રીજીનાં દર્શનના સમય પર.
શામળાજીમાં 108 મટકી ફોડના કાર્યક્રમ યોજાશે
જન્માષ્ટમીના દિવસે શામળાજી યુવક મંડળ દ્વારા બપોરે 1 વાગ્યે ભવ્ય ઠાકોરજીની શોભયાત્રા કાઢવામાં આવે છે. ભગવાનને રથમાં બિરાજમાન કરી શોભાયાત્રા બેન્ડવાજા સાથે શામળાજી નગરમાં ફરે છે. આ શોભાયાત્રામાં શામળાજી યુવા મંડળ દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં 108 મટકીઓ બાંધીને શોભાયાત્રામાં જોડાયેલા યુવકો અને ભક્તો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે. દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથની વૈદિક પૂજા થતી હોય છે. સમગ્ર મંદિર પરિસરને અવનવી રોશનીથી શણગારવામાં આવે છે. આખા મંદિર ગર્ભગૃહ અને મંદિર પરિસરને આસોપાલવનાં તોરણો બાંધીને સુશોભિત કરવામાં આવે છે. ભગવાનના જન્મોત્સવ અગાઉ રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી મંદિર પરિસરમાં લાલજી મહારાજના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે. દિવસ દરમિયાન લાખો ભક્તો ભગવાન શામળિયાનાં દર્શનનો લાભ લેશે. ભગવાનનો જન્મોત્સવ રાત્રે 12 કલાકે ઊજવાશે અને મંદિરમાં પૂજારી દ્વારા શાલિગ્રામનું સોળ ઉપચાર વડે વૈદિક ભૂદેવો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે.