Massive Fire Broke Out In Selvasna : વાપીના સેલવાસના દાદરા ખાતે આવેલી કંપનીમાં આજે શનિવારની મોડી સાંજે અચાનક આગ સળગી ઉઠતા ભારે ભાગદોડ મચી હતી. જો કે, કંપનીના કર્મચારીઓ આગ લાગતા જ બહાર નિકળી જતા આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી ભીષણ આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી. જ્યારે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
સેલવાસના દાદરા ગામે કંપનીમાં લાગી ભીષણ આગ
મળતી માહિતી મુજબ, સેલવાસના દાદરા ગામે દેમણી રોડ પર જય અંબે પ્લાસ્ટિક નામક કંપની આવેલી છે. આજે શનિવારે મોડીસાંજે કંપનીમાં એકાએક આગ સળગી ઉઠી હતી. કર્મચારીઓએ આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો, પણ આગે વધુ વિકરાળ રૂપ ધારણ કરતા આખી કંપનીને લપેટમાં આવી હતી. જ્યારે ઘટનાને પગલે કર્મચારીઓ બહાર આવી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ વિકરાળ બનતા અફરાતફરી સર્જાય હતી.
સમગ્ર ઘટનાને પગલે સેલવાસ, ખાનવેલ, વાપી, દમણ સહિતના વિસ્તારમાંથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. ઘટનાની જાણ થતા દાદરા પોલીસ મથકના અધિકારી સહિત ટીમ પણ દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક નિયમનની કામગીરી આદરી હતી. જો કે, કયા કારણોસર આગ લાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ભીષણ આગને પગલે કંપનીમાં તૈયાર માલ અને રોમટિરીયલ તેમજ મશીનરી બળીને ખાખ થતા કંપનીને ભારે નુકસાનનો અંદાજ આંકવામાં આવ્યો છે.