છઠ્ઠી ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ. આજ રોજ કોર્ટ રોડ પર આવેલા હોમગાર્ડ કચેરી ખાતે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભરમાંથી હોમગાર્ડસમાં ફરજ બજાવતા યુવાનોએ આ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો
.
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સાથે જ હોમગાર્ડ જવાન પણ દિવસ અને રાત ફરજ બજાવતા હોય છે અને લોકોની સુરક્ષાની જવાબદારી લેતા હોય છે. આજે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પમાં 100 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. જિલ્લા ભરના હોમગાર્ડ કર્મચારીઓ આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં એકત્રિત કરેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતના કેસોમાં ઉપયોગ આવે તેને લઈ સિવિલ હોસ્પિટલને રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું.
માળીયાહાટીના હોમગાર્ડ કમાન્ડર કનકસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, આજે 6 ડિસેમ્બરના હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા હોમગાર્ડ કમાન્ડર યોગેશ ડોબરીયા ના માર્ગદર્શન નીચે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોથી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના તમામ હોમગાર્ડસ ના યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. તેમજ જૂનાગઢ જિલ્લાના જે હોમગાર્ડ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે તેને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ લોહીની બોટલો સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. જેથી કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ શકાય તેવા હેતુથી આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.