.
સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી યુવાને નદીમાં ઝંપલાવતા ડુબી જતા મોત થયુ છે. નરોલીના હવેલી ફળિયામાં રહેતા 55 વર્ષીય નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ રવિવારે બપોરે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના એમનું મોપેડ લઇ નીકળી ગયા હતા. દમણગંગા નદીના પુલ નજીક મોપેડ પાર્ક કરી દોડતા દોડતા આવી ચપ્પલ ઉતારી દીવાલ પર ચડી નદીમા ઝંપલાવી દીધુ હતું. આમને દોડતા જોતા ત્યા ફરજ પરના હોમગાર્ડ બૂમ પાડી પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ હાથમાં આવ્યા ના હતા. હોમગાર્ડે 112 નંબર પર ફોન કરી જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અડધા કલાકની જેહમત બાદ નરેન્દ્રભાઈને શોધી કાઢ્યા હતા. નદીના કિનારે લાવી પીસીઆર આપવાનો પણ પ્રયાસ કરેલ પણ તેઓને બચાવી શકાયા ના હતા. નરેન્દ્રભાઈ ક્યા કારણસર આ પગલુ ભર્યું એ જાણી શકાયુ નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.
સ્યુસાઇડ પોઇન્ટ બનતા જાળી લગાવો સેલવાસ નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત થઈ રહ્યો છે. આ અગાઉ પણ અનેક વખત આ પુલ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી હોવાની બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી વધુ એક બનાવ બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી છે. દમણગંગા નદીના પુલ પરથી આત્મહત્યાના વારંવાર કિસ્સાઓ બનતા વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રશાસનને પુલની બન્ને બાજુએ જાળી લગાવવા માટે વારંવાર રજુઆત કરી છે. પરંતુ પ્રશાસન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતુ નથી.