શિયાળો આવતાની સાથે જ નલિયામાં ઠંડી કેટલી છે એ વાત તમે સમાચારો થકી જોઇ-સાંભળી હશે. હવામાન વિભાગને પણ ખાસ પૂછવામાં આવે છે કે નલિયાનું તાપમાન કેટલું છે? કારણ કે નલિયામાં નોંધાયેલા આંકડાથી જ આખું ગુજરાત અંદાજો લગાવે છે કે આ વખતે કેવી ઠંડી જામી કહેવાય! જ્
.
હું છું નલિયા, ગુજરાતની ઠંડીનું એપિસેન્ટર… ઠંડી અને મારે બહુ જૂનો સંબંધ છે. છેલ્લા 60 વર્ષોથી હું ઠુંઠવાઉં છું. ફક્ત હું જ નહીં મેં જેને આશરો આપ્યો છે એ મારા નગરજનો પણ કડકડતી ઠંડી અનુભવે છે. ગુજરાતના અન્ય શહેરો કરતાં મારી તાસીર જરા અલગ છે. ઘડિયાળના કાંટે નહીં પણ સૂર્યના અજવાળે ધમધમતું અને શાંત પડતું નગર એટલે હું.
ઠંડી આવે એટલે મારૂં નામ ગુજરાતના અખબારો, ટીવી ચેનલો અને લોકોના મુખે ચડે. મને થયું કે ઉપરછલ્લી વાતો કરતાં આજે હું જ તમને મારી ઠંડીની સફર કરાવું અને મારી સાંજથી સવાર કેવી રીતે પડે છે તેનો ચિતાર આપું.
સૂર્યાસ્ત થતાં જ મારી પ્રજા પોતાના ઘર તરફ જવાની તૈયારી કરવા લાગે છે. શિયાળાની રાતમાં બહાર નીકળીને ઠંડીનો અનુભવ કરનારા મારા લોકો ખૂબ ઓછા છે. હજુ તો રાત્રે આઠ પણ વાગ્યા નથી છતાં મારામાં મધરાત જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે.
સૂર્યાસ્ત થતાં જ ચહલ પહલ ઘટી જાય છે
મારે ત્યાં ટકિયા ચોકમાં એક રામજી મંદિર આવેલું છે. તેની બાજુમાં જ પાનની જૂનવાણી દુકાન છે. એના માલિક છે રાજેશ ખત્રી. માથે ટોપી, શાલ, સ્વેટરમાં સજ્જ થયેલા રાજેશભાઇએ ઠંડી સામેની તમામ તૈયારીઓ કરી લીધી છે. મારા વિશે અને અહીં પડતી ઠંડી વિશે તેઓ શું કહે છે તે વાંચો.
‘મારી દુકાનને 80 વર્ષ થઈ ગયા છે. મારા પરદાદા, દાદા, બાપુજી, ભાઈ બધા આ દુકાને બેસતા હતા. અત્યારે હું દુકાન ચલાવું છું. નલિયાને અમે વર્ષોથી જોતા આવ્યા છીએ. એટલે જ કહું છું… ગુજરાતમાં ઠંડીનું મુખ્યમથક નલિયા છે. ઠંડીમાં અહીંયાં કાશ્મીર જેવું થઈ જાય છે. પંદરેક વર્ષ પહેલાં 4 ડિગ્રી ઠંડી સુધી તાપમાન પહોંચી જતું હતું. હમણા પણ ઠંડી ઘણી પડી રહી છે. એટલે જ રાત્રે સાડા દસ વાગતામાં તો દુકાન બંધ કરી દેવી પડી છે. લોકો ઘરની બહાર નીકળતા નથી એટલે અમારા ધંધા પર પણ અસર પડે છે. પહેલા એવું હતું કે લોકો આવી મોસમમાં પાનના ગલ્લે ભેગા થાય, તાપણાં કરે. પણ હવે તો મોબાઇલ યુગ આવી ગયો છે, એટલે એકલા પડતા નથી, ઘરમાં બેસી રહે તો પણ મિત્રોની ખોટ જણાતી નથી. અમારું નલિયા આટલું બદલાયું છે.’
ટકિયા ચોકમાં આવેલું રામજી મંદિર
મારે ત્યાં વિનોદભાઈ ઠાકર નામના એક દુકાનદાર છે. તે સસ્તા અનાજની દુકાન ચલાવે છે. 25 વર્ષ પહેલાં જે ઠંડીએ મને ધ્રુજાવ્યું હતું તેનો ઉલ્લેખ વિનોદભાઇ કરે છે.
‘કદાચ પચ્ચીસેક વર્ષ પહેલાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડી પડી હતી. ગઈ સાલ પણ એટલી ઠંડી હતી કે વાડીઓમાં અને વાહનો પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. હાથથી ઉખેડી શકીએ એવો બરફ જામી ગયો હતો. પાણીના પંપમાંથી બરફ નીકળતો હોય એવા વીડિયો પણ ફરતા થયા હતા અને સમાચારોમાં પણ આવ્યું હતું. આ વર્ષે પણ સારી ઠંડી પડી છે. પણ હજુ વધશે. ઠંડી મોલ (ખેતરનો પાક) માટે સારામાં સારી છે. લાગે છે આ વખતે ઘઉં-ચણાનો ઉતારો સારો આવશે. ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે. લોકો પણ ઠંડી માણી રહ્યા છે. અન્ય વિસ્તારના લોકોએ પણ નલિયા આવીને આવી ઠંડીનો અનુભવ લેવો જોઈએ. પ્રવાસન પણ વધે ને.’
જૂના સમયની પાનની દુકાન
ધીરે-ધીરે બજારો હવે બંધ થઇ રહી છે. બે વેપારીઓ દુકાનનું શટર પાડી રહ્યા હતા. તેમાંના એક જગદીશ સોમૈયા લોકોની ઘટેલી અવરજવર પાછળ ઠંડીને જવાબદાર ગણે છે. કહે છે, આજકાલ તો સવારથી લઇને સાંજ સુધી દુકાન આગળ તાપણું રાખવું પડે છે. સામાન્ય દિવસોમાં અમે સવારે 6 વાગતામાં જ દુકાન ખોલી નાંખીએ છીએ. પણ ઠંડી વધારે છે એટલે 8 વાગ્યા પછી જ દુકાનદારો ઘરની બહાર નીકળે છે. વળી, રાતના 8 વાગતામાં તો દુકાન બંધ કરીને બધા ઘરભેગા થઈ જાય. ગામના માણસો પણ કોઇ નીકળતા નથી એટલી ઠંડી છે.
સમય રાત્રે 11 વાગ્યાનો
હવે હું એકદમ શાંત થઇ ગયું છે. મારી બજારો સૂમસામ છે. રસ્તા પર કોઈ વાહન દોડતું નથી જોવા મળતું. આવા સમયે કેટલાક મિત્રો એક દુકાનના ઓટલા નજીક તાપણું કરીને મહેફિલ જમાવીને બેઠાં હતા.
રાત પડતાં જ સન્નાટો જોવા મળે છે
એક યુવક ઠંડીથી બચવા માટે પોતાના માથા પર કંઈક અલગ જ પ્રકારનું કાપડ પાઘડીની જેમ બાંધીને બેઠો હતો. એ કાપડ હતું અજરક. જે મૂળ સિંધમાં વણાતું કપડું છે. પરંતુ ભાગલા પછી આ સંસ્કૃતિ કચ્છમાં વિકસી અને અત્યારે પણ મારી બજારમાં આવું કાપડ મળી જાય છે. દેખાવે રૂડું, સ્પર્શથી મુલાયમ અને કાપડ ગરમ પણ ખરું!!!
અહીં તાપણું કરનારા લોકો ફક્ત મારી ઠંડી જ નહીં પણ ગરમીની વાતોને પણ વાગોળે છે.
દીપક ઠક્કરે કહ્યું, નલિયામાં ઘરની બહાર બેઠક જમાવવી હોય તો તાપણું કર્યા વગર છૂટકો જ નથી. ઠંડીની અસર પશુપાલન પર પણ થાય છે. ઢોર દૂધ ઓછું આપવા લાગે છે. આખા ગુજરાતમાં શિયાળા વખતે નલિયામાં જ ઠંડી વધારે હોય છે. પણ જ્યારે ઉનાળો આવે ત્યારે પણ ખૂબ આકરો તાપ પડે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં આવું નથી થતું. ઉનાળો શરૂ થતાં જ ગરમી 40-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જ્યારે શિયાળામાં પારો 4-5 ડિગ્રી આસપાસ પહોંચતો હોય છે. 5-7 વર્ષ પહેલા ખૂબ ઠંડી પડી હતી. એવા પણ દાખલા છે કે નલિયામાં પાણીના નળ જામી ગયા હોય અને બરફ નીકળ્યો હોય. આ વખતે પણ છેલ્લા અઠવાડિયાથી ઠંડી વધી છે અને હજુ 2-4 દિવસમાં વધશે એવું લાગે છે.
કેટલાક મિત્રોએ ઠંડીથી રાહત મેળવવા તાપણું કર્યું હતું
મારી વિશે બધાના મોઢે ઘણી જાણી-અજાણી રસપ્રદ વાતો હતી. જેમ જેમ તાપણાંનો તાપ જામતો ગયો તેમ તેમ મહેફિલ પણ જામી પડી.
દીપક ઠક્કરની બાજુમાં દીપ સોલંકી નામનો તેનો મિત્ર હતો. બોલ્યો, છેલ્લા આઠ દિવસમાં નલિયા ગામમાં ઠંડી એટલી વધી છે કે લોકોનું રૂટિન ચેન્જ થઇ ગયું છે. નલિયાની આસપાસમાં 32 ગામડાં છે. જે કામ ધંધા માટે સવારના 7 વાગતા સુધીમાં નલિયા આવી જતા હોય છે પણ અત્યારે તો હાલત એવી છે કે 11 વાગ્યે પણ માર્કેટમાં માણસો દેખાતા નથી. કામના કલાકો ઘટી ગયા છે.
મારા પ્રવેશદ્વાર કહી શકાય એવા બજાર ચોકમાં એક ચાની કિટલી પર થોડી ભીડ છે. દુકાનની બહાર જ મોટા તપેલામાં ચા ઉકળી રહી હતી. કેટલાક જુવાનિયા સાતેક ખુરસી ગોઠવીને પવનના સૂસવાટા વચ્ચે બેઠા હતા, ચાની રાહ જોવાતી હતી.
ચાની કિટલીએ ભેગા થયેલા યુવાનો
મારૂં નામ લેવાથી જ ઠંડીની યાદ આવી જાય, જ્યાં 4 ડિગ્રી તાપમાન હોવા છતાં કેટલાક લોકો ખૂબ સામાન્ય કપડામાં ફરતા હતા. આ વાત કોઇના પણ ધ્યાને આવ્યા વગર રહે નહીં.
સામાન્ય જેકેટ પહેરીને ચાની કિટલી પાસે ઉભેલા હિતેશ ઠક્કર નામના મારા નગરજન કહે છે
‘ઠંડી ઓછી નથી પણ આદત પડી ગઈ છે. શિયાળામાં 6 ડિગ્રીની આસપાસ તો તાપમાન હોય જ. અત્યારે 4 ડિગ્રીએ પહોંચ્યું હશે. નલિયામાં કેટલાક દિવસથી તડકો પડ્યો નથી. દિવસભર વાદળા જ હોય છે. સવાર પડ્યા પછી રાત જ આવી જાય છે, બપોરનો તો અહેસાસ જ નથી થતો.’
ચાની કીટલી ચલાવતા રઘુવીરસિંહ જાડેજા કહે છે કે ધંધા પર ઠંડીની અસર પડી છે. બોલ્યા, અમે અહીંયાં રક્ષાબંધનના દિવસે ઓપનિંગ કર્યું હતું. ઠંડી સારી છે. રાતે હવે ઓછા લોકો નીકળે છે. નહીં તો 3-4 વાગ્યા સુધી અમારે ત્યાં રોજની 200-300 આવે છે. પણ હવે ઠંડીમાં 100 લોકો આવતા હોય છે. ધંધા પર ઠંડીની અસર તો પડી છે. સામાન્ય દિવસોમાં 15 હજાર અને ઓનલાઈન 7 હજારનો ધંધો થતો હતો. પણ અત્યારે ઘણું ઘટી ગયું છે.
‘સામે દેખાય છે એ બધા બાવળમાં સવારના પહોરમાં બરફ જામી જાય છે. એકેય બાવળ લીલા રંગના નથી દેખાતા. અત્યારે રાતના સાડા બાર વાગ્યા સુધી જ દુકાન ચલાવીએ છીએ. એક નહીં પણ 3 જેકેટ પહેરવા પડે છે.’
જેમ જેમ રાતનો રંગ જામતો જાય છે તેમ તેમ ઠંડી પણ પોતાનો પ્રકોપ બતાવી રહી છે. હાડ થીજવતી ઠંડીમાં જાણે કે હું પણ ટુંટિયું વાળીને સૂઇ ગયું છું.
નલિયાની રાતનું એક દ્રશ્ય
સૂરજની પહેલી કિરણ મારામાં એક નવી જ ઊર્જા ભરી દે છે, ઠંડી સામે બાથ ભીડવા હું અને મારી પ્રજા ફરીથી સજ્જ થઇ રહ્યા છીએ.
ધીરે-ધીરે અજવાળા સાથે લોકોની ચહલપહલ પણ શરૂ થવા લાગી છે. રાતના સમયે ઘણા એવા લોકો હતા કે જેનું ઠંડીના કારણે રૂટિન બદલાઈ ગયું છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે જે ગમે તે મોસમ હોય પણ ઘડિયાળના કાંટે જ કામ કરતા હોય છે.
આવા જ એક ધંધાદારી એટલે ઇરફાનભાઈ. જે વર્ષોથી દૂધનું વેચાણ કરે છે. તેમનો અનુભવ વાંચો.
‘સવારે સવા ચાર વાગ્યે દૂધની ગાડી આવી જાય છે. શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું…ગમે એ ઋતુ હોય, હું રોજ સવારે સાડા ચાર વાગ્યે અહીંયાં પહોંચી જાઉં છું. ફરજિયાત સાડા ચાર વાગ્યે આવવું જ પડે. મોડો પડું તો બીજા ઘણા લોકો રખડી પડે. દુકાનની બહાર દૂધનો સ્ટોક વ્યવસ્થિત ગોઠવતા ઇરફાનભાઈ આટલું એક શ્વાસે બોલે છે.’
પછી દુકાનની અંદર જતા કહે છે, અત્યારે ઠંડી વધારે છે અને ટી શર્ટ જ પહેરી છે એટલે ઝાઝી લાગે છે પણ દુકાનમાં હીટર ચાલુ રાખ્યું છે.
એક જગ્યાએ ચાર લોકો જરા અલગ પ્રકારનું તાપણું કરીને બેઠાં હતા. સામાન્ય રીતે લુહાર લોખંડને તપાવવા માટે જે ચકરીને ગોળ ફેરવે અને તેમાંથી નીકળતી હવા કોલસાને ઓક્સિજન આપીને સળગાવે, એ જ ચકરીથી મારા નગરજનો તાપણું કરી રહ્યા હતા. જો કે તેઓ કોલસાને બદલે લાકડાં જ સળગાવી રહ્યા હતા. સવારના પહોરમાં એક દાદા તેમના પૌત્રને સ્કૂલ બસ સુધી મૂકવા માટે આવ્યા હતા. ઠંડીનું જોર એટલું હતું કે રોડ પાસે કરેલા આ તાપણાં નજીક બેસીને બસની રાહ જોવા લાગ્યા.
બોલ્યા, ઠંડી તો વધારે છે. બાળકોને ઘરની બહાર કાઢવાનો જીવ પણ નથી ચાલતો. પણ એમના ફ્યૂચર માટે કરવું તો પડે ને.
સવાર-સવારમાં મારા નગરની ઘણી દુકાનો બંધ હતી એવા સમયે પાનની એક દુકાન ખુલી ગઈ હતી. દુકાનદાર મુકુંદભાઈને સવારે સાડા છ વાગ્યે જાગવાની ટેવ છે. એટલે તે દુકાને વહેલા આવી જાય છે. બાજુમાં એસટી સ્ટેન્ડ છે એટલે વહેલી સવારે પેસેન્જર આવે, જેથી ઘરાકી પણ થઈ જાય છે. મુકુંદભાઇ 25 વર્ષ પહેલાંની વાતને યાદ કરે છે.
‘ઠંડી તો 20-25 વર્ષ પહેલાં અતિશય પડતી હતી. એની સરખામણીએ હાલ ઓછી કહેવાય.’
સવારે સ્કૂલે જતી વિદ્યાર્થિનીઓ
મુકુંદભાઈની પાનની દુકાનથી નજીક જ બસ સ્ટેશન છે. સવારના સાત વાગી ચૂક્યા હતા. બસ સ્ટેશનમાં પણ ઠંડીના ચમકારાની અસર તો પહેલી નજરે જ જોવા મળે. પવનના સૂસવાટા ન નડે એ રીતે જગ્યા શોધીને લોકો બસની રાહ જોઈ રહ્યા હતા. મુસાફરોની સંખ્યા પણ જૂજ હતી.
એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરો તો ઓછા હતા પણ કેન્ટીન ચાલુ હતી. કેન્ટીન ચલાવતા રમજુભાઈ સુમરા સાડા ચાર વાગ્યે ઊઠીને પોણા છ વાગ્યે કેન્ટીન ચાલુ કરી દે છે. આ તેમનો રેગ્યુલર સમય છે અને હું તેનું સાક્ષી છું.
ઠંડીના કારણે તેમનો ધંધો 50 ટકા થઈ ગયો છે. સામાન્ય રીતે રોજનો ગલ્લો છથી સાત હજારનો થતો હોય છે. પરંતુ ઠંડી શરૂ થઈ ત્યારથી મુસાફરો ઘટવા લાગ્યા અને તેમની આવક 3500-4000 જેવી થઈ ગઈ છે. ઠંડીમાં હવે દિવસના 40 ટકા માણસો પણ નથી આવતા. જેમ કે રાપરથી નારાયણ સરોવર અને ત્યાંથી ફરી રાપરની બસ આવે છે. સવારે 7 વાગ્યે એ બસ નલિયાથી ઉપડે છે. એમાં કાયમ 35થી 40 પેસેન્જર હોય પણ હમણાંથી ઠંડીના કારણે 15 થી 18 પેસેન્જર માંડ આવે છે, આવી સ્થિતિ છે.
મારા બસ સ્ટેન્ડમાં વહેલી સવારે સૌથી પહેલી બસ 4 વાગીને 40 મિનિટે ઉપડે છે. જ્યારે રાત્રે છેલ્લી બસ સાડા નવ વાગ્યે આવે છે.
નલિયાના બસ સ્ટેન્ડમાં મુસાફરોની સંખ્યા ઘટી છે
એસટી બસ સ્ટેન્ડના ટ્રાફિક કન્ટ્રોલર ઉમેશ જોશી ઠંડી અને ટ્રાફિકની વાતને સારી રીતે રજૂ કરી શકે છે.
‘નલિયામાં વધુ ઠંડી પડતી હોવાથી ટ્રાફિક પર થોડી અસર પડે છે. ગામડામાં રહેતી પ્રજા જેમ કે વિધાર્થીઓ, નોકરિયાત તો રેગ્યુલર આવતા જ હોય છે. પણ લાંબી મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ઘટી જાય છે. સામાન્ય રીતે 100 આવતા હોય તો શિયાળામાં 60 લોકો આવે. છતાં બસો તો બધી રેગ્યુલર સમયે જ ઊપડે. કર્મચારીઓ તો પોતાની ફરજ પર આવી જ જાય છે.’
આ હતા મારા નગરજનોના અનુભવ અને આ હતી સાંજમાંથી રાત અને રાતમાંથી સવારની મારી સફર. આશા રાખું છું કે તમને મારી આ સફર ગમી હશે.