સુરેન્દ્રનગરમાં હીટ એન્ડ રનના બનાવો દિવસે દિવસે વધી રહ્યાછે. તેવામાં બેફામ કારચાલક દ્વારા અકસ્માત સર્જવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જોરાવરનગર રોડ પર કારચાલકે ચાલીને જતા યુવકને અડફેટે લેતાં યુવક કાર અને થાંભલાની વચ્ચે અથડાઇને ઢળી પડ્યો હતો.
.
યુવક કાર અને થાંભલાની વચ્ચે આવી ગયો મળતી માહિતી મુજબ જોરાવરનગર રતનપરના કોઝવે રોડ પરથી માહિર દીપભાઇ ડોડિયા નામનો કારચાલક પૂરપાટ ઝડપે નીકળ્યો હતો. માતૃશ્રી કોમ્પલેક્ષ પાસે અન્ડરબ્રિજ નજીક કારનો કાબૂ ગુમાવતા રસ્તે ચાલતા યુવક વિજય પાટડિયાને અડફેટે લીધો હતો. કારે ટક્કર મારતા યુવક કાર અને થાંભલાની વચ્ચે અથડાયો હતો અને ઢળી પડ્યો હતો. કારની ઝડપ વધુ હોવાથી અકસ્માત બાદ કાર દુકાનમાં ઓટલા સાથે અથડાઇ હતી. બનાવ બાદ લોકોના ટોળા રસ્તા પર ઊમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કારચાલક માહિર ડોડિયાને ઝડપી લીધો હતો.
અકસ્માત બાદ કાર દુકાનમાં ઓટલા સાથે અથડાઇ.
પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહદારી યુવક વિજયભાઇ ધનજીભાઇ પાટડિયાને સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેમાં એનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જોરાવરનગર પોલીસે સ્થળ પરથી અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક વિજય ધનજીભાઇ પાટડિયા.
બીજો યુવક મરતા મરતા બચ્યો આ ગોઝારા અકસ્માતના સામે આવેલા સીસીટીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, માતૃશ્રી કોમ્પલેક્ષ પાસે બે યુવક રોડ પર ચાલતા ચાલતા જાય છે, ત્યારે સામેથી આતી કાર અચાનક આડી થઇને ઢસડાય છે. એ જોઇને બંને યુવકો બચવાનો પ્રયત્ન કરે છે. જેમાં એક યુવક દુકાન બાજુ ભાગે છે, જે કાર અને થાંભલા વચ્ચે આવી જાય છે. જ્યારે અન્ય યુવક સામેની બાજુ ભાગે છે. જેથી તે થોડા માટે રહી જાય છે. જો એ યુવક પણ દુકાન બાજુ ભાગ્યો હોત તો કદાચ એના જીવને પણ જોખમ હતું. બેફામ કારની ટક્કરે એક બાઇક પણ પડી જતું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે.