છેલ્લા ૨૦ દિવસમાં પીસીબી પોલીસે ૧.૦૭ કરોડનો દારૃ પકડયો
Updated: Dec 19th, 2023
વડોદરા,હાલોલથી અમદાવાદ લઇ જવાતો ૨૦.૮૩ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રકને પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી પકડી પાડી હતી.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, દારૃ ભરેલી ટ્રક હાલોલ તરફથી અમદાવાદ તરફ જવાની છે. અને આ ટ્રક થોડીવારમાં ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાની છે. જેથી, પી.આઇ.એસ.ડી.રાતડાની સૂચના મુજબ, પી.એસ.આઇ. એસ.આર.પટેલ તથા સ્ટાફે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસે ટ્રકને રોકી તપાસ કરતા વેસ્ટ કોટન રેપર્સની આડમાં ભરેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસેેે ટ્રક ડ્રાઇવર અફઝલ ઝાકીરહુસેન મેવ ( રહે. ઢાકલપુર ગામ, રસોલીયા મહોલ્લો મસ્જિદ પાસે, તા. હાથીન, જિ.પલવલ, હરિયાણા) ની ધરપકડ કરી હતી. જ્યારે અઝરૃદ્દીન નિયામતઅલી મેવ ( રહે. ઢાકલુપર) ને વોનટેડ જાહેર કર્યો છે.
પોલીસે દારૃની ૬,૩૬૦ બોટલ કિંમત રૃપિયા ૨૦.૮૩ લાખ, ૧૦ લાખની ટ્રક સહિત કુલ રૃપિયા ૩૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પીસીબી પોલીસે છેલ્લા ૨૦ દિવસમાં દારૃની ૮૭,૮૧૬ બોટલ કિંમત રૃપિયા ૧.૦૭ કરોડનો કબજે કર્યો હતો.