‘કુછ તો ગડબડ હૈ દયા….’ બાળકોથી લઈને મોટેરાઓ સુધી દેશનાં દરેક ઘરમાં કોઈને કોઈ આ ડાયલોગનું અને CID, ક્રાઈમ પેટ્રોલ જેવાં શો નું દિવાનું હશે જ… ગુનેગારોને પકડવાની આ કહાનીઓ જોઈને દરેકને એવું લાગતું હશે કે આપણે મિસ્ટ્રી સોલ્વ કરવામાં એક્સપર્ટ છીએ. પણ આવી
.
પરંતુ હવે તમે પણ CIDના ACP પ્રત્યુમનની જેમ ગુનેગારની શોધખોળ કરવામાં તમારું ટેલેન્ટ અજમાવી શકો છો. આ મોકો મળશે અમદાવાદની યુનિક ‘મર્ડર મિસ્ટ્રી’ ગેમ રમી ને… છે ને મજેદાર વાત. ચાલો આ ગેમ વિશે અને તેને રમવાની મોજ વિશે તમને વિસ્તારથી સમજાવીએ…
મર્ડર મિસ્ટ્રી ગેમ હાલ અમદાવાદમાં ટ્રેન્ડ થઈ રહી છે. એક મહિના પહેલાં જ શરૂ થયેલી ગેમ પાછળ યુવાનો ઘેલા થયા છે. આ ગેમ એકસાથે 15 થી 25 લોકો માણી શકે છે.
વેલા પંડ્યાએ આ નવો ટ્રેન્ડ શરૂ કર્યો
આ ગેમ શરૂ કરનાર વેલા પંડ્યા જણાવે છે કે, હું 20 વર્ષની હતી ત્યારથી મર્ડર મિસ્ટ્રી લખું છું. આ ગેમ પહેલાં હું મારા મિત્રો સાથે રમતી હતી. મને મારા મિત્રો તરફથી ખુબ સારો રિસ્પોન્સ મળ્યો જે પછીથી મેં આ ગેમ ઓર્ગેનાઈઝ કરવાની શરૂ કરી. આ ગેમની મજા એ છે કે નવા નવા લોકો એકબીજાને મળે છે. સરળતાથી એકબીજા સાથે ભળી જાય છે અને નવા દોસ્તી બંધાય છે
આ મર્ડર મિસ્ટ્રી ગેમ છે શું?
આ ગેમને સરળભાષામાં સમજીએ તો,આ ગેમ રમનારા દરેક વ્યક્તિ જે તે ઘટનાનું એક પાત્ર ભજવે છે. આ ગેમ રમનારમાંથી જ કોઈને ખૂનીનું પાત્ર પણ આપવામાં આવે છે. આ ગેમ ઘટનાને અનુકૂળ જગ્યાએ જ રમાડવામાં આવે છે. ગેમ દરમિયાન ખૂની સિવાયના દરેક પાત્રએ ખૂની શોધવાનો હોય છે. અને જેને ખૂનીનો રોલ મળ્યો છે તેને ગમે તેમ કરી લોકોને પોતે ખૂની છે તેની જાણ કે તે અંગે વહેમ ન જાય તેવો પ્રયત્ન કરવાનો હોય છે. ગેમમાં ટ્વીસ્ટ એ છે કે, જે વ્યક્તિ ખૂનીનું પાત્ર ભજવતો હશે તેને ખુદને પણ ત્રીજા રાઉન્ડમાં જ કહેવામાં આવશે કે તે ખુની છે.
ગેમ કેવી રીતે રમવામાં આવે છે?
આ ગેમમાં ત્રણ રાઉન્ડ હોય છે. ગેમ શરૂ થાય તે પહેલા ઈન્ટ્રોડક્શન રાઉન્ડ હોય છે. જેમાં દરેકને પોતાના પાત્રની બ્રિફ મળે છે. તેમને ક્યું પાત્ર ભજવવાનું છે. એ પાત્રનું વ્ચક્તિત્વ કેવું છે વગેરે પ્રકારની દરેક જરૂરી માહિતી તેમને આપવામાં આવે છે.
પહેલાં રાઉન્ડમાં દરેકને ક્રાઈમ સીન અંગે 50% જેટલી માહિતી આપવામાં આવે છે અને કેટલાંક ટાસ્ક આપવામાં આવે છે. જેમાં તેમણે બાકીના સ્પર્ધકને મળવાનું હોય છે અને તેમનાં વિશેની નાનામાં નાની માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. ટૂંકમાં ગેમના એટલે કે ક્રાઈમની ઘટનામાં ભાગીદાર દરેક પાત્રને સારી રીતે સમજવાનું હોય છે
બીજા રાઉન્ડમાં ક્રાઈમ સીન અંગે બાકીનું વર્ણન કરવામાં આવે છે. આ સાથે કેટલાંક ટાસ્ક આપવામાં આવે છે. બીજા રાઉન્ડનું મજેદાર ટાસ્ક એ છે કે બીજા સ્પર્ધકોને મિસ લીડ કરવાનાં. એટલે કે તેમને સાચી માહિતીથી દૂર રાખવાનો પ્રયત્ન કરવાનો. આ સાથે દરેકે ખૂની કોણ હોઈ શકે છે તે અંગે પોતાની શોધખોળ તો શરૂ જ રાખવાની છે.
ત્રીજા રાઉન્ડમાં મર્ડરની ઘટનાનો ફોરેન્સિક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. આ રિપોર્ટની માહિતી ગેમની મિસ્ટ્રી સોલ્વ કરવામાં મદદરૂપ હોઈ શકે છે. આ સાથે આ ગેમનું એક વ્યક્તિ એ પોતે ખૂની હશે તે વ્યક્તિને જાણ કરી દેવામાં આવે છે કે તમે જ ખૂની છો પરંતુ લોકોને એ વાતની ખબર ન પડે તેનું ધ્યાન રાખવાનું છે. જો કોઈને શંકા હોય તો તેમને ભરમાવવાનું કામ કરવાનું છે.
આ રાઉન્ડનાં અંતે દરેક વ્યક્તિ પોતાને જે ખૂની લાગતો હોય તેનો ખુલાસો કરે છે. જે-તે વ્યક્તિ ખૂની છે તે શેના પરથી લાગ્યું તે પણ જણાવવાનું હોય છે. દરેક વ્યક્તિ આ રીતે પોતાનું અનુમાન લગાવે છે. છેલ્લે વોટિેંગ થાય છે અને કોણ સાચું છે તેની માહિતી આપવામાં આવે છે.
ગેમની ફી શું છે? કેટલી સુવિધાઓ આપવામાં આવે છે?
આ ગેમની ફી 1200 રૂપિયા રાખવામાં આવી છે. આ ગેમએ ફન અને ફૂડનું કોમ્બિનેશન છે. એટલે કે ગેમમાં પાર્ટિશિપેટ કરનારને ફૂડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ફૂડ એ પ્રકારનું રાખવામાં આવે છે કે ગેમ રમતાં રમતાં તમે તેનો સ્વાદ માણી શકો અને તમે બન્ને કામ એકસાથે કરી શકો. આ ગેમનું અનાઉન્સ્ટમેન્ટ અને રજીસ્ટ્રેશન @mystriesbyvela પેજ પર કરવામાં આવે છે. જ્યાં ગેમ રમાય છે તે જગ્યાને ક્રાઈમ સીન બનાવી દેવામાં આવે છે. આ ગેમ દર અઠવાડિયે યોજાય છે. દર અઠવાડિયે અલગ થીમ અને અલગ ક્રાઈમ સ્ટોરી રાખવામાં આવે છે જેથી દરેક વખતે લોકોને નવો અનુભવ મળે.
‘પહેલાં થતું કે હું ખૂબ સારો ડિટેક્ટિવ છું હવે શંકા છે’
કરણ મોટવાણી જ્વેલરીનો બિઝનેસ કરે છે. તેઓ આ ગેમ અંગે કહે છે કે મને મારા મિત્ર દ્વારા આ ગેમ વિશે જાણવા મળ્યું હતું. આ ગેમ અંગે જાણ્યા બાદ હું આ ગેમને લઈ ખુબ એક્સાઈટેડ હતો કારણ કે, મને બાળપણથી જ મર્ડર મિસ્ટ્રીમાં ખુબ મજા પડે છે. ખરેખર આ ગેમ રમવાની ખૂબ મજા પડે છે. આ ગેમના કારણે એક જ પ્રકારની પસંદ ધરાવતા લોકોનું નવું સર્કલ બને છે. સરસ મજાના નવા મિત્રો પણ મળે છે. જો તમારી સ્કૂલ અને કોલેજ પતી ગઈ છે અને તમારે કોઈ રસપ્રદ એક્ટિવીટી કરવી છે તો મારા મતે મર્ડર મિસ્ટ્રી ગેમ બેસ્ટ ઓપ્શન છે. જેને ડિટેક્ટિવ બનવાનો રસ છે તેને ચોક્કસ ટ્રાય કરવો જોઈએ. છેલ્લે હસતાં હસતાં પોતાની વાત પૂરી કરતા કરણ કહે છે કે મને પહેલાં લાગતું હતું કે હું ખૂબ સારો ડિટેક્ટિવ છું પરંતુ હવે મને એ વાત પણ થોડો ડાઉટ છે.
‘દર વખતે અલગ સ્ટોરીમાં ઘુસીને મિસ્ટ્રી સોલ્વ કરવાની મજા અલગ છે’
ઈન્ટરનેશનલ ટ્રેડ શો નો બિઝનેસ કરનાર માનુશ દેસાઈ જણાવે છે કે, મંને ખૂબ મજા પડી. બાળપણથી જ મને મર્ડર મિસ્ટ્રી જોવી અને વાંચવી ખુબ ગમતી. હું મર્ડર મિસ્ટ્રી જોતો હોય ત્યારે મારી રીતે પણ ગુનેગાર કોણ હશે તે અંગે તર્ક લગાવતો હોવ છું. મે મારા ફ્રેન્ડની સ્ટોરીમાં ગેમ વિશે જાણ્યું અને તરત જ પાર્ટિશિપેટ થવાનું મન બનાવી લીધું હતું. મારા મતે દરેક યૂથે અહીં એકવાર ટ્રાઈ કરવું જોઈએ. એક અલગ કેરેક્ટરમાં ઘુસીને મિસ્ટ્રી સોલ્વ કરવાની મજા જ કંઈક અલગ છે. ગેમની સાથે ફૂડ અને આ પ્લેસની વાઈબ પણ ખૂબ સારી છે. દર વખતે આ ગેમનો કોન્સેપ્ટ અને ક્રાઈમ સીન ફરી જાય છે એટલે ખૂબ મજા પડે છે. આ ગેમથી થિકિંગ પ્રોસેસમાં ખૂબ વધારો થાય છે. આ ગેમમાં તમારા બે-ત્રણ કલાક ક્યા જતા રહેશે તમને ખબર પણ નહીં પડે.
‘આ ગેમથી તમને નવા મિત્રો અને કમ્યુનિટી મળે છે’
ઓસ્ટ્રેલિયાથી એજ્યુકેશન પૂરું કરી હાલમાં જ અમદાવાદ પરત આવેલી દેવાંશી આ ગેમ વિશે કહે છે કે, હું અમદાવાદમાં વર્ષો પછી પરત આવી છું. હું છેલ્લી બે વખતથી આ ગેમમાં પાર્ટિશિપેટ કરું છું મને આ ગેમમાં ખૂબ મજા પડે છે. આ ગેમ મારી પર્સનાલિટીને શ્યૂટ કરે છે. આ ગેમથી નવા સંબંધો મળે છે અને નવી કોમ્યુનિટી પણ બંધાય છે. આ ગેમની એક રસપ્રદ વાત એ છે કે તમને આખી કહાની પહેલેથી જ જણાવી દેવામાં નથી મળતી. તમને પાર્ટ પ્રમાણે ધીરે ધીરે માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. તેથી કેટલીક વાતો લોકો પાસેથી જાણી લેવાની અથવા સમજી લેવાની પણ અલગ મજા હોય છે. આ ગેમમાં તમે તમારી પર્સનાલિટીથી તમને જે કેરેટર આપવામાં આવ્યું છે તેને વધારે સારી રીતે અનને ટ્વીસ્ટ કરીને પ્લે કરી શકો છો. આ ગેમનું લોકેશન પણ ખુબ મોટો પાર્ટ પ્લે કરે છે. આ સાથે ફૂ઼ડ પણ ગેમ માટે લેવાતી ફી ને જસ્ટીફાઈ કરે છે અને એડિશનલ વેલ્યૂ પ્રોવાઈડ કરે છે.
આજે દરેક યંગસ્ટરનું પોતાનું એક ગ્રૂપ હોય છે. તે હંમેશા તેમાં જ રચ્યા પચ્યા રહે છે. મારા મતે આ ગેમમાં ભાગ લેવાથી તમે એક નવા ગ્રૂપ અને ઝોનમાં એન્ટર થશો. આ કારણે તમે કદાચ તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકશો જેથી તમને એક નવી ફીલ મળશે. આ ગેમથી તમારું સેલ્ફ ડેવલોપ્મેન્ટ પણ થશે. જેમને મર્ડર મિસ્ટ્રીમાં રસ છે તેમણે અચૂક પણે આ ગેમમાં ભાગ લેવો જોઈએ.