મહીસાગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ક્રાઈમ સામે જાગૃતિ ફેલાવવા માટે અભિનવ પહેલ કરી છે. ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને સાયબર ક્રાઈમ પોલીસે સાયબર સુરક્ષાના સંદેશ સાથેના પતંગોનું વિતરણ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.
.
જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા સાયબર શાખાના પીઆઈ વિમલ ધોરડાની આગેવાનીમાં લુણાવાડા શહેરના મહિલા પોલીસ સ્ટેશન નજીકના મુખ્ય હાઇવે માર્ગ પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સાયબર પોલીસ દ્વારા રસ્તા પરથી પસાર થતા નાગરિકોને સાયબર ક્રાઇમ જાગૃતિના સ્લોગન ધરાવતા પતંગો આપવામાં આવ્યા હતા. સાથે જ લોકોને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અને સાવચેતીઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લોકજાગૃતિ માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ વખતે મહીસાગર પોલીસ દ્વારા લોકપ્રિય તહેવાર ઉત્તરાયણનો ઉપયોગ કરીને સાયબર સુરક્ષાનો સંદેશ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.