મહેસાણા તાલુકાના શોભાસણ ગામમાં લગ્ન વરઘોડામાં નાચવાના મુદ્દે હિંસક ઘટના સર્જાઈ છે. રાત્રિ દરમિયાન બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં 7 વ્યક્તિઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
.
ઘટના અંગે મહેશજી અભુજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભત્રીજાના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન બીજા મહોલ્લાના રણજીત બાજાજી ઠાકોર, કીરણ ઉર્ફે વિજય નાગરજી ઠાકોર સહિત 15 જેટલા લોકો નાચવા લાગ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા બાદ રાત્રે 11 વાગ્યે મંદિર ચોકમાં વરઘોડો પહોંચ્યો ત્યારે આરોપીઓ ધારિયા, પાઈપ અને લાકડીઓ સાથે આવ્યા હતા.
હુમલામાં ફરિયાદીને ધારિયાથી, દિનેશજીને પાઈપથી, અભુજી અને મધુબેનને લાકડીથી તેમજ દિલીપજી અને સંજયજીને પથ્થરમારથી ઈજાઓ થઈ હતી. સામાપક્ષે રણજીતજી બાજાજી ઠાકોરે પણ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ અનિલ દિનેશજી ઠાકોરે ઉશ્કેરાઈને ગાળો બોલી માર માર્યો હતો અને સુનિલે ધારિયાથી હુમલો કર્યો હતો. મહેસાણા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.