– વિદેશમાં નોકરી કરવાનું ભરતનગરના યુવાનનું સપનું રોળાયું
– બેંગ્લોરની કંપનીના બે ડાયરેકટરોએ યુવકને લાલચ આપી નાણાં ખંખેર્યા, બાદમાં અમદાવાદની બ્રાન્ચ પણ બંધ કરી નાસી છૂટયા
ભાવનગર : યુકેમાં નોકરી મેળવી ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોવા જતાં ભાવનગરના યુવકનો યુવક વિઝા કન્સ્લટન્ટ કંપનીની ઠગાઈનો ભોગ બન્યો છે. યુકેમાં નોકરી તેમજ વિઝા અપાવવાના બહાને અમદાવાદમાં બ્રાન્ચ ધરાવતી બેંગ્લોરની કંપનીના સંચાલકોએ આશા,્પદ યુવક પાસેથી કટ-કટકે રૂા. ૨૧ લાખ ખંખેરી લીધા હતા. બાદમાં યુવકને નોકરી, વિઝા કે રકમ પરત ન આપી અમદાવાદ સ્થિત બ્રાન્ચને અલીગઢી તાળું મારી નાસી છૂટતાં આખરે યુવકે બન્ને ડાયરેકટરો વિરૂદ્ધ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે ભાવનગર શહેરના ભરતનગરમાં આવેલ તખ્તેશ્વર હાઈટ્સમાં રહેતા અને શહેરની સૌલ હોસ્પિટલમાં નસગ સ્ટાફ તરીકે નોકરી કરતા કેવલકુમાર કરશનભાઈ મારૂએ યુ.કે.માં નોકરી કરવા જવા પિતા પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની સંમતિ મળતાં તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી યુકેમાં વર્ક વિઝા મેળવવા માટેની તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન બેંગ્લોરમાં આવેલી આઈ ઈ ફોર ગ્લોબલ નામની કંપની અંગે વિગતો મળતાં અને કંપનીની અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ ખાતેના આઈકોનિક શ્યામલ ખાતે બ્રાન્ચ આવી હોવાનું જણાતાં યુવકે સંપર્ક કર્યો હતો. જયાં કંપનીના માણસો ૪૫ દિવસમાં યુકેની વર્ક વિઝા પરમિટ અપાવવાની જવાબદારી લેતા હતા તેવી વિગતો મેળવી હતી.
વિદેશ જવા ઈચ્છુક યુવકે કંપનીના ડાયરેક્ટરો જુહાલ સિરાગ અને શ્રીજીસ પી.શંકરન સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્ક કર્યો હતો. જેમાં આ બન્ને ડાયરેકટરોએ યુકેમાં નોકરી અને વિઝા પરમિટ કઢાવી આપવાની જવાબદારી લીધી હતી, જયારે વિઝ વર્ક પરમિટ સહિત રૂ.૨૨ લાખ નો ખર્ચથશે તેમ જણાવ્યું હતું. જે અંગે યુવકે સંત થઈ તેમના પિતાના બેંક એકાઉન્ટમાંથી રૂા. ૩ લાખનો ચેક અને એગ્રીમેન્ટ મોકલી આપ્યા હતા. જેના બદલામાં યુવકને તા.૩૦ ઓક્ટોબર, ૨૦૨૩ સુધીમાં નોકરીનો પત્ર, વિઝા અને ટિકિટ મળી જશે વિઝા કન્સ્લટન્ટ કંપની દ્વારા જણાવાયું હતુંં. જો કે, કંપનીએ તા.૩૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ યુવકના નામનો સટેક પાર્ક કેર હોમ કંપનીનો સિનિયર કેર વર્કર તરીકેનો ડ્રાફ્ટ મોકલી બાકી રહેતી રકમ રૂા.૧૯ લાખ મોકલી આપવાનું જણાવ્યું હતું. જેના પગલે યુવકે તેમના પિતા અને તેમના પત્નીના બેન્ક ખાતામાંથી અલગ અલગ ચેક મળી કુલ રૂા.૧૯ લાખ મોકલી આપ્યા હતા, આથી કંપનીએ તા.૧૫ નવેમ્બર,૨૦૨૩ સુધીમાં ફાઇનલ નિમણૂક પત્ર અને વિઝા મળી જશે તેમ જણાવ્યું હતું આમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં યુવક અમદાવાદ ખાતે આવેલ કંપનીની ઓફિસે દોડી ગયો હતો જયાં કંપનીના કર્મચારી સૌરભ શાહ મારફત તેમના ડાયરેક્ટરો સાથે વાત પણ કરી હતી ત્યારે કંપનીના ડાયરેક્ટરોએ તમારૂં કામ થઈ શક્યું નથી તેમ જણાવી તમારા ૨૨ લાખ રૂપિયા ૯૦ દિવસમાં પરત આપી દેવાની ખાત્રી આપી હતી. સાથે જ રકમ પરત મેળવવા માટે ઈમેલ કરવા જણાવતા યુવકે ઇમેલ પણ મોકલ્યો હતો. જો કે, લાંબા સમય સુધી રકમ પરત ન આવતાં યુવકે કંપનીના ડાયરેક્ટરોને ફરી ફોન કરતા ડાયરેકટરોએ યુવકના પિતાના ખાતામાં રૂા.એક લાખ ટ્રાન્સફર કરાવી આપ્યા હતા જ્યારે બાકી રહેતી રૂ.૨૧ લાખની રકમ આજ દિવસ સુધી પરત કરી ન હતી. બાદમાં તપાસ કરતાં અમદાવાદ સ્થિત બ્રાન્ચ પણ બંધ હોવાનું જણાતાં યુવકે પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનું જણાતાં આખરે તેમણે ભરતનગર પોલીસ સ્ટેશનમાં વિદેશમાં નોકરી અને વિઝા આપવાના બહાને આઈ ઈ ફોર ગ્લોબલ કંપનીના ડિરેક્ટરો જુહાલ સિરાજ અને શ્રીજીસ પી. શંકરન ( રહે. બંને કલ્યાણનગર, બેંગલોર, કર્ણાટક) વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.